Business

ૐ અને ગાયત્રીમંત્ર

અગાઉના લેખમાં “ૐ – હિન્દુ સનાતન ધર્મ – પંચાયતન” (પંચદેવ)ને ધ્યાનમાં રાખીને મૂળ સનાતન ધર્મમાં ૐ અંગેનું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કર્યો. આજે તેને આગળ ધપાવીને ‘ગાયત્રીમંત્ર’ કે જેનું મહત્ત્વ દરેક વેદો, ઉપનિષદો, પુરાણોમાં દર્શાવવામાં આવ્યું છે તેની સાથે ૐ નું મહત્ત્વ સમજીએ. ગાયત્રીમંત્ર અથવા સાવિત્રીમંત્રનો મહિમા અનંત છે. આ મંત્રમાં અદભુત શક્તિ રહેલી છે. આ મંત્રનાં ઉચ્ચારણો સમજવાથી ઈશ્વરની પ્રાપ્તિ થાય છે તેવું માનવામાં આવે છે. એક અદભુત ફળ આપતા મંત્ર તરીકે પણ ગાયત્રીમંત્રને માનવામાં આવે છે. અમેરિકાના ડૉ. હોવર્ડના સંશોધન પ્રમાણે ગાયત્રીમંત્ર પ્રતિ સેકન્ડ ૧૦૦૦૦૦થી વધુ તરંગ ઉત્પન્ન કરે છે. ગાયત્રી વેદમાતા છે અને ત્રણે વેદના અર્થનું પ્રતિપાદન કરે છે.

ગાયત્રી એક છંદ પણ છે. ગીતા ૧૦.૩૫ માં કહ્યું છે કે “સામવેદના મંત્રોમાં હું બૃહત્સામ છું અને સર્વ છંદોમાં હું ગાયત્રી છું.”  ઋગ્વેદના સાત પ્રસિદ્ધ છંદોમાં (ગાયત્રી, ઉષ્ણિક, અનુષ્ટુપ, બૃહતી, વિરાટ, ત્રિષ્ટુંપ અને જગતી) ત્રિષ્ટુંપને બાદ કરતાં સૌથી વધુ ઉપયોગ ગાયત્રી છંદનો છે. ગાયત્રી છંદમાં આઠ આઠ અક્ષરના ત્રણ ચરણ હોય છે. ગાયત્રીના ત્રણ પદ છે. ત્રિપદા એટલે ગાયત્રી. જયારે છંદ અથવા વાણીના રૂપમાં સૃષ્ટિના પ્રતીકની કલ્પના કરવામાં આવે ત્યારે આ વિશ્વને ત્રિપદા ગાયત્રી સ્વરૂપ માનવામાં આવે છે.  ઋગ્વેદ મંડળ ૩.૬૨.૧૦ માં આપેલા મંત્ર સાથે ‘ૐ ભૂર ભુવ: સ્વહ:’ ઉમેરવાથી આ મંત્ર બન્યો છે. (ભૂર ભુવ: સ્વઃ: ને લેખાંક-૧માં સમજ્યા) ગાયત્રીમંત્રનું ૐ સાથેના ઉચ્ચારણનું મહત્ત્વ તૈતરીય અરણ્યક (૨.૧૧.૧-૮) માં સમજાવ્યું છે. યજુર્વેદ (૪૦.૧૭) માં પરમાત્મા ૐની પ્રાર્થના માટે આ મંત્રનું મહત્ત્વ દર્શાવ્યું છે.

