Business

ચાહત તમારી ક્યાં ખબર છે શું હતી એ, થોડો કદી તો વાતમાં અણસાર આપો!

જેમ જેમ અલકા મોટી થતી ગઈ તેમ તેમ રમેશભાઈની ચિંતા વધતી ગઈ. એક તો મોંઘવારી અને બીજી બાજુ કોરોનાકાળ પછી ધંધો મંદો પડી ગયેલો એટલે આવકમાં પણ ઘટાડો. ગમે તે થાય પણ દીકરીનાં લગ્ન તો કરવા જ પડે. ભલે નાના પાયે થાય, લગભગ સાદાઈથી થાય પણ લગ્ન તો જાહેરમાં જ થવા જોઈએ, કોર્ટમાં નહીં એવું રમેશભાઈ અને એમનાં પત્નીનું માનવું હતું. ‘‘આપણી અલકા હવે મોટી થઈ,” એક સાંજે અલકાની ગેરહાજરીમાં મીનાબહેને રમેશભાઈને કહ્યું, “હવે એના માટે છોકરો શોધવો જોઈએ એવું નથી લાગતું?” “મને તો ક્યારનુંય લાગે છે,” રમેશભાઈએ ઢીલા સાદે કહ્યું, “પણ, છોકરો શોધીને લગ્ન કરવા માટે પૈસા તો જોઈએ ને? હજી ધંધો બરાબર ચાલતો નથી, ઉઘરાણી આવતી નથી અને લેણદારને દસ લાખ રૂપિયા આપવાના બાકી છે.”

“તો આપણી પાસે પૈસા જ નથી?” મીનાબહેને પતિને પ્રશ્ન કર્યો. “એવું નથી,” રમેશભાઈ બોલ્યા, “છે, ત્રણ-ચાર લાખ છે પણ એમાંથી સાદાઈથી દીકરીના લગ્ન કરીએ તો પણ બેએક લાખ તો થાય જ અને લગ્ન લઈએ એટલે પેલા દસ લાખની ઉઘરાણીવાળાના આંટા શરૂ થઈ જાય. આપણે સાંભળવું પડે કે લગ્ન માટે પૈસા છે ને દેવું ચૂકવવા નથી! આ સારું લાગે? અને સમાજમાં આબરૂ જાય એ જુદું.” ‘‘તો પછી શું કરીશું?” મીનાબહેને હતાશ થઈને પ્રશ્ન કર્યો. ‘‘જોઈએ.” રમેશભાઈ બોલ્યા, “તારો શું વિચાર છે?” “હું તો વિચારું છું કે, આપણે અલકાને પૂછી જોઈએ.” મીનાબહેન બોલ્યાં, “જો એને કોઈ છોકરો પસંદ હોય તો એ જાતે જ કોર્ટ મેરેજ કરી લે એટલે આપણે છુટ્ટા.”

‘‘એવું કોઈ કાળે ન બને,” રમેશભાઈએ ગુસ્સામાં આવીને કહ્યું, “મારી છોકરી એવી રીતે પરણી જાય તો પણ સમાજમાં તો મારી આબરૂ જાય ને? આવું ન થાય. એના માટે તો આપણે જ છોકરો શોધીશું અને એના લગ્ન આપણે ઘેર જ કરીશું.” “તો પછી તમે છોકરો જોવાનું શરૂ કરી દો,’’ મીનાબહેને વાત પૂરી કરીને ઊભા થતાં કહ્યું. છોકરો તો શોધવો જ હતો પણ એક બાજુ રમેશભાઈને છોકરો શોધવાની ચિંતા સતાવતી હતી ને બીજી તરફ પૈસાની ચિંતા સતાવતી હતી. બધી ચિંતાને પોટલું વાળીને પલંગ નીચે મૂકીને એ રાત્રે એ ઊંઘી ગયા. બીજી સવારે જાગીને એમણે પેલી ચિંતાનું પોટલું માથે મૂકી દીધું! તૈયાર થઈને એમણે દુકાનની વાટ પકડી. હજી એ દુકાનનું તાળું ખોલીને બેઠા જ હતા કે મહેશભાઈનો ફોન આવ્યો. “હેલો રમેશભાઈ,” સામા છેડેથી અવાજ આવ્યો, “હું મહેશભાઈ બોલું છું.” મહેશભાઈનો અવાજ સાંભળીને રમેશભાઈના મોતિયા મરી ગયા. નક્કી એમણે દસ લાખની ઉઘરાણી માટે જ ફોન કર્યો હશે! ‘‘કેમ રમેશભાઈ બોલતા નથી?” સામેથી મહેશભાઈએ પૂછ્યું. ‘‘અરે ના..ના.” રમેશભાઈ લોચા વાળવા મંડ્યા, “આ તો દુકાન હજી ખોલીને જ બેઠો હતો ત્યાં તમારો ફોન આવ્યો એટલે.”

“હશે,” મહેશભાઈએ હસીને કહ્યું, “દુકાને જ છો ને?” ‘‘હા, દુકાને જ છું.” રમેશભાઈએ ધડકતા દિલે કહ્યું, “કંઈ કામ હતું?”  “ઘરે ક્યારે જવાના રમેશભાઈ ?” મહેશભાઈએ પૂછ્યું. “લગભગ એકાદ વાગ્યે જમવા જવાનો છું.” રમેશભાઈ બોલ્યા. “ભલે,” મહેશભાઈએ હસીને કહ્યું, “તો પછી હું ઘેર જ આવું છું, એ બહાને ભાભીને પણ મળી લેવાશે અને સાંભળો, અમે બન્ને આવીશું.” મહેશભાઈએ તો ફોન મૂકી દીધો પણ એમનો અવાજ રમેશભાઈના કાનમાં પડઘાતો રહ્યો. ઘેર કેમ આવવાના હશે? શું કામ હશે? આવા આવા કૈંક પ્રશ્નોએ એમના મનનો કબજો લઈ લીધો. સાડાબાર વાગ્યે દુકાન બંધ કરીને એ ઘેર ગયા. મીનાબહેનને વાત કરી અને ફટાફટ જમીને એમણે ઘરની આડીઅવળી પડેલી વસ્તુઓને વ્યવસ્થિત મૂકવાનું શરૂ કર્યું. બધું બરાબર ગોઠવાયું ત્યાં જ ડોરબેલ વાગી. રમેશભાઈએ બારણું ખોલ્યું અને મહેશભાઈ અને એમનાં પત્ની રમીલાબહેને પ્રવેશ કર્યો.

‘‘આવો આવો રમીલાબહેન,’’ મીનાબહેને હસીને બન્નેને આવકાર્યાં, “આવો મહેશભાઈ.” ચારે જણા સોફા પર ગોઠવાયા એટલે મીનાબહેને ઊભા થઈને બધાને પાણી આપ્યું અને પછી ચા મૂકી. “મહેશભાઈ,’’ રમેશભાઈએ ચાનો કપ એક બાજુ મૂકતાં કહ્યું, “તમારા દસ લાખ ઘણા સમયથી બાકી છે એ હું જાણું છું પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે..” ‘‘અરે છોડો દસ લાખ રમેશભાઈ,” મહેશભાઈએ હસીને કહ્યું, “વાત એમ છે કે…” અચાનક અટકીને એમણે રમીલાબહેન તરફ જોયું. ‘‘તું જ વાત કર રમીલા” મહેશભાઈએ કહ્યું અને રમીલાબહેને મીનાબહેન તરફ જોયું. “મીનાબહેન,” રમીલાબહેને વાત શરૂ કરી, “પરિસ્થિતિ તો આ કોરોનાકાળમાં બધાની ખરાબ જ થઈ ગઈ છે પણ સંસારની ફરજો પણ નિભાવવી જ પડે ને?”

