Dakshin Gujarat

હદ થઈ હવે: તસ્કરોએ સ્મશાન ગૃહ પર નિશાન તાક્યું, અંતિમ સંસ્કાર માટેની સગડીની ચોરી ગયા

વાંસદા: તસ્કરોએ હવે હદ કરી છે. ઘરમાંથી તેમજ દુકાન સાથે હવે તસ્કરોની નજરમાં સ્મશાન ગૃહ આવતા તેને પણ બાકી નથી રાખ્યું. વાંસદાના ગામોમાં સ્મશાન ગૃહમાં (Cemetery) ફીટ કરવામા આવેલા અંતિમ સંસ્કાર કરવા માટેની સગડીઓની પ્લેટો (Fireplace plates) તસ્કરો ચોરી (Theft) જવાના બનાવ બન્યા છે. જેને લઇ ઉનાઈ આઉટ પોસ્ટમાં (Out Post) ફરિયાદ (Complaint) નોંધાઇ હતી.

  • તાલુકાના સરા, નાની ભમતી અને કાવડેજની સ્મશાન ભૂમિની સગડીના પાર્ટ તસ્કરો ચોરી ગયા
  • સ્મશાન ગૃહો ગામથી દૂર હોવાથી રાત્રે અવર જવર રહેતી નહીં હોવાને કારણે સરળતાથી લાભ ઉઠાવતા તસ્કરો
  • વાંસદાના ગ્રામ્ય વિસ્તારોમાં હવે તસ્કરોએ સ્મશાન ગૃહ પર નિશાન તાક્યું

વાંસદાના ગ્રામ્ય વિસ્તારોમાં હવે તસ્કરોએ સ્મશાન ગૃહ પર નિશાન તાક્યું હોય તેવું લાગી રહ્યું છે. જેમાં વાંસદા તાલુકાના કેટલાક ગામોના સ્મશાન ગૃહમાં ફીટ કરવામાં આવેલા અંતિમ સંસ્કાર કરવા માટેની સગડીઓની પ્લેટો તસ્કરો ચોરી જતા મૃતદેહોનો અંતિમ સંસ્કાર માટે પણ લોકોએ હવે ભારે મુસીબતો વેઠવી પડે તેમ છે. જેમાં સરા, નાની ભમતી અને કાવડેજ ગામોમાં આવેલી સ્મશાન ભૂમિમાં તસ્કરો દ્વારા રાત્રે અંધકારનો લાભ લઈને સગડીના પાર્ટ ચોરી ગયા હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું. આવા સ્મશાન ગૃહો ગામથી થોડે દૂર હોવાથી રાત્રે ત્યાં કોઈ અવર જવર રહેતી નહીં હોવાને કારણે તસ્કરો તેનો સરળતાથી લાભ ઉઠાવી જાય છે. આ ચોરી બાબતે ભીનાર, સરા અને કાવડેજ સહિતના ગામોના સરપંચોએ પણ સ્મશાન ગૃહમાં ફીટ કરેલી સગડીઓની પ્લેટો તસ્કરો દ્વારા ચોરી જવાની ઘટના બની હોવાનું જણાવ્યું હતું. આ બાબતે નાની ભમતી ગ્રામ પંચાયતના સરપંચે ઉનાઈ આઉટ-પોસ્ટ ખાતે લેખિત ફરિયાદ કરી આ બનાવની કાયદેસરની કાર્યવાહી કરી આવા ચોરટાઓની ટોળકીને પકડવા માટેની માંગ કરી હતી.

તસ્કરોની ધરપકડ કરી સખત કાર્યવાહી કરવી જોઈએ
આજે દુનિયામાં અનેક પ્રકારની ચોરીના કિસ્સાઓ સાંભળવા મળે છે, ત્યારે ચોરટાઓ એટલી હદે પહોંચ્યા છે કે સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર માટેની સગડી પણ બાકી રાખતા નથી. આવા ચોરટાઓની ધરપકડ કરી તેમાં વિરુદ્ધ સખત કાર્યવાહી કરવી જોઈએ – જીતેન્દ્ર પટેલ, સરપંચ ભીનાર

Most Popular

To Top