Dakshin Gujarat

લો બોલો! નવસારીમાં વાયરલેસ કંટ્રોલ શરૂ કરાયો નથી અને વાયરલેસ ઓફિસરની નિમણુંક પણ થઇ ગઇ

નવસારી : નવસારી (Navsari) વિજલપોર નગરપાલિકાના (Municipality) ફાયર વિભાગમાં (fire department) વાયરલેસ (Wireless) ઓફિસર સાથે ૨૧ કર્મચારીઓની નિમણુંક કરવામાં આવી હતી. પરંતુ હાલ પાલિકાના ફાયર વિભાગમાં વાયરલેસ કંટ્રોલ (wireless control) શરૂ કરાયું નથી છતાં વાયરલેસ ઓફિસરની નિમણૂંક કરાતા પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે.

નવસારી-વિજલપોર નગરપાલીકાની કામગીર એક સાંધે ને તેર તૂટે જેવી !
નવસારી-વિજલપોર નગરપાલિકા તેની કામગીરીને લઈ હાલ વિવાદમાં ચાલી રહી છે. પાલિકા દ્વારા કોન્ટ્રાકટરોને અપાતા કામોમાં વેઠ ઉતારવી, પાલિકામાં શાસકો અને અધિકારીઓ વચ્ચે માથાકૂટ થવી કે પછી ફાયર વિભાગમાં જુના અને અનુભવી કર્મચારીઓને બાજુએ મૂકી નવા ઉમેદવારોની નિમણૂંક કરવા જેવી ઘણી બાબતોથી નવસારી-વિજલપોર નગરપાલિકા વિવાદોથી ઘેરાયેલું છે. નગરપાલિકાના વિવાદો થમવાનું નામ નથી લઈ રહ્યું. નગરપાલિકામાં એક વિવાદ પૂરો ન થાય ત્યાં તો બીજો વિવાદ ઉભો થઇ જતો હોય છે. ત્યારે નગરપાલીકાની કામગીરી એક સાંધે ને તેર તૂટે જેવી છે.

વાયરલેસ ઓફિસરની નિમણૂંક કરાતા પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠ્યા
હાલ નવસારી-વિજલપોર નગરપાલિકામાં ફાયર વિભાગમાં નિમણૂંક બાબતે વિવાદ ચાલી રહ્યો છે. નગરપાલિકાના ફાયર વિભાગમાં જુના અને અનુભવી કર્મચારીઓને બાજુએ મૂકી નવા અને બિનઅનુભવી કર્મચારીઓની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં વાયરલેસ ઓફિસરનો પણ સમાવેશ થયો છે. પરંતુ હાલ પાલિકાના ફાયર વિભાગમાં વાયરલેશ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો નથી. છતાં પણ વાયરલેસ ઓફિસરની નિમણૂંક કરાતા પાલિકાની તિજોરીને ભારે નુકસાન પહોચાડવાનું કામ પાલિકા તંત્રએ કર્યું છે. જોકે પાલિકા દ્વારા ફાયર વિભાગમાં આગામી દિવસોમાં વાયરલેસ રૂમ કરવાની વાત કરી રહ્યા છે.

ફાયર વિભાગનો સ્ટાફ રાજ્ય સરકારે મંજુર કર્યો છે : પ્રમુખ
નવસારી-વિજલપોર નગરપાલિકાના પ્રમુખ જીગીશ શાહે જણાવ્યું હતું કે, હાલમાં જે ફાયર વિભાગના સ્ટાફની નિમણૂંક કરવામાં આવી છે તે રાજ્ય સરકારે મંજુર કરી છે. જેમાં વાયરલેસ ઓફીસરની પણ નિમણૂંક થઇ છે. જોકે પાલિકામાં વાયરલેસ ઓફિસર નહીં હોવાથી વાયરલેસ રૂમ શરૂ કરાયો ન હતો. હવે વાયરલેસ ઓફિસરની નિમણૂંક થઈ છે તો ટુક સમયમાં વાયરલેસના સાધનો વસાવી લેશું અને તેને મેન્ટેઈન પણ કરીશું.

Most Popular

To Top