Business

વિશ્વની પ્રથમ સનાતની સંત રામાનુજાચાર્ય ની વિશાળ પ્રતિમા

વિશ્વની સૌથી પ્રાચીન સનાતન સંસ્કૃતિનો ઉદ્દભવ સૃષ્ટિની રચના સાથે જ થયો હોવાનું આપણા ઋષિ-મુનિઓ દ્વારા રચિત ધર્મગ્રંથો દ્વારા આપણને જાણવા મળ્યું છે અને સનાતન સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર સાધુ, સંતો, મહંતો દ્વારા થતો રહ્યો છે. વિવિધ પંથોના સાધુ-સંતોએ સતત માનવજીવનમાં ધર્મનું સિંચન કરી સનાતન પરંપરાને જીવંત રાખવાનું અદ્વિતીય નિ:સ્વાર્થ કાર્ય કર્યું છે. પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધીના ઈતિહાસનાં પૃષ્ઠો પર સાધુ-સંતો અને શ્રેષ્ઠીઓની ગાથાઓ અંકિત થયેલી મળે છે. એક હજાર વર્ષ પૂર્વે થઈ ગયેલા વૈષ્ણવ સંત શ્રી રામાનુજાચાર્યને યાદ કરી તેને નજીકથી ઓળખવાનો અહીં પ્રયાસ છે.

ગત તા. 5મીના રોજ તેલંગાણા રાજ્યમાં હૈદ્રાબાદથી માત્ર 40 કિ.મી.ના અંતરે આવેલ રામનગરમાં ભવ્યાતિભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવેલું. આ મહોત્સવના કેન્દ્રમાં હતું સંતશ્રી રામાનુજાચાર્યનું ભવ્ય મંદિર અને પ્રસ્થાપિત 216 ફૂટ ઊંચી મૂર્તિની લોકાર્પણવિધિ. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, તેલંગાણાના મુખ્ય મંત્રી ચંદ્રશેખર રાવ, અન્ય મંત્રી મહોદય તથા આદરણીય સુવિખ્યાત સાધુસંતોની હાજરીમાં આયોજીત આ ધર્મમહોત્સવમાં ધર્મપ્રિય લોકોની લાખોની મેદનીએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખાસ બાબત તો એ છે કોઈ સનાતની સંતપુરુષની આટલી મોટી મૂર્તિ અને વિશાળ મંદિર બન્યું હોય તેવો વિશ્વનો અને ભારતનો આ પ્રથમ પ્રસંગ છે.

તેલંગાણાના રામનગરમાં 45 એકર જમીન પર આકાર લઈ રહેલા મંદિરનું મૂળ ભવન લગભગ દોઢ લાખ સ્કવેર ફૂટના ક્ષેત્રમાં બન્યું છે. જે 58 ફૂટ ઊંચું છે. તેની પર પ્રસ્થાપિત 216 ફૂટનું રામાનુજાચાર્યનું બેઠેલી મુદ્રાનું સ્ટેચ્યુ છે. ચીનમાં બનાવાયેલ આ મૂર્તિને સ્ટેચ્યુ ઓફ ઈક્વલિટી નામ અપાયું છે. અષ્ટધાતુની સુવર્ણની જેમ ચમકતી આ મૂર્તિની નીચે અને ચારે બાજુ થયેલ બાંધકામનો કુલ ખર્ચ 1000 કરોડથી વધુ હોવાનો અંદાજ છે અને જેના માટે સરકારી ખજાનામાંથી એક પણ રૂપિયાની મદદ વગર દેશ-વિદેશના શ્રેષ્ઠીઓના દાનમાંથી સંપૂર્ણ નિર્માણ થયું છે. મંદિરની બાજુમાં મ્યુઝિક્લ ફાઉન્ટન 25 કરોડના ખર્ચે બનેલ છે જે મંદિરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. સ્ટેચ્યુ ઓફ ઈક્વલિટીની આજુબાજુ દક્ષિણ ભારતના 108 જેટલા દિવ્ય દર્શનની રેપ્લિકા પણ બનાવાઈ છે. મંદિરની અંદર રામાનુજાચાર્યના જીવનચરિત્રને ચિત્રો તથા વીડિયો દ્વારા દર્શાવવામાં આવશે. લોકો માટે દર્શનીય  સ્થળની સાથે પર્યટક સ્થળ બની રહે તેવી અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. અહીં આવનાર મુલાકાતીઓને ઓડિયો ગાઈડ મળી શકે તે માટે અંગ્રેજી, હિન્દી, તમિલ, તેલુગુ તેમજ અન્ય એક ભાષા સહિત પાંચ ભાષાઓની ઓડિયો સગવડ પણ ઉપલબ્ધ હશે.

