SURAT

ડિસ્ટ્રિક્ટ બેંકને ગોલ્ડ લોન માટે સરકારે મંજૂરી આપી, કોઈપણ પ્રકારના ચાર્જ વિના આ રીતે મળશે લોન

સુરત: (Surat) રાજ્યની ટોપ થ્રિ મધ્યસ્થ બેંકમાં સ્થાન મેળવનાર સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઓપ.બેંકને (Surat District Co-op Bank) નાબાર્ડ દ્વારા ખેડૂતો અને બિન ખેડૂત ખાતેદારોને ગોલ્ડ મોર્ગેજ લોન આપવાની મંજૂરી આપવામાં આવી છે. ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન નરેશ બી.પટેલ અને વાઇસ ચેરમેન સંદીપ દેસાઈએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, 24 કેરેટ સોનાની કિંમતના વેલ્યુએશન સામે 70 ટકા ધિરાણ ગોલ્ડ મોર્ગેજ સામે આપવામાં આવશે.જોકે મહત્તમ 2 લાખની લોન 12 માસ માટે આપવામાં આવશે.આ લોન માટે બેન્ક વ્યાજ સિવાય કોઈપણ પ્રકારની પ્રોસેસિંગ કે લોન અધવચ્ચે બંધ કરવા માટે વધારાની ફી કે ચાર્જ લેશે નહીં.ખાનગી બેંકો (Bank) અને ફાયનાન્સ કંપનીઓ જ્યાં ગોલ્ડ લોનમાં (Gold Loan) 12 થી 21 ટકા વાર્ષિક વ્યાજ વસુલે છે ત્યાં ખેડૂતોને 7.50 અને ખાતેદારોને 7.75 ટકાના સામાન્ય દરે નિર્ધારિત ફંડની ઉપલબ્ધતા મુજબ વહેલા તે પહેલાં ધોરણે લોન અપાશે.બેંકમાં સોનુ મોર્ગેજ આપનાર ખાતેદારની સામે વેલ્યુએશન અને દાગીના પેકીંગ,સિલિંગનું કામ કરાશે.

  • સુરત ડિસ્ટ્રિક્ટ બેંક ખેડૂતો અને ખાતેદારોને સોનાના કિંમત સામે 70 ટકા લેખે મહત્તમ બે લાખનું ધિરાણ આપશે
  • ડિસ્ટ્રિક્ટ બેંકને ગોલ્ડ લોન માટે સરકારે મંજૂરી આપી, કોઈપણ પ્રકારના ચાર્જ વિના 12 માસ માટે લોન અપાશે
  • લોન અધવચ્ચે બંધ કરવા સામે પણ કોઈ ચાર્જ નહીં લાગશે, બેંકમાં પગાર જમા થતો હશે તો 3 લાખની લોન મળશે

એ સાથે નજીવા દરે ગોલ્ડ લોન આપનાર દેશની પ્રથમ ગ્રામીણ બેન્ક બનશે.તે ઉપરાંત બેંકના જે ખાતેદાર એકાઉન્ટ ધરાવતા હશે અને જાહેર ટ્રસ્ટો, મંડળીઓ, હોસ્પિટલ, કોલેજ, અન્ય સંસ્થાઓ કે કંપનીઓના પે-સ્લીપ ધરાવતા કર્મચારી હશે. એમના માટે પણ ઓછા વ્યાજ દરની કોઈપણ પ્રકારના હિડન ચાર્જ કે પ્રોસેસિંગ ફી વિનાની સુડીકો સમૃદ્ધ કર્મચારી લોન યોજના હેઠળ લોન અપાશે. જોકે ડિસ્ટ્રિક્ટ બેંકમાં જે કર્મચારીઓનો પગાર જમા થતો હશે એવા કર્મચારીઓને જ 60 માસ માટે મહત્તમ ત્રણ લાખની લોન મળી શકશે. બેંકના એમડી.મહાવીરસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે 9500 કરોડથી વધુનો વાર્ષિક બિઝનેસ ધરાવનાર બેન્કે સુડીકો મોર્ગેજ અને ઓવરડ્રાફ્ટ લોન પણ 30 લાખ સુધી આપવા નિર્ણય લીધો છે. પત્રકાર પરિષદમાં અધિકારીઓ કલ્પેશભાઈ, જયેશભાઇ અને સુરત એપીએમસીના ચેરમેન રમણ જાની ઉપસ્થિત રહ્યાં હતાં..

Most Popular

To Top