આપણા વડીલો ઘણી વાર વણમાગી પણ વ્યવહારુ સલાહ આપતા રહે છે. કેટલાક જુવાનિયાઓને આ ગમે નહીં પણ ઘણી વાર એ એકદમ અકસીર હોય છે. ઉદાહરણ તરીકે, વડીલો કહે છે : ‘‘તમારી પાસે વધારાના પૈસા છે? તો શેરબજારથી દૂર રહેજો…. તમારી પાસે વધારાની રક્મ નથી? તો.. તો… શેરમાર્કેટથી સાવ જ દૂર રહેજો…!’’ આ બન્ને સલાહમાં વડીલનું ખરું શાણપણ સમાયેલું છે. આમ છતાં કેટલાય બંદાઓ આ વાયદા બજારમાં ઊંધા માથે ઝંપલાવે છે અને ફના થઈ જાય છે તો બીજા કેટલાક તો ‘યા હોમ’ કરીને ઝુકાવે છે અને માથા સાટે જંગી માલ- દલ્લો લઈ વિજયી બની બહાર આવે છે. આવા ‘વીર શેરમાર્કેટ’વાળા ઓછા જોવા મળે, છતાં આવા એક વીરલાને ઓળખવા જેવો છે.
આમ તો આ સટ્ટાબજારમાં અનેક ખુવાર થઈ ગયા પણ મહારાષ્ટ્રના ક્લ્યાણ નજીકના બદલાપુર સિટીના હાઈ-વે પર પહોંચો તો તમને સંગેમરમરનો એક આલિશાન બંગલો નજરે ચઢશે. બંગલો તો રાબેતા મુજબનો છે પણ એના પ્રવેશદ્વાર પર દૂરથી પણ નજરે ચઢે એવી જે એના નામની તખ્તી લગાડવામાં આવી છે એ અચંબામાં ડૂબાડે તેવી છે. બંગલાનું નામ મરાઠીમાં છે: ‘શેરમાર્કેટચી કૃપા’ અર્થાત શેરમાર્કેટની કૃપા…! 80000 સ્કવેર ફૂટના પ્લોટ પર ખડા આ 10000 સ્કવેર ફૂટના આરસના બંગલાના યુવા માલિક મુકુંદ ખાનોર કહે છે: ‘ખરેઅર, હું શેરમાર્કેટની કમાઈથી શ્રીમંત થયો પછી રૂપિયા ૩ કરોડના ખર્ચે આ બંગલો બંધાવ્યો એટલે શેરમાર્કેટને શ્રેય આપવા જ આ બંગલાનું નામ મેં ‘શેરમાર્કેટચી કૃપા’ રાખ્યું છે…!’ આ યુવાનની તળેટીથી શિખર સુધીની સફળ કથા પાછળ ધીરજ -જહેમત અને ખરા સમયે ખરા નિર્ણય લેવાની સૂઝ છુપાયેલી છે. મુકુંદ સ્વીકારે છે કે દાદાજીએ મને ૧૬ વર્ષની ઉંમરથી શેરબજારના કેટલાક પાઠ એવા શીખવ્યા કે જેને લીધે આજે હું પોતે ૩૦૦ ફૂટની ખોલીમાંથી 10000 સ્કવેર ફૂટના બંગલે પહોંચ્યો છું…! મુકુંદ માને છે કે શેરબજારમાં ઈરાદાપૂર્વકનું થોડું રીસ્ક-જોખમ તો લેવું જ જોઈએ. શેરમાર્કેટમાં રીસ્ક ન લેવું એ જ સૌથી મોટું જોખમ છે…! * શરતોને આધીન
કિફાયત ભાવે ભાયડો વેચવાનો છે
શરૂઆતમાં એક આડ-વાત કરી લઈએ…. થોડાં વર્ષ પહેલાં એક ગુજરાતી સાપ્તાહિકમાં મજાનું કાર્ટૂન પ્રગટ થયું હતું. એ ઠઠ્ઠાચિત્રમાં દર્શાવ્યું હતું કે એક પત્ની પીઠ પાછળ હાથમાં મોબાઈલ ફોન છુપાડીને ઊભી છે. મોબાઈલની સ્ક્રીન પર ન જોઈતી ચીજ-વસ્તુની લેતી-દેતી કરતી એજન્સી ‘OLX’નું નામ સ્પષ્ટ વંચાતું હતું અને પેલી પત્નીની સામે એનો પતિ ઊભો હતો! પોતાના ભરથારને આમ ખુલ્લેઆમ વેચી મારવાની હિંમત કરનારી પત્ની લિન્ડા મેકઍલિસ્ટરને એના પતિ સાથે શું અંટસ પડી હશે એ આપણે નથી જાણતા પણ પેલી જાહેરાતમાં લિન્ડાએ પતિ જહોનની કેટલીક ખૂબી-ખામીઓ પણ દર્શાવી છે. લિન્ડા કહે છે : ‘મારો ખેડૂતપતિ બહુ મહેનતુ છે. આમ તો પ્રેમાળ છે છતાં ક્યારેક મિજાજ પણ ગુમાવે છે. ઘરકામમાં એ થોડો કાચો છે-તાલીમ આપવાની જરૂર ખરી.… એને ઘરબહાર કોઈ લફડાં નથી. …ખાધે-પીધે એને રાજી રાખવાથી એ ભાગ્યે જ ઉપાધિ સર્જે છે!’ આ જાહેરાતના અંતે લિન્ડાએ એક તાજાકલમ પણ ઉમેરી છે: ‘વેચેલો માલ કોઈ પણ સંજોગોમાં પરત લેવામાં નહીં આવે…!’ શરૂઆતમાં ‘ટ્રેડ મી’ લિલામ સાઈટ પર આ હસબન્ડની સારી એવી બોલી પણ લાગી પણ કોઈ અજાણ્યા કારણસર હવે આ પતિને વેચવાની જાહેરાત પાછી ખેંચી લેવામાં આવી છે. બની શકે કે મિયાં-બીબી સંસારરથ સાથે ચલાવવા સહમત થઈ ગયા હોય…. અલ્લાહતાલા જાણે!
ઈશિતાનું ઈત્યાદિ …ઈત્યાદિ
કોરોનાની આડ – અસર તો અનેકને થઈ છે. એમાંય થોડા દિવસ પહેલાં અમેરિકામાં તો ન જાણે શું થયું કે સંખ્યાબંધ લોકો એક સાથે રાજીનામાં આપવા પર ઊતરી આવ્યા હતા… ત્યાં જાણે ‘ઍન માસ’ -સમૂહમાં રાજીનામાં ધરી દેવાનો વાયરો ફૂંકાયો હતો. મહામારીને કારણે સર્વત્ર આર્થિક સંક્ટ એની પરાકાષ્ઠાએ પહોંચી ગયું હતું છતાં ત્યાં લોકો આડેધડ રાજીનામું ફેંકીને જતા રહેતા હતા. આવો જ કંઈ ટ્રેડ આજકાલ આપણા યુવા પેઢીમાં દેખાઈ રહ્યો છે. તાજેતરના એક સર્વેક્ષણનાં કેટલાંક તારણ ચોંકાવનારાં છે. એ મુજબ આ ૨૦૨૨ની સાલમાં દર પાંચમાંથી ચાર ભારતીય યુવાન પોતાની જોબ – નોકરી છોડવાની મનોમન તૈયારી કરી રહ્યો છે. છેલ્લાં ચારેક વર્ષથી જે જોબ કરી રહ્યા છે.
એમાંથી ૯૪ % પોતાની જોબ બદલવા ઈચ્છે છે તો ૧૯૯૭ થી ૨૦૧૨ની વચ્ચે જન્મેલા ‘જનરેશન ઝેડ’ તરીકે ઓળખાતા તરુણ- યુવાનોમાંથી ૮૭% પણ નવા પ્રકારની નોકરીની શોધમાં છે. આ યુવાનો એમની કારકિર્દીમાં શું ઈચ્છે છે? સર્વે અનુસાર આ યુવા પેઢીમાંથી મોટાભાગના ઈચ્છે છે કે પોતે જ્યાં જોબ કરે ત્યાં સારું વાતાવરણ -સારી ટીમ મળે. ઉપરાંત ભવિષ્યમાં પોતાની કેરિયરમાં આગળ વધવાની તક મળે…. જો કે, આ સર્વેનું એક ચિંતાજનક પાસું એ છે કે ૭૧% યુવાનોને ડર છે કે મહામારી ત્રાટકી એ પહેલાં પોતે જે ઉત્સાહ -ઉમંગ અને જે જોમથી કામગીરી બજાવી રહ્યા હતા એ જોશ કદાચ હવે એ ન પણ દેખાડી શકે…! # માની ન શકાય એવી એક ઘટના એ છે કે ૨૦૧૮ની સાલમાં સહારાના રણમાં આખા એક દિવસ માટે બરફનું તોફાન ત્રાટક્યું હતું!