‘‘એ તો છે જ ને રમીલાબહેન,’’ મીનાબહેને વાતચક્રમાં હકારાનું ઓઈલ સીંચ્યું. ‘‘અમારે પણ હવે દીકરો આનંદ જુવાન થયો છે,” રમીલાબહેને કહ્યું, “અને તમારી દીકરી અલકા પણ હવે જુવાન થઈ ગઈ હશે. હું માનું છું કે તમે પણ એના માટે મુરતિયો શોધતા હશો.” ‘‘રમીલાબહેન,”હવે રમેશભાઈએ વાતનો દોર હાથમાં લીધો, “અલકા માટે મુરતિયો તો શોધવો છે ને એને સારી રીતે પરણાવવી પણ છે પણ હજી તમારા દસ લાખ બાકી છે ને ધંધો પણ હજી માંડ માંડ શરૂ થયો છે ત્યાં…” “મારા દસ લાખ તો ભૂલી જ જાવ રમેશભાઈ,’’ મહેશભાઈ બોલ્યા, “બસ, એક વાર તમારી દીકરી મારા ઘરની વહુ બને એમાં બધા પૈસા આવી ગયા! તમારું ઘર સંસ્કારી છે ને અલકા તો અમારા દિલમાં વસી ગઈ છે. તમે જો હા પાડો તો આપણે બન્નેનું સગપણ કરી નાખીએ.” રમેશભાઈ અને મીનાબહેન તો સ્તબ્ધ થઈ ગયાં! આ તો બગાસું ખાતા પતાસું આવી ગયું મોંમાં!

“તમે એક વાર અલકાને પૂછી જુઓ,” રમીલાબહેને કહ્યું, “કેમ કે અમારી ઈચ્છા અમે વ્યક્ત કરી, તમારા ચહેરા પર પણ આનંદ દેખાય છે પણ અલકાને આ સંબંધ સ્વીકાર્ય હોય તો જ આપણે એમાં આગળ વધીશું.” ‘‘આમ તો અલકાને કશો વાંધો હોઈ જ ન શકે,” રમીલાબહેન બોલ્યાં, “આમ છતાં, તમે કહો છો તો અમે પૂછી લઈશું. કાલે તમને ફોન કરીશું.” એ પછી થોડી આડીઅવળી વાતો કરીને મહેશભાઈ અને રમીલાબહેન ગયાં. એમના ગયા પછી રમીલાબહેન અને રમેશભાઈ ભેટી પડ્યાં. રમીલાબહેનની આંખોમાં આંસુ છલકાઈ ઊઠ્યાં.ન બારણું ખખડ્યું અને બન્ને છૂટાં પડ્યાં. અલકાએ અંદર આવતાં જ મમ્મીની આંખોમાં આંસુ જોયાં. ‘‘મમ્મી,” એણે પૂછ્યું, “કેમ રડે છે તું?” “આ તો હરખનાં આંસુ છે દીકરી,” રમીલાબહેન બોલ્યાં, “તારા સગપણની વાત આવી છે ને છોકરો ને ઘર બન્ને સરસ છે એટલે અમે આનંદમાં છીએ.” અલકા સ્તબ્ધ થઈ ગઈ. “મારા લગ્ન?” એણે પૂછ્યું, “પણ મમ્મી, તારે મને તો પૂછવું જોઈએ ને? સીધી હા પાડી દેવાય?’’ “અમે હજી હા નથી પાડી બેટી,” રમેશભાઈ બોલ્યા, “મહેશભાઈના દીકરા આનંદ માટેની વાત છે. એ બન્ને આવ્યાં હતાં ને એમણે જ કહ્યું કે, અલકાને પૂછીને અમને જવાબ આપજો. બોલ, તારી શું ઈચ્છા છે?”