મંદિરના ગર્ભગૃહમાં પણ એક બીજી મૂર્તિ પ્રસ્થાપિત છે જે 120 કિલોગ્રામ સોનાથી બનેલ છે. રામાનુજાચાર્ય 120 વર્ષ જીવ્યા હતા તેથી આ મૂર્તિ 120 કિ.ગ્રા. સોનાથી બનેલ છે. સ્ટેચ્યુ ઓફ ઈક્વલિટીની ડિઝાઈન આર્કિટેકટ અને દક્ષિણ ભારતીય ફિલ્મોના ડાયરેકટર આનંદ સાંઈએ બે વર્ષની મહેનતે બનાવી છે. ઘણી બધી વિશેષતાઓને કારણે આ વિશાળ મંદિર અને 216 ફૂટ ઊંચું સ્ટેચ્યુ વિશ્વના સુંદર અને અનન્ય સ્થાપત્યોમાં સ્થાન પામશે એટલું અદ્દભુત છે.

કોણ હતા સંત રામાનુજાચાર્ય ? આવો, સંક્ષિપ્તમાં પરિચય મેળવીએ આ મહાન વિભૂતિનો… ભક્તિવાદી આંદોલન પર જેનો ઊંડો પ્રભાવ હતો તેવા રામાનુજીચાર્યનો જન્મ દક્ષિણ ભારતના તમિલનાડુના પેરુબંદર ગામના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. માતા કાન્તિમણિ અને પિતા કેશવાચાર્યના બહુમુખી પ્રતિભા ધરાવતા રામાનુજાચાર્યના માત્ર 16 વર્ષની ઉંમરે રક્ષકમ્બલ સાથે લગ્ન થઈ ગયા હતા. પિતા કેશવાચાર્યના નિધન પછી તેનો પરિવાર કાંચીપુરમ રહેવા ચાલ્યો ગયો. અહીં ગુરુ યાદવ પ્રકાશ પાસેથી વેદ-પુરાણોનું શિક્ષણ મેળવ્યું.

ગુરુ યમુનાચાર્યજી નામના જ્ઞાની સંતને ગુરુ બનાવ્યા. ગૃહસ્થી જીવનમાં તેમનું લક્ષ્ય સિધ્ધ નહિ થાય તેવું માની યુવાન વયે જ સંન્યાસી બની શ્રીરંગમ ચાલ્યા ગયા. અહીં ગોષ્ઠીપૂર્ણ નામના વિદ્વાનને મળવા ગયા તો તેને જવાબ મળ્યો કે બીજા કોઈ દિવસ આવજે ત્યારે મળીશું. થોડા દિવસ પછી ફરી મળવા ગયા તો એ જ જવાબ મળ્યો કે બીજા કોઈ દિવસે આવજે… આમ અઢાર વખત નિરાશ થયા વગર પ્રયત્ન ચાલુ રાખ્યો ત્યારે તેને દિક્ષા મળી અને અષ્ટાક્ષર મંત્ર ઓમ નમો નારાયણ મળ્યો. ગુરુએ તેને કહ્યું કે આ મંત્ર એટલો શ્રેષ્ઠ છે કે સાંભળવા માત્રથી પાપો નષ્ટ થઈ જાય છે અને એ વૈકુંઠપ્રાપ્તિનો અધિકારી બને છે.

