SURAT

સુરત ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ માટે મનપાએ રાજ્ય સરકાર પાસેથી 100 કરોડની ગ્રાંટ લેવાની કવાયત શરૂ કરી

સુરતઃ (Surat) વિશ્વમાં વિકાસની ગતિમાં ત્રીજા ક્રમે પહોંચી ગયેલું સુરત ફરવાલાયક સ્થળોની (Tourism) બાબતે ઘણું પાછળ છે. તેથી હવે સરકાર અને મનપા દ્વારા બહારથી આવતા લોકો તેમજ શહેરીજનો જ્યાં પિકનિકનો આનંદ માણી શકે તેવાં સ્થળો વિકસાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જેમાં સુરત શહેરને મળેલા લાંબા દરિયાકિનારાને (Beach) પણ સારી રીતે વિકસીત કરી શકાય અને ફરવા માટેનું સ્થળ વિકસાવી શકાય એ માટે હવે સુરત મહાનગરપાલિકા ‘ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ’ (Dumas Sea Face Development Project) સાકાર કરવામાં આવશે.

  • ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ માટે મનપા રાજ્ય સરકાર પાસેથી 100 કરોડની ગ્રાંટ લેવા પત્ર લખશે
  • ડુમસના દરિયા કિનારે જંગલ ખાતાની 23 હેક્ટર અને સરકારી 79 હેક્ટર જમીન, કુલ સરકારી બિન નંબરવાળી 34 હેક્ટરનો ઉપયોગ કરાશે
  • કુલ 136 હેક્ટર જમીન પર ‘ઇકો ટુરિઝમ પાર્ક’ સહિત સહેલાણીઓના આનંદ-પ્રમોદ માટે અનેકવિધ આયોજનો કરાશે

ડુમસના દરિયા કિનારે જંગલ ખાતાની 23 હેક્ટર અને સરકારી 79 હેક્ટર જમીન, કુલ સરકારી બિન નંબરવાળી 34 હેક્ટર મળી કુલ 136 હેક્ટર જમીન પર ‘ઇકો ટુરિઝમ પાર્ક’ સહિત સહેલાણીઓના આનંદ-પ્રમોદ માટે અનેકવિધ આયોજનો કરાશે. આ પ્રોજેક્ટમાં સહકાર આપવા માટે રાજ્ય સરકારે પણ સંમતિ આપી હોવાથી મનપા માટે આ પ્રકલ્પ સાકાર કરવો હવે સરળ બની ગયો છે. સુરત મનપાના અધિકારીઓના અંદાજ મુજબ આ સમગ્ર પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટેનો ખર્ચ રૂ.600 કરોડ થઇ શકે છે. જે માટે હવે રાજ્ય સરકાર પાસેથી ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અંતર્ગત પ્રાથમિક તબક્કે ગ્રાંટ પેટે 100 કરોડ મેળવવા માટે ગુજરાત મ્યુ.ફા બોર્ડને પત્ર લખશે. એ માટે શાસકો સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવી છે.

સાડા પાંચ કિ.મી.ના કોસ્ટલ વેથી માંડીને એમ્યુઝમેન્ટ, હોટલ સહિતની એક્ટિવિટી હશે
આ પ્રોજેક્ટ એટલા માટે મહત્ત્વનો છે કે, ડુમસના દરિયા કિનારે વરસોથી અવાવરુ પડી રહેલી જંગલ ખાતાની જમીન અને સરકારી જમીનમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ પણ થતી રહે છે, તેના પર હરવા-ફરવાના એક સુંદર અને વિશાળ સ્થળનો વિકાસ થશે. અહીં ઇકો ટુરિઝમ પાર્ક, એમ્યુઝમેન્ટ પાર્ક, હોટેલ, રેસ્ટોરાં, વોટર સ્પોર્ટ સહિત આનંદ-પ્રમોદની તમામ એક્ટિવિટીની સુવિધા ઉપલબ્ધ થશે. આટલું જ નહીં દરિયાકિનારે સાડા પાંચ કિ.મી.નો કોસ્ટલ વે પણ બનશે.

Most Popular

To Top