તા.8-2-2022 ના ‘ગુજરાતમિત્ર’ ની ચર્ચાપત્ર કોલમમાં “માણસાઈના દીવા હજી બુઝાયા નથી” શીર્ષક હેઠળ વ્યારાના શ્રી પ્રકાશ સી. શાહનું લખાણ વાંચી આનંદ થયો. ગુજરાતી પિતા અને પારસી માતાનાં સુપુત્રી ધ્વારા મુંબઈની ટાટા મેમોરીયલ હોસ્પિટલથી ફક્ત 400 મીટરના અંતરે આવેલ પોતાની ત્રીસ હ્જાર ચોરસ ફીટ જમીન કે જેનું મૂલ્ય આશરે રૂપિયા 120 કરોડ જેટલું છે તે જમીન આ કેન્સર હોસ્પિટલના કેમોથેરાપી સેન્ટરના વિસ્તરણ માટે દાનમાં આપી તે બાબત દરેક ગુજરાતી અને પારસીને ગૌરવ અપાવે છે. વિશ્વભરમાં તા. 4 ફેબ્રુઆરીના દિવસને “વર્લ્ડ કેન્સર ડે” તરીકે મનાવવામાં આવે છે. એક વૈજ્ઞાનિક અનુમાન મુજબ મધ્યમવર્ગીય આવક્ના સ્રોત ધરાવતા દેશોમાં વર્ષ 2030 સુધીમાં 75 ટકા જેટલા અકાળે થતાં અવસાનો કેન્સરની ગંભીર બિમારીના કારણે થશે.
વર્ષ 2022 દરમ્યાન “વર્લ્ડ કેન્સર ડે” માટે કેન્સરનાં દર્દીઓની તબીબી સારવારમાં ઉપલબ્ધ સંસાધનો, સારવારની અદ્યતન પધ્ધતિ ઉપરાંત સામાજિક, શૈક્ષણિક, આર્થિક, ભૌગોલિક અને વય-જાતિ આધારિત અસમાનતા દૂર કરી વિશ્વના દરેકે દરેક કેન્સર પેશન્ટને સારામાં સારી તબીબી સારવાર ઉપલબ્ધ થઈ શકે તે અંગેના પ્રયાસો હાથ ધરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. સુરત અને સમગ્ર દક્ષિણ ગુજરાતના કેન્સર પેશન્ટોને ટાટા મેમોરીયલ સેન્ટર (મુંબઈ) ખાતે ઉપલબ્ધ તબીબી સારવાર સુરતના આંગણે જ મળી શકે તે માટે સુરત પારસી પંચાયતના મેનેજમેન્ટ હેઠળની 102 વર્ષ જૂની શેઠ રૂસ્તમજી ધનજીભાઈ તારાચંદ સુરત પારસી જનરલ હોસ્પિટલની વિશાળ જગ્યામાં ગુજરાત સરકારના પ્રાઈવેટ – પબ્લીક પાર્ટનરશીપ (PPP) ધોરણે ટાટા ટ્રસ્ટના સીધા મેનેજમેન્ટ હેઠળ રાહત દરની કેન્સર નિવારણ – નિદાન અને સારવાર માટેની અદ્યતન હોસ્પિટલની સ્થાપના કરવા માટે લેખિત રજૂઆત કરવામાં આવેલ છે.
આ વિસ્તરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા ધ્વારા પણ આ અંગે સરકારમાં રજૂઆત કરવામાં આવેલ છે ત્યારે સર જમશેદજી જીજીભોય અને મુંબઈના અન્ય મહાનુભાવો મારફત સુરતની પારસી પંચાયતના આજીવન ટ્રસ્ટીઓ તરીકે નિયુકત સુરતના પારસી નામાંકિતો સર્વશ્રી જમશેદજી દોટીવાલા, પદમશ્રી યઝદી કરંજીયા, ડો. મીનુ પરબિયા, ડો. હોમી દૂધવાલા, ડો. રૂસ્તમ ડી. મોરેના, શ્રી માલ્કમ પંડોળ, શ્રીમતી કેશ્મીરાબેન દોરડી સુરત શહેરની મધ્યમાં પારસી રહેણાંક વિસ્તારમાં પચાસ હજાર ચોરસ ફુટ કરતાં પણ વધારે એવા વિશાળ પરિપ્રેક્ષ્યમાં સને 1920 માં સ્થાપિત સુરત પારસી જનરલ હોસ્પિટલની પડતર જમીન ગેરકાયદેસર દબાણ કે ન્યુસન્સ સ્પોટમાં રૂપાંતરિત થતી અટકાવે અને “પારસી ધી નેમ ઈઝ ચેરીટી” એ ઉકિતને ચરિતાર્થ ઠેરવતા આ વિશાળ જગ્યામાં સુરત અને દક્ષિણ ગુજરાતનાં સર્વે જ્ઞાતિનાં નાગરિકોની સેવામાં ટાટા ટ્રસ્ટ્ના સીધા મેનેજમેન્ટ હેઠળની એક અદ્યતન કેન્સર નિદાન – સારવાર અને નિવારણ માટેની હોસ્પિટલ સ્થાપિત થાય તે માટે ગુજરાત સરકાર અને ટાટા ટ્રસ્ટ સાથે ઉચ્ચ કક્ષાએ મંત્રણાઓ યોજી સુરત શહેરને એક ઉમદા હોસ્પિટલ અર્પણ કરી તેઓનું ટ્રસ્ટીપદ શોભાવે એવી વિનંતી.
સુરત – રયોમન એસ. ઈલાવ્યા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.