આ મંત્ર અજ્ઞાની કે મંત્રનો અનાદર કરવાવાળાને ક્યારેય નહિ સંભળાવતો પણ રામાનુજાચાર્ય છત પર ચઢીને મોટે મોટે મંત્રોચ્ચાર કરી સૌને સંભળાવતા રહ્યા એટલે ગુરુ ગોષ્ઠીપૂર્ણે ગુસ્સે થઈ શ્રાપ આપ્યો કે મૃત્યુ પછી તેને નર્ક પ્રાપ્ત થશે. રામાનુજાચાર્યએ હસતા મુખે શ્રાપનો સ્વીકાર કરતા કહ્યું કે હજારો અજ્ઞાનીઓને મંત્ર સંભળાવી અજ્ઞાનતામાંથી મુક્તિ અપાવવા માટે મને જો નર્ક મળતું હોય તો તે સ્વીકાર્ય છે. જ્ઞાનપ્રદ વાત સાંભળી ગુરુ પ્રસન્ન થયા અને સનાતન ધર્મનો પ્રચાર માટે આદેશ આપ્યો. રામાનુજાચાર્યે ધર્મપ્રચારાર્થે સંપૂર્ણ ભારતનો પગપાળા પ્રવાસ કર્યો. પ્રવાસ દરમ્યાન વૈષ્ણવ મંદિરોના જ્ઞાની સંતો, મહંતો સાથે શાસ્ત્રાર્થ પણ કર્યો જેમાં કોઈ તેને જીતી શક્યું નહીં અને તેના શિષ્ય બની ગયા.

વૈષ્ણવની શિષ્ય પરંપરાનુસાર તેના ઘણા શિષ્યો હતા. વેદ-પુરાણ અને ધર્મગ્રંથોના જ્ઞાતા રામાનુજાચાર્યે ભક્તિમાર્ગની પુષ્ટિ અને સમર્થન માટે ગીતા તથા બ્રહ્મસૂત્ર પર અનેક ગ્રંથો લખ્યા. ભારત પ્રવાસની યાત્રા દરમ્યાન સાત ગ્રંથોની રચના કરી જેમાં (1) બ્રહ્મસૂત્રો પરનો ભાષ્યાત્મક ગ્રંથ ‘શ્રી ભાષ્યમ્’ (2) વેદોના સારાંશ સાથે ઉપનિષદોનું વાસ્તવિક વર્ણન કરતો ગ્રંથ ‘વેદાંત સંગ્રહ’ (3) ગીતાનો ઉપદેશ આપતો ગ્રંથ ‘ગીતા ભાષ્યમ’ (4) રામાનુજ ભાષાનો સરળ ગ્રંથ ‘વેદાન્ત દ્વિપ’ (5) વિશિષ્ટ દ્વૈતનો પ્રારંભિક અને શ્રી ભાષ્યનો લઘુ સ્વરૂપ ગ્રંથ ‘વેદાન્તસાર’ (6) ભાગવતજીની આરાધના, ઉપાસના બાબતે લખાયેલ ગ્રંથ ‘આરાધના ગ્રંથ’ તથા (7) વૈકુંઠ ગદ્ય અને શ્રીરંગ ગદ્યને સમાવતો ગ્રંથ ‘ગદ્યત્રય’. આ પ્રકારે સનાતન ધર્મનું ઉત્કૃષ્ટ સાહિત્ય પ્રદાન કરનાર સંત રામાનુજાચાર્યનો સમયગાળો જન્મ 1017 થી મૃત્યુ 1137 સુધીનો 120 વર્ષનો ગણાય છે. 1000 વર્ષ પહેલાં થઈ ગયેલા સંતશ્રી રામાનુજાચાર્યનો સહસ્ત્રાબ્દી મહોત્સવની થઈ રહેલી ઉજવણી સનાતનીઓ માટે ગર્વની લાગણી ઉદ્દભવે તેવી બની રહી છે. આ ઉત્કૃષ્ટ કાર્યમાં રામનગર સ્થિત મંદિરના હિંદુ હેરીટેજ ફાઉન્ડેશનના વડા સંત ચિન્ના જીયર સ્વામીજીનું યોગદાન ઉત્તમ રહ્યું છે.

Most Popular

To Top