વાપી : (Vapi) વાપી ટાઉન પોલીસ મથકના લોકઅપ (Lock up) સાથે દુપટ્ટો બાંધી ૭૦ વર્ષની મહિલાએ (Old Women) આપઘાત (Suicide) કરી લેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. નવસારીની દારૂ (liquor ) સાથે ઝડપાયેલી ત્રણ મહિલા પૈકી વૃદ્ધાએ આપઘાત કરી લેતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. વાપીના ચલા આરોગ્ય કેન્દ્રમાં પેનલ પીએમમાં મહિલાના મોતનું કારણ ફાસો ખાવાથી મોત જણાયું હતું.
- એસટી બસમાં દારૂ લઈ જતી વખતે 70 વર્ષીય લતા ગવાની સહિત 3 મહિલા પકડાઈ હતી
- માથું દુ:ખતું હોવાની ફરિયાદ કરતા વૃદ્ધાને લોકઅપની બહાર કાઢી પોલીસે પાણી પીવડાવ્યું હતું
- પાણી પીધા બાદ વૃદ્ધાએ દુપટ્ટાથી લોકઅપના સળીયા સાથે ફાસો ખાઈ લીધો હતો
વાપી ટાઉન પોલીસ મથકમાં નવસારીની ત્રણ મહિલાઓ દારૂની સાથે ઝડપાઈ હતી. એસટી બસમાં દારૂ લઇ જતી ત્રણ મહિલાને પોલીસે ઝડપી પાડી હતી. જે પૈકી ૭૦ વર્ષની લતા ઉર્ફે સુશીલાબેન યુવરાજ ગવાની નામની વૃદ્ધાને માથું દુઃખતું હોવાનું જણાવતા પોલીસે લોકઅપ બહાર કાઢીને પાણી પીવડાવ્યું હતું. એ દરમિયાન આ આ વૃદ્ધાએ દુપટ્ટાથી લોકઅપના સળીયા સાથે ફાસો ખાઇ લીધો હતો. આ વૃદ્ધાના મૃતદેહને ચલાના આરોગ્ય કેન્દ્રમાં લઇ જઇ પેનલ પીએમ કરાવ્યું હતું. જેમાં મહિલાએ ફાસો ખાધો હોવાથી તેનું મોત થયું હોવાનું જણાયું છે. જોકે દારૂ સાથે ઝડપાયેલી મહિલાએ પોલીસ કસ્ટડીમાં આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. વાપી ટાઉન પોલીસે આ મહિલા સામે ૯,૩૭૫ રૂપિયાના દારૂનો કેસ તેમજ મહિલાએ નશો કર્યો હોવાનો કેસ પણ કર્યો હતો. વલસાડ પોલીસ અધિક્ષક તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓ વાપી ટાઉન પોલીસ મથકમાં જઇ આ બનાવ અંગે વિગતો મેળવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ દ્વારા પણ આખા બનાવ અંગે વિગતો મેળવી હતી. વાપી ટાઉન પોલીસ મથકમાં પોલીસ કસ્ટડીમાં થયેલા મોતને લઇને ઉચ્ચ અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ કસ્ટડીમાં મહિલાએ આપઘાત કેમ કર્યો ?
વાપી ટાઉન પોલીસ મથકમાં દારૂ સાથે ઝડપાયેલી ૭૦ વર્ષની મહિલાએ આપઘાત કેમ કર્યો તે પ્રશ્ન ઉપસ્થિત થાય છે. દારૂના ધંધામાં આ મૃતક મહિલા લતા ઉર્ફે સુશીલા ગવાની સામે દારૂના ૭ કેસ છે. જયારે વાપી ટાઉન પોલીસ મથકમાં ૩ કેસ છે. વાપી જીઆઇડીસી પોલીસ મથકમાં ૪ કેસ છે. આમ દારૂના માત્ર ૧૪ કેસ આ મહિલા સામે થયા છે. તો આ મહિલાએ આપઘાત કેમ કર્યો ? તે પ્રશ્ન વિચાર માગી લે તેવો છે. આ આપઘાતના કેસમાં પોલીસની તપાસમાં શું બહાર આવે છે તે જોવું રહ્યું.