સુરત: (Surat) સુરત જિલ્લામાં પંચાયતી વિસ્તારમાં તલાટીઓનાં (Talati) પરાક્રમ પરાકાષ્ઠાએ પહોંચ્યા હતા. ઓલપાડ તાલુકાના સાંધિએર ગામના સ્થાનિક રહેવાસીઓને ફાળવેલા પ્લોટ (Plot) તલાટીએ બારોબાર રાજસ્થાનીઓના (Rajasthani) નામે આકરણી કરી ગામ દફ્તરે ચઢાવી દેતાં ભારે હલચલ મચી ગઇ છે.
ઓલપાડના સાંધિયર ગામમાં સરકાર દ્વારા સ્થાનિક રહીશોને ફાળવાયેલા પ્લોટ અને મંજૂર થયેલા ઇન્દિરા આવાસમાં જે-તે વખતના તલાટીએ કરામત કરીને સ્થાનિકોનાં નામ કાઢી નાંખીને રાજસ્થાનીઓનાં નામ દાખલ કરવાનું કોભાંડ બહાર આવ્યું છે. ઓલપાડમાં આવી રહેલા એકપછી એક કૌભાંડમાં એક નવું કોભાંડ બહાર આવ્યું છે, જેમાં જિલ્લા સંકલનમાં ફરિયાદ થયા બાદ તેમજ સ્થાનિક નેતા જયેન્દ્ર દેસાઈએ જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરતાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરીને સંકલનમાં રિપોર્ટ રજૂ કર્યો હતો.
આ રિપોર્ટ મુજબ ૨૦૦૭માં કંકુબેન શિવભાઈને ૧૦૦ ચોરસ મીટરનો પ્લોટ આપ્યો હતો. જેની તા.૨૮-૬-૧૯ના રોજ આકારણી થતાં કંકુબેનની જગ્યાએ રાજસ્થાની અંજુબેન ખરોલનું નામ દાખલ કરવામાં આવ્યું હતું. જેના આધારે પ્રધામંત્રી આવાસ મંજૂર થયું હતું. જ્યારે વિજયભાઈ ગાંડાના નામે ઇન્દિરા આવાસ મંજૂર થયું હતું, તેમાં પણ પાનીબેન ગુર્જરનું નામ દાખલ થયું હતું. અને તેના આધારે સુડા આવાસ મંજૂર થયું હતું. આમ આ બંનેના જે આકારણી રજિસ્ટરમાં ફેરફાર થયા છે તે અંગે ઠરાવને લગતી નકલો સામાન્ય સભાની નકલ ગ્રામ પંચાયતની કચેરીએથી ગુમ થઈ છે. આ કૌભાંડની તપાસ કરવાની માંગ કરાઇ છે.
તલાટીના રહેઠાણ સાથે સુરત જિલ્લાની 73 ગ્રામપંચાયતોના ભવન બનાવવામાં આવશે
સુરત: સુરત જિલ્લાના ૯ તાલુકાઓ પૈકી ૬ તાલુકાઓમાં વિભિન્ન યોજના હેઠળ મંજુર થયેલા ૧૦૦ કરોડ ની નવી બાબતો હેઠળ માળખાકીય સુવિધાઓ હાથ ધરવાના કામોમાં ૭૩ ગ્રામ પંચાયતો ના નવા અધ્યતન સુવિધા યુકત ભવન બનાવવામાં આવનાર હોવાનું જાણવા મળે છે આ ગ્રામ પંચાયતોના નિર્માણ માં જિલ્લા પંચાયતના સ્વભંડોળનો પણ હિસ્સો હશે. ગ્રામ પંચાયત ભવન ની સાથે સાથે તલાટી કમ મંત્રીનું રહેઠાણ માટેનું આવાસ પણ સાથે જ હશે એવું જાણવા મળી રહ્યું છે.
આ અંગે વધુ વિગતો મુજબ સરકારના અન્ય કર્મચારીઓને ફાળવવામાં આવતા આવાસની જેમ હવે જિલ્લા પંચાયતના પંચાયતી શાખાના તલાટી કમ મંત્રીઓને પણ રહેઠાણની સુવિધા આપવામાં આવશે. સુરત જિલ્લાના મોટાભાગના તાલુકા આદિવાસી વસ્તી ધરાવતા અંતરિયાળ વિસ્તાર છે. આવા જિલ્લામાં આધુનિક સુવિધા મળવી ઘણી મુશ્કેલ હોય છે પરંતુ હવે આદિવાસી વિસ્તારના સર્વાંગી વિકાસ માટે વિવિધ યોજનાઓ શરૂ થવાથી આ ગામડાઓ હવે ડિજિટલ બનવા તરફ આગળ વધી રહ્યા છે. સુરત જિલ્લાની ૫૪૭ ગ્રામ પંચાયતો છે.
સરકાર દ્વારા મનરેગા યોજના અને જિલ્લા પંચાયતના ૧૫ માં નાણાપંચ ના સહયોગથી પ્રથમ તબક્કામાં જિલ્લાના મહુવાની એક,માંડવીની ૧૪, ગ્રામ પંચાયત. માંગરોળની ૧૭ ગ્રામ પંચાયત,ઉમરપાડાની ચાર ગ્રામ પંચાયત,ઓલપાડની ૩૭ ગ્રામ પંચાયત મળીને કુલ મિલાવીને ૭૩ ગ્રામ પંચાયતના નવા અધ્યતન ભવનો બનાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ૭.૫૦ લાખ રૂપિયા મનરેગાના અને ૭.૫૦ લાખ રૂપિયા ૧૫ મા નાણાપંચ માંથી ફાળવીને કુલ મિલાવી એક ભવન પાછળ ૧૫ લાખ રૂપિયાનો સુચિત ખર્ચ કરવામાં આવશે. નવા સાકાર કરવામાં આવનાર પંચાયત ભવન વાઈ-ફાઈ સહિત ની તમામ સુવિધાઓથી સજ્જ અને સાથે તલાટી ક્રમ મંત્રી નું રહેઠાણ માટેનું ક્વાર્ટર પણ તેની સાથે જ હશે જેથી તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયત ભવન માં પૂરતો સમય આપી શકશે અને ગ્રામજનોને પણ કામો માટે અટવાવુ નહીં પડે.