Business

સત્તા ભોગવે એ શું હિંદુરાષ્ટ્ર છે?

મે ટ્રેડ્સ (Trads) અને રાઈતાઝ (Raitas) વિષે કાંઈ સાંભળ્યું છે? આ શું છે એ વિષે તમે કાંઈ ન જાણતા હોય તો જાણી લેવું જરૂરી છે. ખાસ કરીને હિન્દુત્વવાદીઓએ આ જાણી લેવું ખાસ જરૂરી છે.  ટ્રેડ્સ અને રાઈતાઝ હિન્દુત્વવાદીઓનાં બે ધડા છે. ટ્રેડ્સ એવા હિંદુઓ છે જે પોતાને ટ્રેડીશનાલીસ્ટ એટલે કે પરંપરાવાદી તરીકે ઓળખાવે છે. તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અને તેમના સમર્થક હિન્દુત્વવાદીઓને રાઈતાઝ તરીકે ઓળખાવે છે. રાઈતાઝ એટલે કે (right-wing Hindutvawadis) અર્થાત્ જમણેરી હિન્દુત્વવાદીઓ. હિન્દી ભાષામાં‘ઇસને રાયતા ફેલા દિયા’એવો નિંદાવાચક વાક્યપ્રયોગ કરવામાં આવે છે એ તો તમે જાણતા હશો. ટ્રેડ્સના મતે રાયતાઝ હિન્દુત્વવાદીઓની એવી જમાત છે જે સાચવીને ચાલે છે,જે પોચટ છે,જે આક્રમક અને કઠોર બનતા ડરે છે, જે સત્તાલક્ષી છે અને હિન્દુત્વવાદી થઈને હિંદુઓના જ એક વર્ગના મત ગુમાવવાથી ડરે છે વગેરે. તેમનો સૌથી મોટો આરોપ એ છે કે નરેન્દ્ર મોદી બ્રેન્ડ હિંદુરાષ્ટ્ર મુસલમાનોને ડરાવી તેમ જ દબાવી રાખવામાં અને હિંદુઓને“આપણે પણ કાંઈક છીએ”એનો અહેસાસ કરાવવામાં ચરિતાર્થ થઈ જાય છે.મુસલમાનોને ડરાવીને અને હિંદુઓને પોરસાવીને તેઓ સત્તા ભોગવે છે.

ટ્રેડ્સ કહે છે કે હિંદુઓનું શાસન અને હિંદુઓનું માથાભરેપણું એ હિંદુરાષ્ટ્ર નથી. સાચું હિંદુરાષ્ટ્ર ત્યારે સ્થાપાશે જ્યારે હિંદુઓની પારંપારિક વ્યવસ્થા ફરી લાગુ કરવામાં આવશે. સનાતન ધર્મે ચીંધેલો માર્ગ અપનાવવામાં આવશે. ટ્રેડ્સ અને રાઈતાઝ વચ્ચે ફરક એ છે કે રાઈતાઝ હિંદુઓની મહાનતાના પાઠ ઇતિહાસનાં પાઠ્યપુસ્તકોમાં ભણીને ધન્યતાનો અનુભવ કરે છે,જ્યારે ટ્રેડ્સ એ ઈતિહાસને વર્તમાનમાં પાછો જીવતો કરવા માંગે છે.તેઓ માને છે કે સનાતન ધર્મ આધારિત હિંદુરાષ્ટ્ર સ્થાપવામાં માત્ર મુસલમાન આડખીલીરૂપ નથી; સામાજિક ન્યાય અને સમાનતાની માગણી કરતાં દલિતો (જેમને તેઓ ભીમતાઝ તરીકે ઓળખાવે છે),ઉદારમતવાદી હિંદુઓ, લૈંગિક સમાનતા અને ન્યાયની વાતો કરનારી નારીવાદી હિંદુ સ્ત્રીઓ અને સત્તાકાંક્ષી નરેન્દ્ર મોદી જેવા હિન્દુત્વવાદીઓ પણ પણ આડખીલીરૂપ છે.

આ વાંચીને એમ નહીં માનતા કે ટ્રેડ્સ ધોતિયાં પહેરતા હશે, તેમનાં કપાળે તિલક હશે અને શીખાધારી હશે. ના,તેઓ વિચારો છોડીને દરેક અર્થમાં આધુનિક(જો તેને આધુનિકતા કહેવાતી હોય તો)છે. તેઓ અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ ધરાવે છે,તેઓ સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરે છે, ફૅક એકાઉન્ટ્સ ધરાવે છે,‘બુલ્લી બાઈ’ જેવી ઍપ તૈયાર કરે છે,‘ભીમતાસ’, ‘કોમીઝ’,‘લિબ્ઝ’,‘મૌલાનામોદી’ જેવા હેશટેગના લેબલ ચલણી કરે છે, ઠઠ્ઠા કરનારા કાર્ટુનો અને કેરીકેચર બનાવે છે.માત્ર દિમાગથી પાછળ છે, બાકી દરેક રીતે સમય સાથે અથવા સમય કરતાં આગળ છે.

