SURAT

18 હજાર કરોડની નિકાસ કરતી સચીન સેઝની 120 કંપની બંધ થઈ થવાની દહેશત, મેનેજમેન્ટની આ માંગણીથી ઉદ્યોગકારો પરેશાન

સુરત: (Surat) સચિન જીઆઇડીસીને (Sachin GIDC) અડીને આવેલા સુરત સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SUR SEZ)ની કરોડોની ડીનોટિફાઈડ જમીનના ડેવલોપમેન્ટના હકો પ્રાઇવેટ ડેવલોપર્સ ડાયમંડ પાર્કના સંચાલકોને આપી વિવિંગ એકમોને પ્લોટ ફૂંકી માર્યા પછી સુરસેઝનું સંચાલન કરનાર ડિજીડીસી (DGDC) કંપની દ્વારા 120 એક્સપોર્ટ-ઈમ્પોર્ટ (Import-Export) એકમોને યુનિટની લિઝ પુરી થવા જઈ રહી છે ત્યારે નવી લિઝ રીન્યુ કરવા ઊંચા દરની માંગણી કરતા સેઝના નારાજ ઉદ્યોગકારોએ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ આશિષ ગુજરાતીને ફરિયાદ કરી હતી. ગુજરાતીએ આ મામલામાં સેઝના ડેવલપમેન્ટ કમિશનરને દરમિયાનગીરી કરવા રજૂઆત કરી છે.

  • ચેમ્બર પ્રમુખ આશિષ ગુજરાતીએ સુરસેઝના ડેવલપમેન્ટ કમિશનરને દરમિયાનગીરી કરવા રજૂઆત કરી
  • સચિન સેઝની કરોડોની ડીનોટિફાઈડ જમીન ખાનગી ટેક્સટાઇલ પાર્ક સંચાલકોને પધરાવ્યા પછી હયાત એકમો પાસે લિઝ રિન્યૂ માટે ઊંચા દર માંગ્યા

સચિન સેઝની 120થી વધુ કંપનીઓ વર્ષે 18000 કરોડનો એક્સપોર્ટ કરે છે. એમાં જેમ એન્ડ જવેલરી યુનિટ ઉપરાંત બીજા એમએસએમઈ યુનિટ પણ કાર્યરત છે. નવી રીન્યુ લીઝ માટે સેઝનું મેનેજમેન્ટ કરતી કંપની દ્વારા ઉંચા દરની શરત મુકતાં ઉદ્યોગકારોએ ચેમ્બરને હસ્તક્ષેપ કરવા રજૂઆત કરી હતી. જેને પગલે ચેમ્બરે ડેવલોપમેન્ટ કમિશનરનું ધ્યાન દોરીને નવી લીઝ માટેની શરતોમાં રાહત આપવા માટે રજૂઆત કરી છે.

1988માં કોંગ્રેસ સરકારે જીઆઇડીસી હસ્તક આ જમીન સેઝના હેતુ માટે ફાળવી હતી. એ પૈકી ડીનોટિફાઈ જમીન પર ડાયમંડ પાર્કના (Diamond Park) નામે બે પ્રાઇવેટ ટેક્સટાઇલ પાર્ક (Textile Park) બની ગયા છે. જેનો લાભ સેઝનું સંચાલન કરનાર પ્રાઇવેટ કંપની અને ટેક્સટાઇલ પાર્કના ખાનગી ડેવલોપર્સને મળ્યો છે. જ્યારે જીઆઇડીસીના સંચાલકોએ ભેદી મૌન જાળવી હેતુફેર થવા દીધો હોવાની રજૂઆત ચેમ્બર પ્રમુખ આશિષ ગુજરાતીને સેઝના ઉદ્યોગકારોએ કરી હતી.

ટેક્સટાઇલ માટે કેન્દ્રએ ફાળવેલા 12382 કરોડમાંથી 70 ટકા રકમ કોટન ઇન્ડસ્ટ્રીને અપાઇ
કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણએ નાણાંકીય વર્ષ 2022-23 માટે ટેક્સટાઇલ સેક્ટર માટે અંદાજપત્રની ફાળવણીમાં 12,382.14 કરોડની જાહેરાત કરી છે. પણ તે પૈકી 8,439.88 કરોડ રૂપિયાની ફાળવણી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા મારફત ફાળવણી કરી છે. એટલે કે ટેક્સટાઇલનું 70 ટકા બજેટ કોટન ઇન્ડસ્ટ્રીને ફાળવી દીધું છે. મેન મેઇડ ટેક્સટાઇલ, ટેકનિકલ ટેક્સટાઇલ માટે કોઈ મોટી રકમ ફાળવી નથી. આ વર્ષે સરકારે પાવરલૂમ પ્રમોશન સ્કીમ માટે કોઈ ફંડ ફાળવ્યું નથી. ગયા વર્ષે તેના માટે 47.88 રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. ટેક્સટાઇલ ક્લસ્ટર ડેવલપમેન્ટ સ્કીમ માટે આશરે રૂ. 133.83 કરોડની ફાળવણી કરી છે. 2022-23 માટે 478.83 કરોડ રિસર્ચ માટે આપ્યાં છે. પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ અને PM મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજન એન્ડ એપેરલ (PM MITRA) સ્કીમમાં પણ 2022-23 માટે પ્રત્યેક એકમ દીઠ 15 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.

Most Popular

To Top