સુરત: પાસોદરામાં માતા અને ભાઈની નજર સામે 21 વર્ષીય યુવતી ગ્રીષ્મા વેકરીયાની તેના એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમી ફેનિલ ગોયાણીએ ગળું કાપી હત્યા કરી દેવાની ઘટનાએ પાટીદાર સમાજને હચમચાવી મુક્યો છે. સમાજના યુવાનો આડા માર્ગે જઈ રહ્યાં હોવાની લાગણી સમાજના શ્રેષ્ઠીઓને થઈ ગઈ છે. સમાજની દીકરીઓ સુરક્ષિત નહીં હોવાનું પણ સમાજના આગેવાનો સમજી ચૂક્યા છે. ગ્રીષ્માની જેમ બીજી દીકરીઓએ આવું સહન નહીં કરવું પડે તે માટે હવે પાટીદાર સમાજ દીકરીઓને સેલ્ફ ડિફેન્સ અને કરાટે શીખવાડવાનું નક્કી કર્યું છે અને સાથે જ બગડેલા યુવાનોને સુધારવા પણ અભિયાન છેડશે.
ગ્રીષ્માની હત્યાની ઘટના બાદથી છેલ્લાં 3 દિવસથી પાટીદાર સમાજની વિવિધ 21 જેટલી સંસ્થાઓના આગેવાનો વચ્ચે રોજ મિટીંગોનો દોર ચાલી રહ્યો છે. આવી ઘટનાઓ ભવિષ્યમાં નહીં બને તે માટે પાટીદાર સમાજ નક્કર આયોજન કરવા માંગે છે. આવી ઘટના બની જ કેમ? તેના મૂળમાં જવાનો પ્રયાસ શ્રેષ્ઠીઓ કરી રહ્યાં છે. ત્રણ દિવસના વિચારમંથનમાં એવી વિગતો સપાટી પર આવી છે કે પાટીદાર યુવાનો નશા, સેક્સના રવાડે ચઢ્યા છે. તેઓને સુધારવા પડશે. આ માટે પાટીદાર સંસ્થાઓ પાનના ગલ્લાંથી શરૂઆત કરનાર છે.
પાટીદાર આંદોલનના નેતા ધાર્મિક માલવિયાએ જણાવ્યું કે, ખોડલધામ સુરત સમિતીના નેજા હેઠળ 21 જેટલી સામાજિક સંસ્થાઓ મનોમંથન કરી રહી છે. આગામી 20-21 તારીખના રોજ મોટી સભા કરવાનું પ્લાનિંગ છે. હજું કાંઈ નક્કી થયું નથી. પરંતુ એ વાત નક્કી છે કે હવે પાટીદાર સમાજે પોતાની દીકરીઓની સુરક્ષા માટે અને યુવાનોને સુધારવા માટે જાગવું પડશે.
આગામી દિવસોમાં દીકરીઓ માટે કરાટે અને સેલ્ફ ડિફેન્સના કેમ્પ શરૂ કરવામાં આવશે. વિસ્તાર મુજબ કેમ્પ ચાલુ થશે. વરાછાથી લઈ સરથાણા, કામરેજ, પાસોદરા સુધીના વિસ્તારોને સમાવી લેવાશે. ઘેર ઘેર જઈ દીકરીઓને સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ લેવા સમજાવામાં આવશે. દર રવિવારે કરાટેના ક્લાસીસ ચાલુ કરાશે.
સોસાયટીના પ્રમુખો સાથે મિટીંગોનો દોર, વિસ્તાર મુજબ ટીમો બનશે
હાલમાં સામાજિક આગેવાનો દ્વારા વિવિધ વિસ્તારમાં સોસાયટીના પ્રમુખો સાથે મિટીંગનો દોર ચલાવવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં રેસીડેન્ટ સોસાયટી મુજબ વિસ્તારોની વહેંચણી કરી 3-3 ટીમ બનાવવામાં આવશે. આ ટીમ દીકરીઓની સુરક્ષા તેમજ યુવાનોને વ્યસનોથી દૂર રાખવા માટેની કામગીરી કરશે. પાનના ગલ્લાં, કપલ બોક્સ, સ્પા જેવા ઠેકાણા પર જઈ યુવાનોને સમજાવશે. જરૂર પડ્યે પોલીસને સાથે રાખી યુવાનો સામે કડકાઈ દાખવશે.
ભાડેથી બીએમડબ્લ્યુ લઈ વરાછાના યુવાનો ફેરવે છે
ચા-પાંચ દાયકા પહેલાં સૌરાષ્ટ્રથી પાટીદારો સુરત આવ્યા હતા. મહેનત કરી અહીં બે પૈસા કમાયા હતા, પરંતુ નવી પેઢીને પોતાના બાપ-દાદાનો સંઘર્ષ યાદ રહ્યો નથી. નવી પેઢી પાનના ગલ્લાં, કપલ બોક્સ, સ્પામાં જઈ નશા અને સેક્સમાં જીવન બગાડી રહ્યો છે. કેટલાંય યુવાનોની કમાણી 5-10 હજાર હોય છે પરંતુ તેઓ વટ મારવા બીએમડબ્લ્યુ જેવી ગાડીઓ ભાડે લઈ ફેરવી રહ્યાં છે. ગૂગલ-પેટીએમની ક્રેડીટ લઈ વાપરી રહ્યાં છે. આવા યુવાનોને સુધારવા માટે હવે પાટીદાર સમાજના આગેવાનો આગળ આવે તેવું પ્લાનિંગ ચાલી રહ્યું છે.