Business

સુરતના યુવા ચિત્રકારનું ડુડલ આર્ટ પેઇન્ટિંગ ‘SURAT’ એરપોર્ટની ડિપાર્ચર આર્ટ ગેલેરીમાં ડિસ્પ્લે થયું, 5 અક્ષરમાં સમાવી લીધો શહેરનો..

સુરત: પ્રોસ્થોડોન્ટિકસમાં MDS કરી રહેલા સુરતના યુવા ચિત્રકાર ડૉ. રૂજુલ સમીર શાહે તૈયાર કરેલું ડુડલ આર્ટ પેઇન્ટિંગ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની ડિપાર્ચર આર્ટ ગેલેરીમાં સ્થાન પામ્યું છે. ડો.રુજુલ શાહે તબીબ પિતા ડો.સમીર શાહ પાસે પેઇન્ટિંગની બેઝિક ટ્રેનિંગ લઈ ડુડલ આર્ટમાં આજે ડુડલિંગનું એક નવું સ્વરૂપ વિકસાવ્યું છે.જેને ‘An Inked Biography’ તરીકે ઓળખવામાં આવે છે. સુરતના ભવ્ય ઇતિહાસથી લઈ ભવ્ય વર્તમાન અને જાહોજલાલીના પ્રતીકો પાંચ અંગ્રેજી મૂળાક્ષરોથી બનેલા શબ્દ SURATના પ્રત્યેક મૂળાક્ષરમાં સુરતનો ભવ્ય પૌરાણિક ઇતિહાસ,ધર્મ સ્થાનો,તાપી નદી,ગોપીતળાવ,મુઘલ સરાઈ,ડચ,આર્મેનિયન કબ્રસ્તાન,એન્ડ્રુઝ લાયબ્રેરી,રેલવે સ્ટેશન,કિલ્લો,લાઈટ હાઉસ,ક્લોક ટાવર,ભોજનથી લઈ ઉદ્યોગો અને નાગરિક જીવન અંકિત કરાયું છે. સુરત શબ્દમાં સુરતના કુલ 50થી 60 પાત્રો,સ્થળો આ પેઇન્ટિંગમાં રજૂ કરવામાં આવ્યા છે.

ડો.રુજુલ કહે છે કે,કોવિડ-19 લોકડાઉન દરમિયાન, મારા પિતાએ અમારા ઘરમાં લગભગ 15-16 વોલ પેઈન્ટિંગ્સ બનાવ્યા હતા અને અમે અમારા ઘરના ઉપરના માળને આર્ટ ગેલેરીમાં રૂપાંતરિત કરી છે. ગયા વર્ષે ઑકટોબર મહિનામાં, મેં અને મારા પિતાએ વનિતા આર્ટ ગેલેરીમાં અમારું પ્રથમ સંયુક્ત આર્ટ એકિઝબિશન ‘Beyond Imagination’ નું આયોજન કર્યું હતું જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.

