અમદાવાદ: (ahmedabad) આજનો યુગ ટેકનોલોજીનો યુગ છે. દરેક વ્યક્તિ આધુનિકતા પર નિર્ભર છે. ત્યારે હવે એ સમય દૂર નથી જ્યારે આપણે સૌ રોબોટિક વિશ્વનો હિસ્સો બનીશું અને જ્યાં દરેક કામ માટે આપણે રોબોટ પર નિર્ભર થઈ જઈશું. ગુજરાતે તો આ બાબતે આધુનિકતા તરફ એક કદમ માંડી પણ દીધો છે. અમદાવાદના વસ્ત્રાપુર ખાતે સ્ટાર્ટ અપ ઈન્ડિયા (Start up India) અંતર્ગત રોબોટીક કાફેની (Robotic Cafe) શરૂઆત થઈ છે. જેનું મંગળવારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ઉદ્ઘાટન કરાયું છે. આ રેસ્ટોરેન્ટ સંપૂર્ણપણે ઓટોમેટેડ છે. અહીં સમગ્ર કાફેનું સંચાલન રોબોટ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદના વસ્ત્રાપુર ખાતે શરૂ થયેલ રોબોટીક કાફેની ખાસીયત એ છે કે તેને એક ભારતીય દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. રોબોટ અને તમામ સુવિધાઓ માટે કાફે પાછળ અંદાજે 50 લાખનો ખર્ચ થયો છે. આકાશ ગજ્જર નામના યુવકે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારના ઓટોમેટિક મશીનો તૈયાર કર્યા છે. જેમાં જરૂરી ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. નોંધનીય છે કે દેશના અન્ય ઘણા ભાગોમાં રોબોટિક કાફે છે પરંતુ તેમાંથી મોટાભાગના બહારથી આયાત કરવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદમાં આકાશ ગજ્જર સહિત અન્ય 100 જેટલા એન્જિનીયરીંગના વિદ્યાર્થીઓએ ભેગા મળીને રોબોટીક કાફે તૈયાર કર્યું છે. આગામી 3 મહિનામાં દેશભરમાં 1 હજાર જેટલા આઉટલેટ શરૂ કરવાનો તેમનો લક્ષ્યાંક છે.
શું હશે આ કાફેમાં?
રોબોટીક ફાફેમાં અલગ-અલગ 4 પ્રકારના રોબોટ મુકાયા છે. જેમાં સર્વિંગ રોબોટ, ડાન્સિંગ રોબોટ, મ્યુઝિકલ રોબોટ, તેમજ કમ્યુનિકેશન કરે તેવા રોબોટ તૈયાર કરાયા છે. કોરોના પછી લોકો વધુ હાઈજેનિક થઈ ગયા છે. આવી સ્થિતિમાં તેમને આ કેફેમાં કોન્ટેક્ટલેસ સર્વિસ મળશે. કાફેમાં રસોડામાં માત્ર બે જ લોકો હશે. બાકીનું કામ રોબોટ દ્વારા કરવામાં આવશે અથવા તમારે તેને ઓટોમેટિક મશીનથી લેવું પડશે. કેફેમાં પ્રવેશ્યા પછી, ગ્રાહકે ટેબલ પરનો બારકોડ સ્કેન કરીને ઓર્ડર આપવાનો રહેશે. ઓર્ડર આપ્યા પછી તમારું ભોજન રોબોટ દ્વારા પીરસવામાં આવશે. જેના માટે તમારે રોબોટ પર QR કોડ સ્કેન કરીને ચૂકવણી કરવી પડશે.
આ સિવાય કેફેમાં પાણી અને જ્યુસ માટે એક રોબોટ પણ છે, જે ગ્લાસને તેની પાસે લેતાની સાથે જ સેન્સર દ્વારા પાણી અને જ્યુસ આપશે. આ સિવાય એક રોબોટ છે જે લોકોની સમસ્યાના નિરાકરણ માટે સંપૂર્ણ રીતે હાજર રહેશે. જાપાન, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયામાં આવા કાફે છે જ્યાં ચા, ફોફી, જ્યુસ, પાણીપુરી, ભેળપુરી જેવી વસ્તુઓ રોબોટ સર્વ કરે છે. સેન્ડવીચ, પફ, સમોસા અને મેગી જેવા નાસ્તા પણ રોબોર્ટ સર્વ કરશે.