સુરત : ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવે તે પહેલાં જ સુરતમાં આમ આદમી પાર્ટી કદ પ્રમાણે વેંતરાઈ રહી છે. થોડા સમય પહેલાં 5 કોર્પોરેટરોના આપમાંથી ભાજપમાં કૂદકા બાદ હવે આપ પક્ષ દ્વારા જ એક મહિલા કોર્પોરેટરને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. એક નેતા સાથે રંગીન વાતોની ઓડિયો ક્લીપ વાયરલ થયા બાદ ચર્ચામાં આવેલા આ મહિલા કોર્પોરેટરની પક્ષમાંથી બાદબાકી માટેનો પત્ર આજે જાહેર કર્યો છે. આ મહિલા કોર્પોરેટર છેલ્લાં બે દિવસથી ગાયબ હોઈ તેઓ ભાજપમાં જોડાવાના હોવાની ચર્ચા ઉઠી હતી.
- સુરત મનપા વોર્ડ નં. 4ના મહિલા કોર્પોરેટર કુંદન કોઠિયા બે દિવસથી ગાયબ થતાં અનેક ચર્ચા ઉઠી હતી
- આપનું ઝાડૂં છોડી કુંદન કોઠિયા ભાજપમાં જોડાવાના હોવાની વાતો ચાલી હતી
- કોરોના દરમિયાન સાથઈ કોર્પોરેટર સાથે અનેકોવાર જાહેરમાં ઝઘડતા જોવા મળ્યા હતા
સુરત (Surat) મનપામાં (SMC) 27 બેઠકો સાથે મજબુત વિપક્ષ તરીકે પ્રથમ ચુંટણીમાં (Election) જ સ્થાપિત થઇ ચૂકેલા ‘આમ આદમી પાર્ટી’માં (AAP) વિધાનસભા (Assembly) નજીક આવતા જ ગાબડા પડવા માંડયા છે. ગત અઠવાડીયે 5 કોર્પોરેટરોએ (Corporator) ઝાડુ છોડીને કમળ પકડયા બાદ રવિવારે વધુ એક મહિલા કોર્પોરેટર વોર્ડ નંબર 4ના કુંદન કોઠિયા (Kundan Kothiya) પણ સંર્પક વિહોણા બનતા ‘આપ’ના નેતાઓ દોડતા થઇ ગયા હતા. તેમજ આ કોર્પોરેટરે પણ પાર્ટી સાથે છેડો ફાડયાની ચર્ચા ઉઠી હતી.
અગાઉ વિવાદમાં આવ્યા હતા આમ આદમી પાર્ટીની વોર્ડ નંબર ચારના મહિલા કોર્પોરેટર કુંદન કોઠિયા આમ આદમી પાર્ટીથી સંપર્ક વિહોણા થઈ જતાં શહેરના રાજકીય વલયોમાં ફરી વમળો ઉઠયા છે. જેને લઇને શહેરભરમાં ચર્ચા ઉઠી હતી કે, કુંદન કોઠિયા આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવા જઈ રહ્યા છે. વોર્ડ નંબર 4 ના મહિલા કોર્પોરેટર કુંદન કોઠિયા કોરોના કાળ દરમિયાન શરૂ કરેલા આઇસોલેશન સેન્ટર દરમિયાન તેમના જ સાથી કોર્પોરેટર સાથે જાહેરમાં ઝઘડતા દેખાયા હતા અને અપશબ્દો બોલ્યા હતા. તેમજ થોડા દિવસ પહેલા આપના જે એક નેતા સાથે ફોન રંગીન વાતચીતનો ઓડિયો વાયરલ થતા વિવાદમાં આવ્યા હતાં.
દરમિયાન આપના એક નેતા સાથે વાત કરતા તેણે જણાવ્યું હતુ કે, સવારથી અમે કુંદન કોઠિયાને ફોન કરી રહ્યા છીએ. પરંતુ તેમનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો છે. તેમજ તેમના પતિ સાથે પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે. પણ તેમની સાથે પણ સંપર્ક થયો નથી. ભારતીય જનતા પાર્ટી પાસે ખૂબ રૂપિયા છે. તેઓ ઇચ્છે તે પાર્ટીના કોર્પોરેટરોને ખરીદી શકે છે. અમારા કોર્પોરેટરો પણ તેઓ ખરીદી રહ્યા છે. પણ અમે પણ જોઈએ કે, ભાજપમાં કેટલી ખરીદવાની તાકાત છે. કુંદનબેન અમને અગાઉ પણ કીધું હતું કે, ભાજપ દ્વારા મને ઓફર કરવામાં આવી રહી છે. પરંતુ હું આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જવાની નથી. પરંતુ હવે તેઓ નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે.
સુરત આપના પ્રમુખ મહેન્દ્ર નાવડીયાએ મહિલા કોર્પોરેટર પર ગંભીર આક્ષેપ લગાવ્યા
આમ આદમી પાર્ટી સુરત દ્વારા કુંદનબેન કોઠિયાને બરતરફ કરવાનો પત્ર જાહેર કરાયો છે. પાર્ટી શિસ્તભંગ અને ગેરવર્તૂણક બદ તેમને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા હોવાનું કારણ રજૂ કરાયું છે. આપ પાર્ટીના સુરત શહેરના પ્રમુખ મહેન્દ્ર નાવડીયાએ મહિલા કોર્પોરેટર કુંદનબેન કોઠિયા પરઆક્ષેપ કર્યા છે કે તેઓ દ્વારા પાર્ટી તરફથી આપવામાં આવતી સૂચનાઓ કે માર્ગદર્શનનું પાલન કરવાના બદલે હંમેશા વિરુદ્ધમાં કામ કરવામાંઆવે છે. પાર્ટીના કોઈપણ કાર્યકર સાથેની નોર્મલ વાતચીતને રેકોર્ડ કરી અન્ય કાર્યકરોને મોકલીને સંગઠનમાં મતભેદ ઉભા થાય તેવું કાર્ય કરી રહ્યાં છે. પાર્ટીની છબી ખરાબ થાય તેમજ કાર્યકર્તામાં મતભેદ ઉભા થાય એ પ્રકારની માનસિકતા અને કામગીરીના લીધે કુંદનબેન કોઠિયાને પાર્ટીના પ્રાથમિક સભ્ય પરથી બરતરફ કરાયા છે.