મારી પેઇન્ટિંગ શૈલીને ‘ડૂડલ આર્ટ કહેવામાં આવે છે. મેં ડૂડલિંગનું એક સ્વરૂપ વિકસાવ્યું છે, જેને હું ‘An Inked Biography’ તરીકે કહું છું જેમાં મેં આખી વાર્તાને 5-6 અક્ષરોમાં દર્શાવી છે. આ શ્રેણીનું પ્રથમ પેઇન્ટિંગ “મારી દિકરી’ હતી. તે મારા પિતા દ્વારા બધી દીકરીઓ માટે લખેલા, કમ્પોઝડ અને રેકોર્ડેડ ગીત ‘મારી દિકરી’ પર આધારિત છે. મેં ગીતના બધા શબ્દોને 5 અક્ષરોમાં દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. આ શ્રેણીની બીજી પેઇન્ટિંગ ‘POOJAN’, ‘POOJAN’ – 5 પેન ઓન પેપર સ્કેચની શ્રેણી છે, જે મેં રક્ષાબંધન પર મારા ભાઈ પૂજનને ભેટમાં આપી હતી, આ શ્રેણીનું લેટેસ્ટ પેઇન્ટિંગ ‘SURAT’ છે. મારા શહેર માટે, 5 પેન ઓન પેપર સ્કેટયેસની શ્રેણી છે, એ શહેર જેણે મને બધું આપ્યું છે, અને જ્યાં હું મારું બધું આપીશ, મારા શહેરને વધુ સારી રીતે જાણવાની ઉત્સુકતા તરીકે જે શરૂ થયું હતું, તે આવી અદભુત યાત્રામાં પરિણમી છે. “SURAT’ આપણા શહેરના મધ્યયુગીન સમૃદ્ધ બંદરથી લઈને વર્તમાન સુધીના પરિવર્તનને દર્શાવે છે. સંશોધન, વાંચન અને તમામ સ્વરૂપોની ગોઠવણથી શરૂ કરીને આ પેઇન્ટિંગ બનાવતા મને બે મહિના લાગ્યા હતાં. ઈશ્વરલાલ દેસાઇના પુસ્તક સુરત- સોનાની મુરત’ અને આશ્લેષા ખુરાનાની ખૂબસુરત – હોમ ફોર હેરિટેજ’માંથી સંદર્ભ લીધા છે. .

”S” પ્રાચીન સુરતની વાર્તા કહે છે, જે તે સમયના સૌથી સમૃદ્ધ બંદરોમાંનું એક હતું, જે તાપી નદીના કિનારે હતું. સુરતના કિલ્લા પર જ્યાં 84 દેશોના ફરકતા હતા.જે સૌથી પ્રાચીન કોસ્મોપોલિટન શહેરોમાંનું એક વેપારમાં સમૃદ્ધિ ધરાવતું હતું. સુરતી બનિયાઓ વેપારમાં તેમની કુનેહ માટે સમગ્ર કિનારે જાણીતા હતા.નીચે જમણા ખૂણાનું માળખું ગોપી તળાવ છે, જેનું નિર્માણ એક શ્રીમંત વેપારી મલિક ગોપી દ્વારા 1510ની આસપાસ કરવામાં આવ્યું હતું. ‘સુરત’ એ એકમાત્ર સ્થળ છે જ્યાં સૂર્યપુત્રી તાપી અને સૂર્યપુત્ર કર્ણ મળ્યા હતા. તાપી નદીના કિનારે કર્ણના અવશેષોનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો અને આ સ્થળનું નામ કર્ણના ભાઈઓ શ્રી અશ્વિની અને શ્રી કુમારના નામ પરથી રાખવામાં આવ્યું હતું. તેની આસપાસ એક મંદિર બનાવવામાં આવ્યું છે, જેનું નામ ‘તીન પત્તી કર્ણ મંદિર’ છે.

‘U” સુરતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને પુરાતત્વીય વારસાને દર્શાવે છે. સુરતના પુરાતત્વીય સ્થળો મુગલ, ડચ અને બ્રિટિશ સ્થાપત્યની યાદ અપાવે છે. સુરતને પ્રેમથી ‘બાબુલ-એ-મક્કા’ (મક્કાનો પ્રવેશદ્વાર’) કહેવામાં આવતું હતું. શાહજહાંની મુગલ સરાઈ, જેને મુબારક મુસાફિરખાના’ તરીકે પણ ઓળખવામાં આવે છે, પ્રતિષ્ઠિત અને ભવ્ય ડચ અને આર્મેનિયન કબ્રસ્તાન, બ્રિટિશ વસાહતી એડ્ઝ લાઇબ્રેરી સુરતના ઘણા પુરાતત્વીય સ્થળો પૈકી થોડા છે. વીરજી હાપા, જેને મર્ચન્ટ પ્રિન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે તે તે સમયના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિઓમાંના એક હતા, તેઓ બ્રિટિશરને પણ લોન આપતા હતા. સુરતના ‘નાણા-વટ’ વિસ્તારને એવું નામ આપવામાં આવ્યું હતું, જ્યાં પૈસાની આપ-લે થતી હતી. ગુજરાતી પ્રસિદ્ધ કવિ, નાટ્યકાર અને સમાજ સુધારક, કવિ નર્મદ સુરતના વતની હતા. 17મી સદીની શરૂઆતમાં અંગ્રેજોના આગમન અને શિવાજીના વારંવારના હુમલાઓથી સુરતની સમૃદ્ધિમાં ઘટાડો થવા લાગ્યો. અંગ્રેજોએ તાપીના કિનારે પ્રથમ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું કારખાનું બાંધ્યું હતું.

