Dakshin Gujarat Main

સુરતના 500 ગામડામાં ડુક્કરોનો ત્રાસ, ડુક્કરોનું ઝૂંડ રાત્રે ખેતરમાં ઘૂસે છે અને..

સુરત: (Surat) સુરત જિલ્લાના 9 તાલુકા મળી 500 ગામડાંના (Villages) ખેડૂતોની (Farmers) ડુક્કરો (Pig) મુશ્કેલી (Problem) વધારી રહ્યા છે. રોકડિયા તેમજ બાગાયતી પાકને વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે. ખેડૂતો દ્વારા અવારનવાર આ અંગે જંગલ ખાતાને પણ રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું આજદિન સુધી કોઇ નિરાકરણ આવ્યું નથી. ડુક્કરો એટલાં ઉપદ્રવી બની ગયાં છે કે શેરડી, ડાંગર તેમજ બાગાયતી પાકને તો નુકસાન કરી જ રહ્યા છે, પણ જમીનને પણ ઉથલપાથલ કરી નાંખે છે. ડુક્કરો મોટે ભાગે મધ્ય રાત્રિએ 2થી 3 વાગ્યે ઝૂંડમાં ખેતરમાં પ્રવેશ કરે છે અને સવાર થતાં પહેલાં ભાગી જાય છે. ત્યારબાદ દિવસના તેઓ ક્યાં હોય છે તે જાણી શકાતું નથી. આવી પરિસ્થિતિમાં કેટલાક નાના ખેડૂતો ખેતી છોડી રહ્યા છે.

  • રાત્રિના સમયે ઝૂંડમાં ખેતરમાં પ્રવેશી જઈ ખેદાનમેદાન કરી મૂકતાં ડુક્કરોને પકડવા પણ મુશ્કેલ
  • અમુક ખેડૂતો ઇલેક્ટ્રિક કરંટવાળી તારની વાડ ખેતર ફરતે મુકાવતા થયા

ખેડૂતો કમોસમી વરસાદ અથવા પાણીની અછતને કારણે મોટા ભાગે મુશ્કેલીમાં મુકાતા હોય છે. પરંતુ સુરત જિલ્લાના ખેડૂતોની મુશ્કેલીમાં છેલ્લા ઘણા સમયથી જંગલી ડુક્કરો પણ ઉમેરાયાં છે. ડુક્કરો રાત્રિના સમયે ઓલપાડ સહિતના 9 તાલુકાઓનાં 500 જેટલાં ગામડાંની ખેતીને નુકસાન પહોંચાડી રહ્યા છે. એકાદ-બે વીઘાંમાં ખેતી કરતા ખેડૂતોને ડાંગર, શેરડી તેમજ બાગાયતી પાક લેવા માટે જેટલો ખર્ચો થાય છે તેની સામે બેગણું નુકસાન ડુક્કરોને કારણે થઇ રહ્યું છે. સુરત જિલ્લાના બારડોલી, ચોર્યાસી, કામરેજ, મહુવા, માંડવી, માંગરોળ, ઓલપાડ, પલસાણા અને ઉમરપાડા તાલુકાનાં મળી 500 જેટલાં ગામડાં છે. આ તમામ ગામના ખેડૂતોને વર્ષે નીકળતા પાક પૈકી 30થી 40 ટકા પાકની નુકસાન ડુક્કરો પહોંચાડી રહ્યાં છે. દર વર્ષે ડુક્કરોના ત્રાસનો ભોગ બનતા કેટલાક નાના ખેડૂતો લાંબા ખર્ચમાં ઊતરવા કરતાં ખેતી છોડી રહ્યા છે.

