SURAT

ગટર લાઈનનું ખોદાણ શરૂ: 40 દિવસ માટે સેન્ટ્રલ ઝોનના લોકો બાનમાં મુકાશે, ટેક્સટાઈલ માર્કેટમાં જવાનું માંડી વાળજો

સુરતઃ (Surat) કોટ વિસ્તાર એટલે કે સેન્ટ્રલ ઝોનમાં (Central Zone) વર્ષો જૂની પાણી અને ગટરની લાઇનો બદલી નેટવર્કનું સંપુર્ણ નવિનીકરણ થઇ રહ્યું છે. ત્યારે અગાઉ રાજમાર્ગ અને મુગલીસરાયવાળા રસ્તા બાદ હવે સલાબતપુરા મોટી બેગમવાડીના ત્રણ રસ્તાઓ (Roads) પર કામ ચાલુ થયું હોય રિંગરોડને લાગુ તેમજ કાપડ માર્કેટનો ટ્રાફિક (Traffic) ધરાવતા આ રસ્તાઓ 40 દિવસ માટે એટલે કે 20મી માર્ચ 2022 સુધી તબક્કાવાર બંધ રાખી કામ કરવાનું આયોજન કરાયું છે. રસ્તાઓ બંધ કરવાને કારણે ભારે હાલાકી ઊભી થવાની સંભાવના છે.

આ કામગીરી અંતર્ગત સલાબતપુરાથી સિન્ડીકેટ સમોસા ચાર રસ્તાથી કાલુપુર બેંક તરફના માર્ગ પર સિટિઝન કાપડ માર્કેટને (Textile Market) જોડતી ત્રણ ગલીઓમાં અને કાલુપુર બેંકથી તિરૂપતિ અને રોહિત ટેક્સ્ટાઇલ માર્કેટથી રિંગરોડને કનેક્ટેડ માર્ગ પર વર્ષો જૂની 150 એમએમ વ્યાસની હયાત ડ્રેનેજ લાઇની ક્ષમતા વધારી 250 એમએમની લાઇનો બદલવાની કામગીરી શુક્રવારથી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં છેલ્લે એનટીએમ માર્કેટ નજીકથી વણકર માર્કેટ અને નવાબની વાડી મેઇન રોડ સુધી જોડાણ આપવાની કામગીરી થશે.

આ કામ 40 દિવસ સુધી એટલે કે 20મી માર્ચ-2022 સુધી ચાલશે. તે દરમિયાન આ રસ્તાઓ તબક્કાવાર વાહન વ્યવહાર માટે સંપુર્ણ બંધ રહેશે. આ રસ્તા સાંકડા હોવાથી માટે કોઇ વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા થઇ શકી નથી. તેથી જેમ-જેમ કામ આગળ વધશે તેમ તેમ આંશિક અવર-જવર માટે ચાલુ કરાશે. તેમજ 40 દિવસની કામગીરી દરમ્યાન માર્કેટની પાછળના રોડનો જ ઉપયોગ કરવા વેપારીઓને સૂચના આપી દેવામાં આવી છે.

  • કયો રસ્તો કયારે બંધ રહેશે
    સલાબતપુરાની કાલુપુર બેંક બ્રાંચથી સિટિઝન ટેક્સ્ટાઇલ માર્કેટ તરફ જતા માર્ગ ઉપર અને આગળ જઇ ડેડ એન્ડ ત્રણ ગલીઓમાં 50 મીટરના રોડ પર 20મી ફેબ્રુઆરી સુધી કામ ચાલશે તેથી આ રસ્તો બંધ રહેશે
  • ત્યાર બાદ પાંચ માર્ચ સુધી મોટી બેગમવાડીની કાલુપુર બેંકથી તિરૂપતિ અને રોહિત ટેક્સ્ટાઇલ માર્કેટ થઇ રિંગરોડ સુધીના માર્ગ પર ડ્રેનેજ લાઇન બદલવામાં આવશે તેથી રસ્તો બંધ રહેશે.
  • ત્રીજા તબક્કામાં લગભગ 6 માર્ચથી નવાબની વાડી મેઇન રોડથી NTM માર્કેટ અને વણકર માર્કેટ સુધીના સિંગલ રસ્તા ઉપર કામ ચાલશે. તેથી 20મી માર્ચ સુધી આ રસ્તો બંધ રહેશે.
  • આ સમય દરમિયાન ન્યુ રતન ટેક્સ્ટાઇલ માર્કેટથી મનિષ માર્કેટ અને પદ્માવતી માર્કેટના પાછળના ભાગમાંથી પસાર થતો માર્ગ પણ બંધ રહેશે.

Most Popular

To Top