Business

શિવમંદિરનાં અન્ય તત્ત્વો

નિરાકાર શિવ તત્ત્વના પ્રતીકરૂપે શિવલિંગ છે. આમ છતાં શિવનું એક સાકાર સ્વરૂપ પણ છે. આ સ્વરૂપ માત્ર કલ્પના નથી પરંતુ અધ્યાત્મ જગતનું એક રહસ્યપૂર્ણ સત્ય છે. આ શિવસ્વરૂપમાં પણ ઘણાં રહસ્યપૂર્ણ અને સાંકેતિક સત્યો સમાયેલાં છે.
1. પંચવકત્ર
શિવને પંચવકત્ર ગણવામાં આવે છે અર્થાત્ શિવને પાંચ મુખ છે. કોઈક કોઈક શિવમંદિરમાં પંચમુખ શિવલિંગ પણ હોય છે. શિવનાં આ પાંચ મુખનાં નામ આ પ્રમાણે છેઃ (૧) સદ્યોજાત, (૨) વામદેવ, (૩) અઘોર, (૪) તત્પુરુષ, (૫) ઈશાન.
આ પંચાભૂતાત્મક સૃષ્ટિમાં સર્વત્ર શિવતત્ત્વ છે, અર્થાત્ આ સૃષ્ટિમાં શિવ પાંચ ભૂતો દ્વારા વ્યક્ત થાય છે. શિવતત્ત્વ પાંચ ભૂતો દ્વારા વ્યક્ત થાય છે તેથી તે પંચમુખ છે.

૧ સદ્યોજાત: પૃથ્વી તત્ત્વમાં વ્યક્ત થયેલું શિવમુખ.
૨.વામદેવ: જલ તત્ત્વમાં વ્યક્ત થયેલું શિવમુખ.
૩ અઘોર: અગ્નિ તત્ત્વમાં વ્યક્ત થયેલું શિવમુખ.
૪ તત્પુરુષ: વાયુ તત્ત્વમાં વ્યક્ત થયેલું શિવમુખ.
૫ ઈશાન: આકાશ તત્ત્વમાં વ્યક્ત થયેલું શિવમુખ.

૨. ત્રિનેત્ર
શિવ ત્રિનેત્ર છે. બે નેત્ર તો સૌને હોય છે પરંતુ શિવને કપાળની વચ્ચે ત્રીજું નેત્ર પણ છે. આ તૃતીય નેત્ર શિવની વિશિષ્ટ દૃષ્ટિનું સૂચક છે.આ જગતનું જ્ઞાન આપણે જ્ઞાનેન્દ્રિયો દ્વારા મેળવીએ છીએ, તેથી જ્ઞાનેન્દ્રિયો પ્રથમ નેત્ર છે. આને જ ‘પ્રત્યક્ષ પ્રમાણ’ પણ કહે છે. જ્ઞાનપ્રાપ્તિનું દ્વિતીય કરણ બુદ્ધિ છે. જે વિષયનું જ્ઞાન જ્ઞાનેન્દ્રિયો દ્વારા ન મળે તેનું જ્ઞાન બુદ્ધિપૂર્વક વિચારી, શોધીને મેળવવામાં આવે છે. આમ બુદ્ધિ દ્વિતીય નેત્ર છે. આને જ ‘અનુમાન-પ્રમાણ’કહે છે. સામાન્ય માનવી પાસે જ્ઞાનપ્રાપ્તિનાં આ બે કરણ છે અર્થાત્ સામાન્ય માનવી પાસે બે આંખો છે. અધ્યાત્મ જગતનું જ્ઞાન મેળવવા માટે આ બે નેત્રો પર્યાપ્ત નથી. આધ્યાત્મિક જ્ઞાન પ્રત્યક્ષ કે અનુમાન પ્રમાણનો વિષય બની શકે તેમ નથી અર્થાત્ તે જ્ઞાનેન્દ્રિયો કે બુદ્ધિ દ્વારા કે બંને દ્વારા સંયુક્ત રીતે પણ મેળવી શકાય તેમ નથી. તો આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન કયું ? તે કેવી રીતે મેળવી શકાય? તે માટેનું સાધન છે અપરોક્ષાનુભવ અર્થાત્ દિવ્ય દૃષ્ટિ. જે જ્ઞાન પ્રત્યક્ષ કે અનુમાન (પરોક્ષ) એમ એકેય પ્રમાણથી ન મળે તે જ્ઞાન સાક્ષાત દર્શન-અપરોક્ષાનુભવ અર્થાત દિવ્ય દૃષ્ટિથી મળે છે. આ દિવ્યદૃષ્ટિ તે જ જ્ઞાનનું તૃતીય કરણ છે. તેને જ તૃતીય નેત્ર કે શિવનેત્ર પણ કહે છે. શિવ તો જ્ઞાનસ્વરૂપ છે. તેમની દિવ્ય દૃષ્ટિ તો અમોઘ અને સર્વોત્કૃષ્ટ જ હોય. શિવજી આ ત્રણે સ્વરૂપના જ્ઞાનથી સંપન્ન છે. આ ત્રણે પ્રકારના જ્ઞાનનાં કરણો તેમને સદા ઉપલબ્ધ છે. તેથી શિવને ત્રિનેત્ર કહ્યા છે.

