સુરત: (Surat) યુનિવર્સિટી રોડ પર ગત 3 ફેબ્રુઆરીએ બે અજાણ્યાઓએ ચપ્પુ બતાવી ચેઈનની લૂંટ (Loot) કરી ભાગતી વખતે ખટોદરા પોલીસના બે કર્મચારીઓએ તેમને રોકવા પ્રયાસ કર્યો હતો. ત્યારે બંને જણાએ પોલીસને ચપ્પુ બતાવી તથા એક રાહદારીને ચપ્પુથી મારવાનો પ્રયાસ કરી મોપેડ લૂંટીને ભાગી ગયા હતા. આ ઘટનામાં ક્રાઈમ બ્રાંચે (Crime Branch) બે આરોપીઓની ધરપકડ કરી છે.
- કુખ્યાત બુટલેગર કાલુની હત્યાનો આરોપી જામીન પર છુટી રૂપિયા કમાવવા સ્નેચિંગ અને લૂંટ કરતો હતો
- બંને આરોપી પાસેથી સોનાની 13 ચેઈન, લૂંટની મોપેડ, રેમ્બો છરો મળી કુલ 10.36 લાખનો મુદ્દામાલ કબજે કરાયો
- પોલીસને છરો બતાવી ભાગેલા બંને આરોપીઓને ક્રાઈમ બ્રાંચે દબોચી લીધા
ખટોદરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ તેમજ ઉજાસભાઇએ ઉધના મગદલ્લા રોડ ઉપર રોકડીયા હનુમાનજી મંદિર પાસે પલ્સર મોટરસાઇકલ ઉપર મન્કી કેપ પહેરીને સવાર બે યુવકોને અટકાવ્યા હતા. આ બંને યુવકોએ મોબાઇલ સ્નેચિંગ કર્યું હોવાથી તેઓની ધરપકડ કરવાની કામગીરી ચાલતી હતી. ત્યારે આ બંનેએ મારામારી કરી હતી. બંનેએ ખટોદરા પોલીસ સાથે ઝપાઝપી કરી છરો બતાવી મારવાનો પ્રયાસ કરી નાસી ગયા હતા. ભેગા થયેલા લોકો પૈકીના મોપેડ સવાર ઇસમને પણ છરો બતાવી મારવાનો પ્રયાસ કરાયો હતો. અને તેની પાસે મોપેડની લૂંટ કરી નાસી ગયા હતા. આ બંને જણાએ થોડા સમય પહેલા તેજ દિવસે યુનિવર્સિટી પાસે પણ છરો બતાવી ચેઈનની લૂંટ કરી હતી. આ ગંભીર ગુનામાં ફરાર આરોપીઓને શોધખોળ વખતે ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે ઉધના મગદલ્લા રોડ ગાંધીકુટીરની પાછળ SMC ડીસ્પોઝલ પ્લાન્ટના ખાડીના પુલ પાસેથી ગણેશ ઉર્ફે ગણીયો રવિન્દ્ર વાઘ (ઉ.વ.22, રહે. ભીમનગર, ઉધના, સુરત તથા ગાંધી કુટીર, ઉધના મગદલ્લા રોડ, ખટોદરા અને મુળ નંદુરબાર, મહારાષ્ટ્ર) તથા વિજય ડાહ્યાભાઇ કાંગરીવાળા (રાણા) (ઉ.વ.46, રહે. રામદેવ નગર સોસાયટી, સિધ્ધી વિનાયક મંદિરની સામે, ભાઠેના, ઉધના) ને ઝડપી પાડ્યો હતો.
પોલીસે બંને આરોપીઓ પાસેથી 10.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
ક્રાઈમ બ્રાંચે બંને આરોપીઓ પાસેથી અલગ અલગ વિસ્તારમાંથી સ્નેચિંગ કરી મેળવેલી સોનાની 13 ચેઈન જેની કિંમત 9.46 લાખ રૂપિયાની તથા લૂંટ કરેલી એક્ટીવા, એક્સીસ મોપેડ, રેમ્બો છરો મળી કુલ 10.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ગણેશ કુખ્યાત બુટલેગર કાલુની હત્યાનો આરોપી
આરોપીઓની પુછપરછમાં આરોપી ગણેશ ઉર્ફે ગણીયો રવિન્દ્ર વાઘ ભુતકાળમાં શહેર વિસ્તારનાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ચેઇન અને મોબાઇલ સ્નેચિંગ, લૂંટ, મર્ડર, મારામારી જેવા ગુન્હાઓમાં પકડાયો છે. જેમાં એક વર્ષ પહેલા 2021 ના ફેબ્રુઆરી માસમાં ઉધના પોલીસ સ્ટેશનમાં કુખ્યાત બુટલેગર કાલુની હત્યાના ગુનામાં જામીન ઉપર મુક્ત થયો હતો. અને ત્યારબાદ તેના સાગરીત અક્ષય સુરેશભાઇ શિંદે સાથે ચેઇન સ્નેચિંગ અને લૂંટના ગુનાઓને અંજામ આપતો હતો.
લૂંટ કરવા પોતાની પલ્સર બાઈક આપીને લૂંટમાં ભાગ નક્કી કર્યો હતો
સહેલાઇથી રૂપિયા કમાવવાનું નક્કી કરી અને ગુનાઓ આચરવામાં આરોપી વિજયભાઇ ડાહ્યાભાઇ કાંગરીવાળાએ પોતાની પલ્સર મોટર સાયકલ આપી સ્નેચિંગ કરેલી સોનાની ચેઇનમાં જે નાણા મળે તેમાં સરખે હિસ્સે ભાગ લેવાનું નક્કી કર્યું હતું. પોતાની પલ્સર ચેઇન સ્નેચિંગના ગુન્હાઓને અંજામ આપવા બમરોલી ખાડીના બ્રિજ પાસે ગણેશ ઉર્ફે ગણીયા વાઘ અને અક્ષય શીંદેને આપતો હતો. અને બંને આરોપી બાઈકની નંબર પ્લેટ કાઢી મંકી કેપ પહેરી લેતા હતા. અક્ષય શીંદે બાઈક ચલાવતો અને ગણેશ ઉર્ફે ગણીયો પાછળ બેસી ઉમરા, અડાજણ, જહાંગીરપુરા, સરથાણા તથા ખટોદરા વિસ્તારોમાં સાંજના સાત વાગ્યાથી રાત્રીના દશ વાગ્યા સુધી ગુનાઓને અંજામ આપતા હતા.
16 ગુનાનો ભેદ ઉકેલાયો
ઉમરામાં 6, અડાજણમાં 4, સરથાણામાં 2, ખટોદરામાં 2, જહાંગીરપુરામાં 1, જેમાં ચેઇન સ્નેચિંગના 13, લુંટના 2, મોબાઈલ સ્નેચિંગનો 1 મળી કુલ 16 ગુનાનો ભેદ ઉકેલાયો છે.
ગણેશ રીઢો આરોપી, 1 હત્યા અને 6 હત્યાના પ્રયાસના ગુના
ગણેશની સામે ચેઈન સ્નેચિંગના 2, લૂંટના 2, હત્યાનો 1, મોબાઈલ સ્નેચિંગના 5, હત્યાના પ્રયાસના 6, આર્મ્સ એક્ટના 9 ગુના નોંધાયા છે. તથા 2020 માં પાસા પણ થયા હતા. જ્યારે વિજય સામે 1 ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયો છે.