“પપ્પા..” અલકા બોલી, “મને તો હજી વિચારવાનો સમય આપો, કાલે કહીશ.” “ભલે બેટી,” રમેશભાઈ બોલ્યા, “પણ જો તારો સંબંધ ત્યાં થાય તો સારું કેમ કે મહેશભાઈ આપણી પાસે દસ લાખ માગે છે એ લગભગ એ જતા કરી દેશે અને આપણે દેવાના એ ડુંગરામાંથી બહાર નીકળી જઈશું.” અલકા હસીને ઉપર એના બેડરૂમમાં ચાલી ગઈ. બીજે દિવસે સવારે એ નીચે આવી અને મીનાબહેનની આંખોમાં પ્રશ્નાર્થ ડોકાયો. બરાબર એ જ વખતે રમેશભાઈ પણ ત્યાં આવી ગયા. “મમ્મી,” અલકાએ કહ્યું, “તમે હા પાડી દેજો. મને વાંધો નથી.” મીનાબહેન તો અલકાને ભેટી જ પડ્યાં. રમેશભાઈએ ફોન લગાડીને મહેશભાઈને હા પાડી દીધી. બીજા દિવસે અલકા અને આનંદનું સગપણ થઈ ગયું. વીસ દિવસ પછી લગ્નનું મુહૂર્ત પણ નીકળ્યું. આ બાજુ મીનાબહેને તૈયારીઓ શરૂ કરી દીધી અને બીજી બાજુ રમીલાબહેને પણ તૈયારીઓ શરૂ કરી દીધી.

એક દિવસ રમીલાબહેન અલકાને લઈને શહેરમાં સાડીઓ અને ઘરેણાં ખરીદવા ગયાં. એ વખતે લગભગ આખો દિવસ અલકા અને એની સખી બીના એમની સાથે રહ્યાં. લગ્નનો દિવસ આવ્યો, જાન આવી અને મીનાબહેન મુરતિયાને પોંખવા આવ્યા. “આ ક્યાં આનંદ છે..?” એમણે મુરતિયાનું મોં જોઈને જ બૂમ પાડી, “અમારી સાથે આવી છેતરપિંડી કરાય મહેશભાઈ? વાત આનંદ માટે કરી અને પરણવા બીજા કોઈને લઈ આવ્યા?” આખા મંડપમાં સ્તબ્ધતા વ્યાપી રહી. ‘‘છેતરપિંડીની વાત જ નથી મીનાબહેન,” રમીલાબહેને આગળ આવીને કહ્યું, “તમે તમારી દીકરીનો ભવ બગાડવા બેઠા હતા પણ મેં બધી જ વાત જાણી લીધી.” ‘‘કઈ વાત?” મીનાબહેને પૂછ્યું.“જે તમે ન જાણી એ વાત,” રમીલાબહેને કહ્યું, “ તમારી દીકરી આ પ્રદીપને પ્રેમ કરતી હતી, એને પરણવા માગતી હતી પણ તમે દસ લાખ માટે થઈને એને કશું પૂછયું નહીં પણ મેં એની સખી મારફતે બધી જ વાત જાણી લીધી. એ કોને ચાહે છે એનો અણસાર તો એની પાસેથી મેળવવો જોઈએ ને તમારે? જો કે,અમે નક્કી કર્યું કે, દીકરીનો ભવ નથી બગાડવો એટલે અમે અમારા આનંદને બદલે પ્રદીપની જાન લઈને આવ્યા છીએ. પ્રદીપ સારો છોકરો છે. અલકા સુખી થશે.” “અને દસ લાખ તો ભૂલી જ જજો રમેશભાઈ,” મહેશભાઈએ આગળ આવીને કહ્યું અને મીનાબહેન રમીલાબહેનને ભેટી પડ્યાં.
 (શીર્ષકપંક્તિ: કુસુમ કંડારિયા)

Most Popular

To Top