હવે જો તમે હિન્દુત્વવાદી હો તો કહો કે તમે કોની સાથે છો? ટ્રેડ્સ સાથે છો કે પછી ટ્રેડ્સ જેને રાઈતાઝ તરીકે ઓળખાવે છે એવા રાયતા છો? ટ્રેડ્સનો મુદ્દો તો બિલકુલ સાચો છે કે મુસલમાનોને ડરાવી-દબાવી રાખીને કેવળ હિંદુઓના માથાભારેપણા દ્વારા હિંદુ સર્વોપરિતાનો અહેસાસ અનુભવે અને એવો અહેસાસ કરાવનારા એના દ્વારા સત્તા ભોગવે એ શું હિંદુરાષ્ટ્ર છે?એ તો સત્તા માટેનું હિંદુ રાજકારણ થયું,હિંદુરાષ્ટ્ર તો જુદી જ વાત છે. સાચા હિન્દુત્વવાદીને હિંદુરાષ્ટ્રથી ઓછું કશું ન ખપે.હિન્દુત્વવાદી હોવા છતાં જો તમને ટ્રેડ્સની દલીલોગળે ન ઉતરતી હોય તો તમારી પાસે વળતી દલીલો હોવી જ જોઈએ. અને જો વળતી દલીલ ન હોય તો? તો આફતથી ઓછું કાંઈ ન હોય!

એ વાત સમજવા માટે 75 વરસ સુધી સમયને રિવાઈન્ડ કરવો પડશે, જ્યારે પાકિસ્તાનની સ્થાપના થઈ હતી. નવા સ્થપાયેલા પાકિસ્તાનના ટ્રેડ્સ પ્રકારના મુસલમાનોએ મહમ્મદ અલી ઝીણાને સવાલ પૂછ્યો હતો કે મુસલમાન માટે પાકિસ્તાનની રચના કરવામાં આવી છે ને,તો ઇસ્લામની બાદબાકી કરીને મુસલમાનની વ્યાખ્યા કરી બતાવો? તેમણે સવાલ પૂછ્યો હતો કે હિંદુઓથી અલગ થઈને મુસ્લિમ બહુમતી દેશની સ્થાપના તમે સહેલાઈથી સત્તા ભોગવી શકાય એ માટે કરી છે કે પછી મુસલમાનના કલ્યાણ માટે? મુસલમાનનું કલ્યાણ તો ઇસ્લામનિષ્ઠામાં છે અને માટે પાકિસ્તાન દરેક અર્થમાં ઇસ્લામિક દેશ બનવો જોઈએ. તેમણે સવાલ પૂછ્યો હતો કે પાકિસ્તાનમાં હિંદુ હાંસિયામાં હોય,ઓશિયાળો હોય અને મુસલમાનનો હાથ ઉપર હોય એવી આભાસી સર્વોપરિતા માટે પાકિસ્તાનની સ્થાપના કરવામાં આવી છે કે મુસલમાનને ખરા અર્થમાં સમર્થ બનાવવા માટે? મુસલમાન માત્ર ઇસ્લામના માર્ગે જ સમર્થ થઈ શકે અને જો સેક્યુલર માર્ગે મુસલમાન સમર્થ થઈ શકતો હોત તો અવિભાજિત ભારતમાં હિંદુની સાથે મુસલમાન પણ સમર્થ થઈ શક્યો હોત, એને માટે મુસલમાનના કલ્યાણના નામે અલગ દેશ સ્થાપવાની ક્યાં જરૂર પડી? તેમણે એવો પણ સવાલ પૂછ્યો હતો કે તમારા રાજકારણના કેન્દ્રમાં મુસલમાન છે કે પછી સત્તા?

મહમ્મદ અલી ઝીણા પાસે એ સમયના પાકિસ્તાની ટ્રેડ્સ દ્વારા પૂછવામાં આવેલા સવાલોના જવાબ નહોતા. જો ગળે ઉતરે એવા જવાબ હોત તો પાકિસ્તાનનો ઈતિહાસ જુદો હોત. સાચી વાત તો એ હતી કે માત્ર સત્તા ભોગવવા માટે ઝીણા અને અન્ય મુસલમાન નેતાઓએ મુસ્લિમ કોમવાદી રાજકારણ કરીને પાકિસ્તાન મેળવ્યું હતું, તેને ઇસ્લામ સાથે કોઈ સંબંધ નહોતો.આ જ વાત સંઘપરિવારને પણ લાગુ પડે છે. તેઓ સત્તા માટે હિંદુ કોમવાદી રાજકારણ કરી રહ્યાં છે, બાકી તેને હિંદુ ધર્મ કે પરંપરા સાથે કોઈ લેવાદેવા નથી. પણ સમસ્યા એ છે કે કોમવાદ એક દિવસ મૂળભૂતવાદને જન્મ આપે છે. અનિવાર્યપણે.75વરસ પહેલાં, પાકિસ્તાનના જન્મ સાથે જ પાકિસ્તાનમાં મૂળભૂતવાદનાં બીજ રોપાયાં અને તેનું પરિણામ આપણી સામે છે.ધીરેધીરે સત્તા માટે કોમવાદી રાજકારણ કરનારાઓના હાથમાંથી પાકિસ્તાન સરકી ગયું અને પાકિસ્તાની મુસલમાનો ટ્રેડ્સને ત્રાજવે તોળાવા લાગ્યા.  તેમણે લિબ્સ, કોમિઝ, ભીમતાસ (શિયા અને અહમદિયા મુસલમાનો ત્યાંના ટ્રેડ્સ માટે ભીમતાસ છે) અને નારીવાદી મહિલાઓને તેમની જગ્યા બતાવવાનું શરુ કર્યું. ઇસ્લામિક રાષ્ટ્રની સ્થાપનામાં આ બધા અડચણરૂપ છે. આજે પાકિસ્તાનમાં મુસલમાન મુસલમાનને મારી રહ્યાં છે.

Most Popular

To Top