3. નાગ
શિવના મસ્તક પર ફણીધર નાગ છે. આપણે જોઈ ગયા છીએ કે ફણીધર નાગ જાગ્રત કુંડલિનીનું પ્રતીક છે. જાગ્રત થયેલી કુંડલિની શક્તિ મૂલાધારથી સહસ્રારમાં પહોંચે છે અને સહસ્રારમાં શિવ-શક્તિનું મિલન થાય છે. આ રહસ્ય ફણીધર નાગ દ્વારા સૂચિત થાય છે. શિવજીમાં શક્તિતત્ત્વ સદા જાગ્રત અવસ્થામાં વિદ્યમાન છે જ. શિવના મસ્તક પર શક્તિ પણ છે જ કારણ શિવ શક્તિ સંલગ્ન છે. શિવના મસ્તકમાં જાગ્રત શક્તિ પણ છે જ તેમ સૂચવવા માટે શિવ મસ્તક પર નાગ બિરાજમાન છે.

૪. ચંદ્ર:
શિવ-મસ્તક પર દ્વિતીયાનો ચંદ્ર શોભે છે. દ્વિતીયાનો ચંદ્ર કાળનું પ્રતીક છે. ચંદ્રમાં વધઘટ થાય છે. ચંદ્રની કળામાં વૃદ્ધિ અને ક્ષય થયા કરે છે. તેના દ્વારા કાળક્રમ સૂચિત થાય છે. શિવજીના મસ્તક પર ચંદ્ર બિરાજમાન છે તેનો અર્થ એમ કે શિવજી કાળને ધારણ કરે છે. જે કાલાતીત હોય તે જ કાળને ધારણ કરી શકે છે. શિવ કાલાતીત છે પરંતુ કાળને ધારણ કરે છે. આ સત્ય શિવમસ્તક પર રહેલા ચંદ્ર દ્વારા સૂચિત થાય છે.

૫. શુભ્ર-ધવલ-વર્ણ
શિવજીનો વર્ણ શુભ્ર-ધવલ છે. શિવજીને  ‘ रजतगिरिनिभं ’ કહે છે. ‘ रजतगिरिनिभं ’ એટલે ચાંદીના પહાડ જેવા શુભ્ર-ધવલ-વર્ણયુક્ત. વિષ્ણુ, રામ, કૃષ્ણ આદિને શ્યામવર્ણ ગણવામાં આવે છે, જગદંબા ગૌરવર્ણ છે પરંતુ શિવજીનો વર્ણ ઘણો વિશિષ્ટ છે. ચાંદી જેવો શુભ્ર-ધવલ-વર્ણ, જે ઘણો વિશિષ્ટ અને અસામાન્ય ગણાય તેવો વર્ણ શિવજીનો છે. શુભ્ર-ધવલ-વર્ણ દ્વારા એમ સૂચિત થાય છે કે શિવજી શુદ્ધ ચૈતન્ય છે. વળી આ શુભ્ર-ધવલ-વર્ણ ચાંદી સમાન અર્થાત્ પ્રકાશયુક્ત છે. પ્રકાશયુક્ત શુભ્ર, ધવલ-વર્ણમાં પ્રકાશ તત્ત્વ અને ધવલતા એ બે અંગો છે. આ બંને અંગો અર્થાત્ લક્ષણો શુદ્ધ ચૈતન્યનાં છે. આપણી અધ્યાત્મ પરંપરામાં શુદ્ધ તત્ત્વને ધવલ-વર્ણ દ્વારા અને ચૈતન્યને પ્રકાશ તત્ત્વ દ્વારા સૂચવવામાં આવે છે. આમ પ્રકાશયુક્ત-ધવલ-વર્ણ દ્વારા શુદ્ધ ચૈતન્ય સૂચિત થાય છે અર્થાત્ શિવજી એટલે શુદ્ધ ચૈતન્ય.

૬. મસ્તક પર ગંગા :
શિવજીના મસ્તક પર ગંગાજી બિરાજમાન છે. ગંગા એટલે જ્ઞાનગંગા. ગંગાજી જ્ઞાનનું પ્રતીક છે. શિવજીના મસ્તક પર જ્ઞાનગંગા શોભે છે. શિવજી જ્ઞાનસ્વરૂપ છે તેમ સૂચવવા માટે શિવમસ્તક પર જ્ઞાનગંગા છે. પાર્વતીજી શિવની શક્તિ છે અને ગંગાજી શિવનું જ્ઞાન છે. શિવજી જ્ઞાનશક્તિયુક્ત છે. આમ, શિવમસ્તક પર રહેલાં ગંગાજી દ્વારા શિવજીનું શુદ્ધ જ્ઞાનસ્વરૂપ સૂચિત થાય છે.                               (ક્રમશ:)

Most Popular

To Top