Editorial

હર્ષ સંઘવીએ કાબેલિયત સાબિત કરવા સાત કોઠા વિંધવા પડશે

ગુજરાતમાં નવા બનેલા મંત્રી મંડળમાં યુવા ધારાસભ્ય હર્ષ સંઘવીને રાજયની સૌથી મોટી ગૃહ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. 36 વર્ષીય હર્ષ સંઘવીને ગૃહ વિભાગનો રાજયકક્ષાનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે. તેઓ આખાય મંત્રીમંડળમાં સૌથી નાની વયના મંત્રી બન્યા છે. તેમને ગૃહની સાથે રમતગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, આપત્તિ વ્યવસ્થાપન વિભાગો પણ સોંપવામાં આવ્યા છે. ત્યારે ગુજરાતના મંત્રીઓમાં નાની વયે મંત્રી કોણ કોણ બન્યા હતા તેનો છેલ્લાં 30 વર્ષનો ઇતિહાસ તપાસીએ તો ચાર મંત્રીઓ નાની વયે મંત્રી પદ મેળવ્યું હતું. જેમાં વિપુલ ચૌધરી, નરેશ રાવલ તથા નરહરિ અમીન જે હાલમાં ભાજપના રાજયસભાના સાંસદ છે. અને કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહનો સમાવેશ થાય છે.

તેઓને પણ નાની વયે જ રાજયકક્ષાના ગૃહ મંત્રીનો હવાલો સોંપવામાં આવ્યો હતો. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની 1996માં સરકાર હતી. આ સરકારમાં તત્કાલિન મંત્રી વિપુલ ચૌધરીને રાજયકક્ષાના ગૃહમંત્રી અને ઉર્જા વિભાગનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો હતો. 1લી નવેમ્બર-1966માં જન્મેલા વિપુલભાઇની 1996માં 30 વર્ષની વય હતી. એટલે કે 30 વર્ષની વયે રાજયકક્ષાના ગૃહમંત્રી પદે બિરાજયા હતા. તે જ રીતે તત્કાલિન મંત્રી નરેશભાઇ રાવલ સને 1990માં માધવસિંહ સોંલકીની સરકારમાં સંસદીય સચિવ તરીકે નિમણૂંક પામ્યા હતા. 11 નવેમ્બર-1959માં જન્મેલા નરેશભાઇ ત્યારે 31 વર્ષના હતા. ત્યારપછી 1991માં ચીમનભાઇની સરકારમાં 34 વર્ષની ઉંમરે ઉદ્યોગ મંત્રી અને 35 વર્ષની વયે રાજયકક્ષાના ગૃહમંત્રી તરીકેની જવાબદારી સંભાળી હતી.

આ ઉપરાંત નરહરિભાઇ અમીન 5-6-1955ની જન્મ તારીખ છે. તેમને 1990માં ચીમનભાઇની સરકારમાં 35 વર્ષની વયે રાજયકક્ષાના ગૃહમંત્રી, રમતગમત તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના મંત્રી તરીકે જવાબદારી સોંપી હતી.  આ ઉપરાંત સ્વ. હરેન પંડયા પણ 36 વર્ષની વયે રાજયના ગૃહમંત્રી પદ શોભાવ્યું હતું. 27-8-1961માં જન્મેલા ભાજપના ધારાસભ્ય હરેનભાઇ પંડયા તત્કાલિન મુખ્યમંત્રી કેશુભાઇ પટેલની માર્ચ – 1998માં રચાયેલી સરકારમાં ગૃહમંત્રી પદે નિમણૂંક પામ્યા હતા. હાલના કેન્દ્રીય ગુહમંત્રી અમીત શાહ પણ ગુજરાતમાં નરેન્દ્ર મોદીની સરકારમાં રાજયકક્ષાના ગુહમંત્રીનું પદ સંભાળ્યું હતું.

22-10-1964માં જન્મેલા અમીત શાહ સને 2002માં નરેન્દ્ર મોદીની સરકાર વખતે 38 વર્ષની વય હતી. સીડી પટેલ પછી હર્ષ સંઘવી જ એવા નેતા છે જેઓ એક તો દક્ષિણ ગુજરાતના ધારાસભ્ય છે અને બીજુ કે તેમને નાની ઉંમરે મોટું પદ મળી ગયું છે. નિષ્ફળતા નહીં પરંતુ સફળતા જ તેમની દુશ્મન બની ગઇ છે. કોંગ્રેસનું રાજ હતું ત્યારે દક્ષિણ ગુજરાતને જેટલું પ્રાધાન્ય મળતું હતું તેટલું ભાજપના રાજમાં અત્યાર સુધીમાં ક્યારેય નથી મળ્યું. મુખ્યમંત્રી, ગૃહમંત્રી, નાણામંત્રી કે પછી પ્રદેશ પ્રમુખ જેટલા પણ મોટા પદ છે તે ઉત્તર ગુજરાત અથવા તો સૌરાષ્ટ્રના નેતાઓ જ ભોગવતા હતા એટલે સ્વાભાવિક છે કે દક્ષિણ ગુજરાતમાં કોઇને આટલું મોટુ પદ મળી જાય એટલે મોટા ગજાના નેતાઓના ભંવા ફૂલી જાય.

