SURAT

પાંચ આઇડિયલ માણસોની યાદીમાંથી બાપુને હટાવી દેવાયા, શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું સંપૂર્ણ મોદીકરણ

સુરત(Surat): નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં (School) મહાત્મા ગાંધીની (Mahatma Gandhi) બાદબાકી કરીને તેમનાં સ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સહિતના પાંચ આદર્શ પુરુષોના ફોટા (Photo) મૂકવામાં આવતાં વિવાદનો વંટોળ ઊઠ્યો છે.

સમિતિ દ્વારા સોમવારે શાળાઓમાં લગાવવા માટે ખરીદી કરવામાં આવેલી ફોટોફ્રેમમાં સરદાર વલ્લભભાઇ પટેલ, ડો.બાબાસાહેબ આંબેડકર, સર્વપલ્લી રાધાકૃષ્ણન અને ભારત માતા તેમજ પાંચમાં આદર્શ પુરુષ તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો મૂકવામાં આવશે. સમિતિ દ્વારા આ પ્રકારના 400 જેટલા સેટ, 6 લાખ રૂપિયામાં ખરીદી કરીને શાળાઓને મોકલશે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં અભ્યાસ કરી રહેલા દોઢ લાખ કરતા વધારે વિદ્યાર્થીઓને આદર્શ શિક્ષણની સાથે આદર્શ પુરુષોની ઓળખ કેળવી શકે એ માટે શાળામાં વિવિધ ફોટાઓ મૂકવામાં આવતા હોય છે. જે માટે સમિતિના વર્તમાન સત્તાધિશોએ 6 લાખ રૂપિયાના ખર્ચે કુલ 400 જેટલી ફોટોફ્રેમ ખરીદી કરવાની બાબતને સોમવારે સામાન્ય સભામાં રજૂ કરવામાં આવી હતી. આ બાબતમાં આશ્ચર્યજનક બાબત એ જોવા મળી હતી કે, મોટા ભાગે શાળાઓમાં જોવા મળતી ફોટો ફ્રેમમાં અત્યાર સુધી ભારતના રાષ્ટ્રપિતા ગાંધીજીનો ફોટો જોવા મળતો હતો. જો કે, સુરત શિક્ષણ સમિતિએ ખરીદી કરેલી ફોટો ફ્રેમમાં સરદાર વલ્લભભાઇ પટેલ, ડો.બાબાસાહેબ આંબેડકર, સર્વપલ્લી રાધાકૃષ્ણન અને ભારત માતા તેમજ પાંચમાં આદર્શ પુરુષ તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ અંગે વિરોધ પક્ષ દ્વારા સોશિયલ મીડિયામાં વિરોધ નોંધાવ્યો હતો.

Most Popular

To Top