SURAT

કાયદાઓને ગજવે ઘાલીને ફરતા બિલ્ડરો સામે કઠોર કાર્યવાહીઓની જરૂર છે


દિલ્હીની (Delhi) નજીક આવેલા ઉત્તર પ્રદેશના (UP) ઔદ્યોગિક નગર નોઇડામાં બે વૈભવી રેસિડેન્શ્યલ (Residential) ટાવરોને તોડી પાડવાના સુપ્રીમ કોર્ટ(supreme court) ના હાલના આદેશ સાથે બિલ્ડરો અને ડેવલપરો દ્વારા કરવામાં આવતી દોંગાઇનો મુદ્દો ફરી ચર્ચાવા માંડ્યો છે. નોઇડામાં સુપરટેક ડેવલપર નામના એક બિલ્ડર ગ્રુપ દ્વારા એમરલ્ડ ટાવર કોર્ટ નામના એક મહાકાય રેસિડેન્શ્યલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્ષનો પ્રોજેક્ટ (Project) એક દાયકા કરતા વધુ સમયથી શરૂ કરવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમ્યાન પ્રોજેક્ટની વિશાળ સાઇટ પર અનેક બહુમાળી ટાવરો ઉભા કરવામાં આવ્યા, કેટલાક શોપિંગ કોમ્પ્લેક્ષ પણ ઉભા કરવાામાં આવ્યા, જો કે આ પ્રોજેક્ટ મોટે ભાગે રહેણાક ફ્લેટો માટેનો હતો અને તે અનુસાર તેમાં રેસિડેન્શ્યલ ટાવરો જ વધુ પ્રમાણમાં ઉભા કરવામાં આવ્યા હતા. જો કે કેટલોક સમય સુધી સીધા ચાલ્યા બાદ બિલ્ડરોએ પોતાનું પોત પ્રકાશવા માંડ્યું. નોઇડા સત્તામંડળ દ્વારા આપવામાં આવેલી પરવાનગીઓને વળોટી જઇને બાંધકામ કરવામાં આવ્યું. બે ૪૦ માળના ટાવરો તો બિલકુલ ગેરકાયદે કહી શકાય તે રીતે તાણી બાંધવામાં આવ્યા.

તેમાં બાંધકામ અંગેની પરવાનગીઓનું તો ઉલ્લંઘન કરવામાં આવ્યું જ, પરંતુ ફાયર સેફ્ટીના નિયમોના ભંગ સહિત બીજી પણ અનેક વાંધાજનક બાબતો હતી. આની સામે એમરલ્ડ ટાવર રેસિડેન્ટ વેલફેર એસોસીએશન દ્વારા અદાલતમાં અરજી કરવામાં આવી અને હાઇકોર્ટે આ બે નવા ટાવરો તોડી પાડવાનો આદેશ આપ્યો, આની સામે બિલ્ડરો સુપ્રીમ કોર્ટમાં ગયા, પરંતુ સુપ્રીમ કોર્ટેે હાઇકોર્ટનો આદેશ માન્ય રાખ્યો અને આ બે ટાવરો ત્રણ સપ્તાહમાં તોડી પાડવાનો અને આ ટાવરોમાં ફ્લેટો ખરીદનારાઓને તેમની રકમ ૧૨ ટકા વ્યાજ સાથે ચુકવી આપવાનો આદેશ આપ્યો છે, જે આદેશ ખૂબ જ આવકાર્ય અને દેશભરના બિલ્ડરો માટે ચેતવણીરૂપ છે.