એટલે હવે હર્ષ સંઘવીએ સાબિત કરવાનું છે કે કાર્યક્ષમતા અને ઉંમરને કોઇ લેવા દેવા નથી. હર્ષ સંઘવી ગૃહમંત્રી બન્યાને 5 મહિના જેટલો સમયગાળો થઇ ગયો છે એટલે કે 150 દિવસ જેટલો સમય થયો છે. આ સમયગાળામાં મોટી ઘટનાઓની વાત કરીએ તો સૌથી પહેલા પેથાપુરમાં એક બાળકને રઝળતો મૂકી દેવાયો હતો તે ઘટનામાં ગૃહમંત્રી જાતે બાળક પાસે પહોંચી ગયા હતા. ત્યારબાદ નવસારીની યુવતીના ગેંગરેપના કેસમાં તેમણે જાતે કેસનું સુપરવિઝન કર્યું હતું. પાલિતાણાની બે હિન્દુ યુવતીઓને વિધર્મીઓ દ્વારા ભગાડી જવાનો કેસ, કિશન ભરવાડ હત્યા કેસમાં તેના પરિવારજનોને મળવું. પેપરલિક કાંડમાં તાત્કાલિક ગુનો દાખલ કરવો અને છેલ્લે મનોજ અગ્રવાલ પ્રકરણમાં સક્રિય ભૂમિકા ભજવવી.

આ 150 દિવસના તેમના કાર્યકાળમાં બનેલી મોટી ઘટનાઓ છે અને તેમાં ગૃહમંત્રી તરીકે તેમણે ભજવેલી ભૂમિકાની વાત છે. હવે કામરેજમાં સરેઆમ હત્યા અંગત કારણોસર થઇ તેમાં કોંગ્રેસ ગૃહમંત્રીનું રાજીનામું માંગે છે. જો કે, કોંગ્રેસે રાજીનામું માંગતા પહેલા વિચારવું જોઇએ કે તેમની સત્તા હતી ત્યારે સીડી પટેલ અને નરહરિ અમીન ગૃહમંત્રી હતાં તો તેઓ કઇ ઘટનામાં પ્રત્યક્ષ પહોંચ્યા હતાં. કોઇ પક્ષના ગૃહમંત્રીનું રાજીનામું માંગતા પહેલા પોતાના પક્ષના ગૃહમંત્રી કેવા હતાં તેનું પણ કોંગ્રેસે મનોમંથન કરવું જોઇએ. આ તો કોંગ્રેસની વાત છે તે વિરોધ પક્ષની ભૂમિકા ભજવે તે સ્વાભાવિક છે અને તેમનો અધિકાર પણ છે.

પરંતુ, હર્ષ સંઘવીના મોટા વિરોધી તો તેમના પક્ષમાં જ છે. જે રીતે અભિમન્યુએ તેના સગા કાકાઓ સામે જ યુદ્ધ કરવું પડ્યું તેવી જ રીતે પક્ષના જ વિરોધીઓ હર્ષ સંઘવીને પીઠ પાછળ રમત રમી રહ્યાં છે. તેનું સૌથી મોટુ કારણ જ એ છે કે તેમને નાની ઉંમરમાં મોટું પદ મળી ગયું છે જે તેમના જ પક્ષના કેટલાક લોકોને આંખમાં કણાની જેમ ખૂંચે છે. પોલીસનો ગ્રેડ પે જુનો મુદ્દો છે પરંતુ જેવા હર્ષ સંઘવી ગૃહમંત્રી બન્યા ત્યારે જ તે મુદ્દે આંદોલન શરૂ થયું તે બાબત જ ઘણુંબધું કહી જાય છે. એટલે પક્ષમાં રહીને જ કામ કરતાં કૌરવો સામે સાત કોઠા ભેદીને સંઘવીએ સાબિત કરવું પડશે તે ઉંમર અને કાબેલિયતને કોઇ સંબંધ નથી.

Most Popular

To Top