આ ઉપરાંત સામવેદ (૨.૮૧૨), તૈતરીય સંહિતા (૧.૫.૬.૪, ૧.૫.૮.૪) વગેરેમાં પણ આ મંત્રનું મહત્ત્વ સમજાવ્યું છે. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંધના, પ્રથમ અધ્યાયના, પ્રથમ શ્લોક્માં જ મહર્ષિ વ્યાસમુનીએ “સત્યમ પરમ ધીમહિ” પદ મૂકી ગાયત્રીમંત્ર ભાગવતનું બીજ છે એમ પ્રતિપાદન કર્યું છે અને સાથે જ એવું સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે ગાયત્રી બીજ છે, વેદ વૃક્ષ છે અને શ્રીમદ ભાગવત ફળ છે.   આ મંત્ર દેવી સાવિત્રીને સમર્પિત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ‘સવિતર’ એટલે કે વૈદિક સૂર્ય ભગવાનની પ્રાર્થનામાં પણ આ મંત્ર વપરાય છે. આ મંત્રની શરૂઆતમાં ૐ નું ઉચ્ચારણ થાય છે. હું માનું છું કે ગાયત્રી પરિવારના  સભ્યો આ મંત્રને વધુ સારી રીતે સમજાવી શકે પરંતુ અહીં ૐ ના અનુસંધાનમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું.  મંત્ર તો બધા જાણતા જ હશે એટલે મંત્ર અહીં નથી લખતો પરંતુ મંત્રનો ગુજરાતીમાં ભાવાર્થ લગભગ આવો થાય “આ પ્રાણસ્વરૂપ, દુઃખનાશક, સુખસ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવસ્વરૂપ પરમાત્માને અમે અંતરાત્મામાં ધારણ કરીએ છીએ. પરમાત્મા અમારી બુદ્ધિને સદમાર્ગમાં પ્રેરિત કરે’’ તૈતરીય અરણ્યકમાં વધુ ૨ મંત્રો બતાવ્યા છે જે કદાચ બધાને ખબર ન પણ હોય, આથી અહીં લખું છું. આ બંને મંત્રો નીચે મુજબ છે.

ૐ  ભૂ: ૐ ભુવ: ૐ  સ્વઃ
“ૐ મહ: ૐ જન: ૐ તપ:, ૐ સત્યમ”   ૐ  તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ !
ધિયો યોન: પ્રચોદયાત !!
ૐ આપો જ્યોતિ રસોમૃતમ બ્રહ્મ ભૂર્ભુવ: સ્વરોમ
આ ઉપરાંત એક ધ્યાન મંત્ર પણ છે. જે નીચે મુજબ છે. “મુક્ત-વિદ્રુમ-હેમ-નીલ-ધવલચ્છારયેમુખસ્ત્રીક્ષણે- યુકતામિન્દુ- નિબદ્ધ-રત્નમુકુંટા-તત્વાર્થ વર્ણાત્મિકામ  I
ગાયત્રીમ વરદા-અભય:-અંકુશ-કશા:-શુભ્રમ કપાલમ ગુણ-શંખચક્રમથારવિન્દુયુગલમ હસ્તેર્વહંતી ભજે II”

અર્થાત “મોતી, મૂંગા, સુવર્ણ, નીલમ તથા હીરા વગેરે રત્નોથી જેમનું મુખમંડળ ઉલ્લાસિત થઇ રહ્યું છે, ચંદ્રમા રૂપી રત્ન જેમના મુગટમાં શામેલ છે, જે આત્મતત્ત્વનો બોધ કરાવે છે, જેમણે વરદ મુદ્રાથી યુક્ત બંને હાથોમાં અંકુશ, અભય, ચાબુક, કપાલ, વીણા, શંખ, ચક્ર, કમળ ધારણ કર્યાં છે, એવા ગાયત્રીદેવીનું અમે ધ્યાન કરીએ છીએ.”   મૂળ મંત્રમાં કુલ ૨૪ અક્ષરોનાં ઉચ્ચારણ છે. ‘તત’, ‘સ’, ‘વિ’, ‘તુર’, ‘વ’, ‘રે’, ‘ણ’, ‘યમ’, ‘ભર’, ‘ગો’, ‘દે’, ‘વ’, ‘સ્ય’, ‘ધી’, ‘મ’, ‘હિ’, ‘ધી’, ‘યો’, ‘યો’, ‘ન:’, ‘પ્ર’, ‘ચો’, ‘દ’, ‘યાત’. આ ૨૪ અક્ષર, ચોવીસ શક્તિનાં પ્રતીકો છે. પ્રત્યેક અક્ષરના અલગ અલગ દેવતા છે. આ પ્રત્યેક દેવતાઓ અને શક્તિઓના ૐ સાથે સંકળાયેલા અલગ અલગ મંત્રો છે. આ દરેક મંત્રો અને તેના ઉપયોગો આવતા લેખમાં સમજશું.

Most Popular

To Top