વડોદરા: કોરોનાની ત્રીજી લહેરમાં કોરોના કેસોની સંખ્યા ઘટતા રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક ધો -1થી9 નું ઓફલાઇન શૈક્ષણિક કાર્ય શરૂ કર્યા બાદ નાના નાના ભૂલકાઓ જે બાલવાડી, નર્સરી અને આંગણવાડીમાં જાય છે તેમના માટે ઓફ લાઈન શૈક્ષણિક કાર્ય શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જે મુજબ બાલમંદિરો, નર્સરી સહિત આંગણવાડીઓ ગુરુવારથી શરૂ કરી શકાશે અલબત્ત સંચાલકોએ કોવિડ એસઓપીનું ફરજિયાતપણે પાલન કરવું પડશે. જે બાળક પ્રી સ્કૂલમાં આવશે તેના વાલીનું સંમતિ પત્રક લાવવું પડશે. એક અંદાજ મુજબ વડોદરા શહેરમાં 200 થી વધુ પ્રી સ્કૂલો આવેલી છે અને જેમાં ત્રણ વર્ષ સુધી બાળકોને પ્રી સ્કૂલનું શિક્ષણ આપવામાં આવે છે. ઉપરાંત શહેરમાં યુસીડીએસ સંચાલિત 50 જેટલી આંગણવાડીઓ આવેલી છે. અનફાજ મુજબ 20,000 જેટલા બાળકો હાલ પ્રી સ્કૂલ સહિત આંગણવાડીમાં ભણી રહ્યા છે.ત્યારે હવે ગુરુવારથી પ્રી સ્કૂલો સહિત બાલમંદિર અને આંગણવાડીઓમાં ઓફ લાઈન શિક્ષણ શરૂ થશે. પ્રી સ્કૂલ અને આંગણવાડી થકી બાળકોના માનસિક વિકાસ સાથે સુપોષણ અને તંદુરસ્તીનું સિંચન કરવામાં આવે છે.
ઓફલાઈન શિક્ષણ બાળક માટે શ્રેષ્ઠ છે જેનાથી બાળકનો સર્વાંગી વિકાસ થાય છે શાળામાં જે શિસ્ત બધ્ધતાની તાલીમ શિક્ષકો દ્વારા અપાય છે તેથી બાળકમાં શિસ્તતા સ્વ વિકસિત થાય છે કે.જી.ના નાના બાળકોને પ્લે વે મેથર્ડ થી સ્કૂલમાં ભણાવવામાં આવે છે જેથી તે તરત જ શીખી શકે છે અને રોજીંદુ સ્કૂલ વર્ક કમ્પ્લીટ કરી શકે છે . અભ્યાસની ઓફ લાઈન પદ્ધતિ બાળકોની એકાગ્રતાના સ્તર ને વધારવા માટે શ્રેષ્ઠ માધ્યમ છે.-ફાલ્ગુની મૂર્તિવાલા, મુખ્ય શિક્ષિકા, શ્રી અંબે સ્કૂલ, વાઘોડિયા
અમારા મતે ઓન લાઈન કરતા ઓફ લાઈન કલાસ વધુ અસરકારક લાગે છે. ઓન લાઈન કલાસ કરતા ઓફલાઇન કલાસમાં વધુ સક્રિય થયું છે.ઉપરાંત તે શિસ્તમાં રહેવા લાગ્યું છે. શાળામાં શિક્ષણ દરમિયાન ઇતર પ્રવૃત્તિઓને કારણે બાળકોનો માનસિક અને શારીરિક વિકાસ થાય છે. ઓફ લાઈન શિક્ષણમાં બાળકો શિક્ષકો સાથે સીધા સંપર્કમાં આવવાથી તેઓ પ્રફુલ્લિત અને ખુશ રહે છે.-માધુરી હેતલ ભગતવાલા, વાલી