શિક્ષિકા પ્રીતિબેનનું પાકીટ ગાડી પરથી પડી ગયું હતું, મજૂરના હાથમાં આવતા સહી સલામત પરત કર્યું, શિક્ષિકાએ રોકડ પુરસ્કાર આપી કર્યું બહુમાન
સુરત: (Surat) સુરતના અડાજણ વિસ્તારની એલ.એન.બી.દાળિયા હાઇસ્કૂલ શાળાના શિક્ષિકાનું (School Teacher) મોપેડ પર શાળા એ જતા સમયે પાકીટ (Purse) પડી ગયું હતું. શાળાએ પહોંચ્યા બાદ તેઓ એ મોબાઈલ ફોન (Mobile) સાથે પાકીટ પડી ગયા હોવાનું માલુમ થતા તેઓએ શોધખોળ શરુ કરી હતી. અંતે પોતાના મોબાઈલ પર ફોન કરતા એક મજૂરે ઉઠાવ્યો હતો. મજૂરે (Labor ) ફોન પર વાત કરી અને આ પાકીટ તેઓને પરત કર્યું હતું. આજના કલિયુગ ના જમાનામાં પણ પ્રામાણિકતા (Honesty) જોઈને શિક્ષિકા પ્રીત બહેને મજુર યુવકને રોકડ પુરસ્કાર આપ્યો હતો.
આજના કળિયુગના સમયમાં લોકો સ્વાર્થી બની ગયા છે. આ યુગમાં લોકોમાં પ્રામાણિકતા ખુબ ઓછી જોવા મળી રહી છે. ત્યારે આ યુગ માં પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સુરતમાં મજૂરી કામ કરતા એક મજુર યુવકે ગત તારીખ 10 ફેબ્રુ આરીના અડાજણ વિસ્તારની શ્રીમતી એલ.એન.બી.દાળિયા હાઇસ્કૂલના શિક્ષિકા પ્રિતીબેન પટેલ શાળાએ આવવા માટે પોતાનું મોપેડ લઈને નીકળ્યા હતા.નવયુગ કોલેજ પાસેના પોતાના ઘરથી મોપેડ પર નીકળ્યા ત્યારે એમનું પાકીટ રસ્તામાં પડી ગયું હતું. પ્રીતિ બેન શાળામાં આવ્યા ત્યારે તેઓનું પાકીટ નહીં મળતા તેઓ ચોંકી ઉઠ્યાં હતા. પાકીટની શોધખોળ કરવા માટે તેઓ ઘરે થી શાળાએ આવેલા રસ્તા પર ફરી પાછા ફર્યા હતા. પરંતુ પાકીટ મળ્યું ન હતું.
પાકીટમાં અગત્યના દસ્તાવેજો ATM કાર્ડ ,લાયસન્સ તેમજ મોબાઈલ ફોન અને રોકડ રકમ જેવી મહત્વની વસ્તુઓ હતી. પાકીટ નહીં મળતા પ્રીતિ બેને પરત શાળામાં આવીને શાળાના આચાર્યને વાત કરતાં આચાર્યએ પ્રીતિબેનના મોબાઈલ નંબર પર કોલ કર્યો હતો. જો કે સદનસીબે સામે છેડે સતીશભાઇ નામના વ્યક્તિ દ્વારા કોલ રિસીવ કરવામાં આવ્યો હતો. ફોન રીસિવ કરતાંની સાથે જ તેઓએ ચોખવટ કરી જણાવ્યું કે અમે મજૂર છીએ અમને આ પર્સ નવયુગ કોલેજ પાસેથી રસ્તામાંથી મળ્યું છે અને જેવું હતું તેવું જ સલામત છે .
અમે રહીએ છીએ ત્યાં નવયુગ કોલેજ પાસે અમારા રહેઠાણે ખોલ્યા વગર સલામત મૂક્યું છે. આ મોબાઈલ ફોન પર આપ સંપર્ક કરશો જ એવી આશાથી અમારી સાથે લઈ આવ્યા હતા. અત્યારે અમે સરદાર બ્રીજ નીચે સ્વામીનારાયણ મંદિર પાસે મજૂરીએ આવ્યા છીએ એવું જણાવ્યું હતું. જેથી પ્રીતિ બેન તુરંત જ અન્ય એક શિક્ષક સાથે ત્યાં પહોંચી ગયા હતા. અને એમણે બનેલી બધી વાત જણાવી એમના રહેઠાણે જઇ મોબાઈલ અને પાકીટ પરત કર્યું હતું. મજુર યુવક ની પ્રામાણિકતા જોઈને શિક્ષિકા પ્રીતિબેને અભિનંદન પાઠવ્યા હતા . ઉપરાંત પર્સ સલામત પાછું આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ તેને બે હજાર રોકડનું પારિતોષિક પણ આપ્યું હતું.
કળિયુગના સાંપ્રત સમયમાં પણ આવા માણસાઈથી ભારોભાર ભરેલા લોકો હજુ આપણી વચ્ચે જ જીવે છે. સાવ સામાન્ય કહી શકાય એવા મજૂર માણસની આ પ્રામાણિકતાએ એને કહેવાતા સજ્જનોથી બે વેંત ઉપરના આસને પ્રસ્થાપિત કરી દીધો હતો.આવી ઘટનાઓ માનવતા અને માણસાઈ પર વિશ્વાસ કાયમ રાખે છે.