અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) કેસોમાં મોટા ભાગે ઘટાડો થયો છે. રાજય સરકારે કોરોના ગાઈડલાઈનને લગતાં મોટાભાગના નિયંત્રણો દૂર કર્યા છે. આ સમયે કેન્દ્ર સરકારના આરોગ્ય-સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યોના ચીફ સેક્રેટરીને પત્ર લખીને રાજ્ય સરકારો પોતાની રીતે સમીક્ષા કરી વધારાનાં નિયંત્રણો દૂર અથવા હળવાં કરવા માટેની ભલામણ કરી હતી. આજરોજ કોર કમિટીની બેઠકમાં ગુજરાતમાં સ્કૂલ અને કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઇન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગેની જાણકારી શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ ટ્વિટ કરીને આપી હતી.
રાજય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે સોમવારથી એટલેકે 21 ફેબ્રુઆરીના રોજથી રાજયમાં સંપૂર્ણપણે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવશે તેમજ ઓનલાઈન શિક્ષણ બંઘ કરવામાં આવશે. આ નિર્ણય શિક્ષણ તેમજ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. તમામ શાળાઓને ઓફલાઈન શિક્ષણ માટેની પરવાનગી આપી દેવામાં આવી છે. છેલ્લા બે વર્ષથી મોટેભાગે શાળાઓ બંધ હતી. પરંતુ હાલની પરિસ્થિતીને જોતાં શાળાઓ શરૂ કરવા અંગેનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકારના આ નિર્ણય સાથે જ હવે જે ભુલકાઓ કોરોનાને કારણે કેજી નર્સરીમાં પ્રવેશ જ ન કરી શક્યા હતા તેઓ પહેલીવાર સ્કૂલની મજા માણશે. બુધવારે આ ભુલકાઓએ સ્કૂલમાં પ્રવેશ કર્યો હતો. સાથેજ બાળકો જેઓ લાંબા સમયથી શિક્ષણથી વંચિત હતા તેઓ અભ્યાસમાં એકાગ્ર થઈ શકશે. બીજી તરફ સ્કૂલોની સાથે કોલેજોમાં હાલ પરીક્ષાનો માહોલ છે. ત્યારે હવે સમગ્ર ગુજરાતમાં સ્કૂલો શરૂ થઈ જતા ઓનલાઈન શિક્ષણથી કંટાળેલા બાળકો ફરી સ્કૂલે જઈ અભ્યાસમાં રૂચિ કેળવશે.