Dakshin Gujarat Main

મોતને કોઈ બહાનું જોઈએ: બારડોલીમાં સામાન્ય ઝઘડામાં બની એવી ઘટના કે જાણીને ચોંકી જશો

બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાના કડોદ ખાતે દેસાઇ ફળિયામાં પત્ની સાથે છૂટાછેડા (Divorce) બાદ બાળકોના (Children) કબજા બાબતે થયેલી બોલાચાલીમાં યુવકે સાળાનું ગળું દબાવી હત્યા (Murder) કરી નાંખતાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે સ્થળ પર પહોંચી બે શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જોકે આ ઘટનાની કરૂણાંતિકા એ છે કે એકના વાંકે ત્રણ જણ મોતને ભેટ્યા હતા.

  • છૂટાછેડા બાદ બાળકોનો કબજો લેવા બાબતે થયેલા ઝઘડામાં બનેવીએ સાળાની હત્યા કરી નાંખી
  • હત્યાની જાણકારી આપવા જતા મૃતક જયેશના દોસ્ત ધર્મેશનું ખેંચ આવતા મોત
  • ધર્મેશના મોતની વાત સાંભળતા ધર્મેશના દાદીનું હાર્ટએટેકથી મોત

પ્રાપ્ત માહિતી અનુસાર કડોદના દેસાઇ ફળિયામાં રહેતા કિશન બાલુ રાઠોડે આજથી પાંચ વર્ષ અગાઉ ફળિયાની જ પાયલ રમેશ રાઠોડ સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ સંતાનમાં તેમને બે બાળક હતાં. આ દરમિયાન પાયલ અને કિશન વચ્ચે કોઈક કારણોસર ઝઘડો થતાં એક વર્ષ પહેલાં જ સામાજિક રાહે છૂટાછેડા લઈ લીધા હતા. છૂટાછેડાની શરતો મુજબ એક બાળક પાયલ પાસે અને એક બાળક કિશન પાસે રહેશે એવી શરત મંજૂર કરવામાં આવી હતી. જો કે, કિશન બંને બાળક પોતાની પાસે રાખવા માંગતો હોવાથી મંગળવારે રાત્રે સમાજના લોકોની બેઠક મળી હતી. જેમાં કિશન અને તેનો સાળો જયેશ રમેશ રાઠોડ (ઉં.વ.25) વચ્ચે ઝઘડો થયા બાદ બંને પક્ષ વચ્ચે ઝપાઝપી થઈ હતી. કિશને ગુસ્સામાં આવીને સાળા જયેશનું ગળું દબાવી દેતાં જયેશનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. પોલીસે આ ઘટનામાં કિશન બાલુ રાઠોડ અને પ્રવીણ ઉર્ફે માંગુ ઠાકોર રાઠોડની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

હત્યાની જાણ કરવા ગયેલા યુવકને ખેંચ આવતાં અને યુવકની દાદીનું હાર્ટ એટેકથી મોત
કડોદના દેસાઈ ફળિયામાં હત્યાની ઘટના બાદ મૃતક જયેશનો મિત્ર ધર્મેશ તેની બહેનને આ સમાચાર આપવા માટે મોટરસાઇકલ પર જઈ રહ્યો હતો. ત્યારે તેનું મોટરસાઇકલ સ્લિપ થઈ જતાં નીચે પટકાયા બાદ તેને ખેંચ આવી ગઈ હતી અને ધર્મેશનું મોત થયું હતું. ધર્મેશનું પણ મોત થયું હોવાની વાત જાણવા મળતાં ફળિયામાં શોકની કાલીમા છવાઈ ગઈ હતી. આ મોતની વાત ધર્મેશની દાદી રેવા રમેશ રાઠોડ (ઉં.વ.70)ને જાણવા મળતાં તે પણ જોવા માટે દોડી હતી. જ્યાં તેણીને હૃદયરોગનો હુમલો આવતાં તેનું પણ મોત થયું હતું. એક જ ફળિયામાં એકસાથે ત્રણ ત્રણ મોત થતાં ગમગીની છવાઈ ગઈ હતી.

Most Popular

To Top