ખેડૂતો ગ્લોબલ વોર્મિંગ બાદ હવે જંગલી ડુક્કરોથી ત્રાહિમામ : દર્શન નાયક
ખેડૂત સમાજ ગુજરાતના અગ્રણી દર્શન નાયકે જંગલી ડુક્કરોના વધી રહેલા ત્રાસ અંગે જણાવ્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગને કારણે ખેડૂતોને દર એકાદ-બે વર્ષે નુકસાન થતું હોય છે. જેમાં 33 ટકાથી વધુ નુકસાન થતું હોય તો જ સસકાર વળતર આપે છે. એક સમસ્યાનો હલ આવતો નથી ત્યાં ખેડૂતોની માથે જંગલી ડુક્કરોએ નવી મુશ્કેલી ઊભી કરી છે. આ ત્રાસ દૂર નહીં થશે તો ખેડૂતો ખેતી કઇ રીતે કરશે. ઝૂંડમાં આવતાં ડુક્કરો રાત્રિના સમયે 2થી 3 વાગ્યે જ ખેતરોમાં પ્રવેશ કરી પાકને નુકસાન કરે છે.

ડુક્કરોના ત્રાસને કારણે 10થી 11 હજારનો ખર્ચો કરી ઝાટકા મશીન મુકાવ્યાં : હિતેશ પટેલ
ઓલપાડ તાલુકાના એરથાણ ગામમાં 4 વીઘાંમાં ખેતી કરતા ખેડૂત હિતેશ પટેલે ડુક્કરોથી થતા નુકસાનને કારણે 10 હજારથી 11 હજારનું ઇલેક્ટ્રિક શોક આપતું ઝાટકા મશીન મુકાવ્યું છે. આ મશીનમાંથી કરંટ પસાર થાય છે. કરંટવાળી તારની વાડના સંપર્કમાં આવતા જ ડુક્કરને ઝાટકો (માઇનોર કરંટ) લાગે છે અને તે ભાગી જાય છે. પરંતુ દરેક ખેડૂત આ રીતે ખર્ચો કરી મશીન પણ મુકાવી શકે તેમ નથી. નાના ખેડૂતો માંડ વર્ષે એકાદ-બે પાક લેતા હોય છે, ત્યારે તેમને આ ખર્ચો પણ પરવડે તેમ નથી.

છેલ્લા એકાદ-દોઢ વર્ષમાં ડુક્કરોને કારણે 1 લાખનું નુકસાન : વિવેક પટેલ
ડાંગર અને કેળાંની ખેતી કરતા કુવાદ ગામના ખેડૂત વિવેક પટેલે પણ ડુક્કરોના ત્રાસને કારણે ઇલેક્ટ્રિક કરંટવાળું મશીન મુકાવ્યું છે. તેમના પાકને છેલ્લા એકાદ-દોઢ વર્ષમાં 1 લાખની નુકસાની વેઠવી પડી છે. સાદા તારની વાડને તો ડુક્કરો તોડી નાંખીને પણ ખેતરમાં પ્રવેશ કરી જાય છે. ડુક્કરોના ત્રાસને કારણે અલગ-અલગ સમયે અલગ-અલગ ખેતરમાં શેરડી, ડાંગર સહિતના પાક લેવાના હોય ત્યારે તે ખેતરમાં ઇલેક્ટ્રિક તારની વાડ ઊભી કરવામાં આવે છે.

બાગાયતી ખેતીને પણ મોટાપાયે નુકસાન થયું છે : ધર્મેશ પટેલ
ઓલપાડના તેના ગામ ખાતે જમરૂખ, પપૈયું, કેળાં અને ચીકુની ખેતી કરવા ઉપરાંત તુવેર સહિતના લીલા ઊભા પાકની ખેતી કરતા ખેડૂત ધર્મેશ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 20થી 25 દિવસથી ભૂંડ નુકસાન પહોંચાડી રહ્યાં છે. રાત્રિના સમયે અચાનક ડુક્કરો ધસી આવતાં પાક ઉતારવાના સમયે જ ડુક્કરો ખેતરને ખેદાનમેદાન કરી નાંખતાં ખેડૂતના મોંમાં આવેલો કોળિયો છીનવાઇ રહ્યો છે.

Most Popular

To Top