R’ એ સુરતનું જમણ, કાશીનું મરણ’ . તેની સાંસ્કૃતિક અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિની જેમ સુરતી વાનગીઓમાં મોગલ, ડચ, ઈરાની અને બર્મીઝ ભોજનનો સ્પર્શ છે.” ડચ તેમની પાછળ ફરમાસુ બટર બિસ્કિટ, નાન ખટાઈ અને ઈરાની સાદા બિસ્કિટ છોડી ગયા હતા, બર્મીઝો તેમની પાછળ રાંદેરમાં ખો-સુયે અને રંગૂની પરાઠા છોડી ગયા હતા. ભારતની સૌપ્રથમ સ્વદેશી કોલા બ્રાન્ડ સોસ્યો’, સુરતમાં શરૂ કરવામાં આવી હતી.
જ્યારે આપણો પૌષ્ટિક ગુજરાતી થાળ વિશ્વભરમાં પ્રખ્યાત છે, ત્યારે દરેક ગુજરાતી ખાખરા, ઢેબરા અને ઢોકળા વિના અધૂરો છે.સુરતની રોડ સાઈડની લારીઓની વાનગીઓ, સુરતીઓનો ચંદની પડવો ઘારી, પોક અને ઊંધીયુ’ એમા દર્શાવાયું છે.

‘A’ સુરતના ભવ્ય સાંસ્કૃતિક વારસા ભવ્ય ભૂતકાળને દર્શાવે છે, ભવ્ય મંદિરો અને હેરિટેજ ઇમારતો,400 વર્ષ જૂનું ચિંતામણી જૈન દેરાસર,અંબાજી મંદિર,. BAPS સ્વામિનારાયણ મંદિર, તાપી નદીનો કિનારો અને મિરજાન સામીની દરગાહ, જે સુરતના પ્રખ્યાત ગવર્નર અને હુમલાખોરો સામે રક્ષા કરનાર ખુદાવંદ ખાનનો કિલ્લો, સુરતનું રેલ્વે સ્ટેશન, ક્લોક ટાવર, હજીરા બ્રિજ અને લાઇટ હાઉસ અને વનિતા વિશ્રામની ઓફિસ બિલ્ડિંગ, સુરતનો કાપડ,જરી અને હીરા ઉદ્યોગ, તેમાં અંકિત છે.

‘T’ સુરતના વર્તમાનને દર્શાવે છે, જેમાં વિશ્વનું સૌથી ઝડપી વિકાસશીલ શહેર છે. કેબલ બ્રિજ, એરપોર્ટ, ટેક્સટાઇલ માર્કેટ, ઔધોગિક ઇમારતો, બહુમાળી ઇમારતો અને શોપિંગ કોમપ્લેક્સ જેણે સમગ્ર સુરતને કબજે કર્યું છે. જો સુરતનું વર્ણન કરવા માટે એક શબ્દ હોય તો – તે જીવંત” છે. સુરત તેની તમામ સંવેદનાઓમાં જીવંત છે. આ એક એવું શહેર છે જે હંમેશા તમારું સ્વાગત કરે છે, ઘણા લોકો વિશાળ સપના સાથે શહેરમાં આવે છે અને સુરત ક્યારેય કોઈને નિરાશ કરતું નથી. સુરત વિનાશક પૂર અને પ્લેગના રોગચાળા જોયા છે, પરંતુ તે હંમેશા પોતાના પગ પર ઊભું રહ્યું છે. સુરતી લાલા દરેક ક્ષણને તેના અત્યંત ઉત્સાહથી જીવે છે.

Most Popular

To Top