SURAT

સુરત મ્યુનિ.કમિ.એ રજૂ કરેલા 6970 કરોડના બજેટનું કદ ભાજપ શાસકોએ વધારીને 7287 કરોડનું કર્યું

સુરત: (Surat) બે દિવસની મેરેથોન ચર્ચા બાદ મ્યુનિ.કમિ.એ (Municipal Corporation) રજૂ કરેલા આગામી નાણાકીય વર્ષ 2022-23ના 6970 કરોડના ડ્રાફ્ટ બજેટમાં 316.58 કરોડ રૂપિયાના વધારા સાથેનું 7,287.81 કરોડના બજેટને (Budget) મંજૂર કર્યું હતું. બજેટમાં કમિ.એ કેપિટલ ભંડોળ માટે 3183 કરોડની જોગવાઇ મુકી હતી. તેમાં 289.39 કરોડનો વધારો કરીને 3472.68 કરોડ કરવામાં આવી છે.

  • પીપીપી મોડેલ અપનાવવાના ધ્યેય સાથે શાસકોએ બજેટમાં 316 કરોડ વધાર્યા
  • મ્યુનિ.કમિ.એ રજૂ કરેલા 6970 કરોડના બજેટનું કદ ભાજપ શાસકોએ વધારીને 7287 કરોડનું કર્યું
  • છેલ્લા 10 વર્ષથી કેપિટલ બજેટ વપરાતું નથી પરંતુ સ્થાયી સમિતીએ કેપિટલમાં 289 કરોડનો વધારો કર્યો
  • વધુ પાંચ બજેટ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપથી સાકાર કરવાની જોગવાઇ કરાઇ, યુઝર ચાર્જિસમાં વધારો યથાવત રખાયો
  • વેરા ભરવામાં અખાડા કરતા મિલકતદારને વ્યાજ માફીની જાહેરાત થતાં મનપાની આવકમાં 143.56 કરોડનો ફટકો પડશે

જો કે છેલ્લા 10 વર્ષથી કેપિટલ બજેટનો ખર્ચ 2000 કરોડને આંબી શકયો નથી. આમ છતાં કેપિટલ કામો માટેની જોગવાઈમાં વધારો કરાયો હોવાનું સ્પષ્ટ જણાઇ રહ્યું છે. આ સાથે સ્થાયી સમિતિએ મંજૂર કરાયેલા બજેટમાં ખાનગીકરણ એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપથી પ્રોજેકટ સાકાર કરવા પર વધુ ભાર મુકયો હોય નવા નાણાકિય વર્ષમાં પાંચ પ્રોજેકટ પીપીપીથી સાકાર કરવાની જોગવાઇ કરવામાં આવી છે. સ્થાયી સમિતિની બજેટમાં નવા સાત બ્રિજ, દરેક ઝોનમાં 10-10 સ્કુલો, સ્કુલોનું ડિજિટલાઈઝેશન, સોલાર પાવર પર ભાર મુકવા સહિતની જોગવાઇ કરવામાં આવી છે. કમિ.એ યુઝરચાર્જમાં કરેલા વધારાને યથાવત રાખવામાં આવ્યો છે. જ્યારે વેરો ભરવામાં મોડું કરતા મિલકતદારોને લાભ થાય તે રીતે કોરોના કાળને ધ્યાનમાં રાખી મિલકત વેરાની વર્ષ 2020-21 સુધીની બાકી રકમ પર રહેણાંકમાં 100 ટકા અને કોમર્શિયલમાં 50 ટકા વ્યાજ માફીની જાહેરાત કરાઇ છે. જેથી સુરત મનપાની તિજોરીને 143.56 કરોડનો ફટકો પડશે.

આ વખતે હું ચેરમેન છું, બજેટ કેવી રીતે વાપરવું તે અમારે જોવાનું છે : ચેરમેન
કમિ.એ રજૂ કરેલા બજેટના કદમાં વધારો કરીને 7,287 કરોડ સુધી લઇ જવાયું છે પરંતુ છેલ્લા 10 વર્ષમાં મનપા તેની કેપિટલ કામની જોગવાઈની સામે ખર્ચમાં 59 ટકા પર માંડ પહોંચી શકી છે ત્યારે કેપિટલ કામના નાણાં વપરાતા નથી તો પછી તેની મોટી જોગવાઈનો શું અર્થ તેવો પ્રશ્ન ચેરમેન પરેશ પટેલને પુછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે, ‘હવે હું ચેરમેન છું, 100 ટકા વપરાશે. કેવી રીતે વપરાશે તે અમારે જોવાનું છે.’

Most Popular

To Top