આપણા દેશમાં બિલ્ડરો કે ડેવલપરો કાયદાઓનું સરેઆમ ઉલ્લંઘન કરીને બાંધકામો કરી નાખે, ગ્રાહકો સામે ખોટી અને લલચામણી રજુઆતો કરીને તેમને છેતરે અને ખોટી રીતે અઢળક નાણા ખંખેરી લીધા પછી તેમને નોંધારા મૂકી દે તે કોઇ નવી વાત નથી. અહીં જેની વાત થઇ છે તે નોઇડાના એમરલ્ડ ટાવર કોમ્પ્લેક્ષના ડેવલપરો સુપરટેક ડેવલપરે પણ ગ્રાહકો સમક્ષ ખોટી રજૂઆતો કરી હોવાની ફરિયાદો થઇ છે. લલચામણી અને ગેરમાર્ગે દોરતો જાહેરાતો કરીને ગ્રાહકો પાસેથી અઢળક નાણા પડાવે અને તેમને ગેરકાયદે અને નિયમભંગ કરેલા બાંધકામો વેચી દઇને તેમને ભેખડે ભેરવી દે તેવું અનેક વાર બનતું હોય છે. થોડા સમય પહેલા કેરળમાં પર્યાવરણને નુકસાનકારક પુરવાર થાય તે રીતે દરિયાથી નજીક બાંધવામાં આવેલ એક વૈભવશાળી બિલ્ડિંગ કોમ્પ્લેક્ષ સંદર્ભમાં પણ આવુ જ બન્યું હતું. તે ટાવર કોમ્પ્લેક્ષ તોડી પાડવાના અદાલતના આદેશ પછી ગ્રાહકોમાં રડારોડ મચી ગઇ હતી. ગ્રાહકોએ સમજ્યા વિના જ લાખો રૂપિયાના ખર્ચે આ વૈભવી ટાવરોમાં ફ્લેટો ખરીદ્યા હતા અને તેમણે આ પ્રકરણમાં ભારે માનસિક યાતનામાંથી પસાર થવું પડ્યું હતું.

હાલના એમરલ્ડ ટાવર કોમ્પ્લેક્ષના પ્રકરણમાં સુપ્રીમ કોર્ટે બિલ્ડરોને આદેશ આપ્યો છે કે ગ્રાહકોને તેમના નાણા વ્યાજ સાથે ચોક્કસ સમયમર્યાદામાં પરત કરવામાં આવે, જે આદેશ ખૂબ જ આવકાર્ય છે. એમરલ્ડ ટાવર કોમ્પ્લેક્ષ પ્રકરણ ખૂબ જુનું છેે. છેક ૨૦૦૪ના વર્ષમાં નોઇડાના સત્તાવાળાઓ દ્વારા ડેવલપરોને એક હાઉસિંગ સોસાયટી બનાવવા માટે વિશાળ પ્લોટ ફાળવવામાં આવ્યો હતો. જુન, ૨૦૦પમાં બિલ્ડિંગ પ્લાન મંજૂર કરવામાં આવ્યો અને દસ માળ સાથેના ચૌદ ટાવરો બનાવવા માટેની મંજૂરી આપવામાં આવી. બાંધકામ શરૂ થયું, પરંતુ આપણે ત્યાં સામાન્ય રીતે બનતુ આવ્યું છે તે રીતે ધીમે ધીમે નિયમભંગ, પરવાનગીઓની ઉપરવટ જઇને બાંધકામ જેવા કૃત્યો શરૂ થયા, વાત અદાલતમાં ગઇ અને હવે તો દેશની સર્વોચ્ચ અદાલતે કડક આદેશો જારી કરી દીધા છે. તેણે ત્રણ મહિનાની અંદર બે વિવાદાસ્પદ ટાવરો તોડી પાડવાનો આદેશ આપ્યો છે અને હવે સત્તાવાળાઓ આ આદેશોનું કેવું પાલન કરાવે તે જોવાનું રહે છે.

એમરલ્ડ ટાવર કોમ્પ્લેક્ષ પ્રકરણમાં સુપ્રીમ કોર્ટનો આદેશ દેશના તમામ માથાભારે બિલ્ડરો માટે ઉદાહરણરૂપ અને ચેતવણીરૂપ બની રહેવો જોઇએ. આપણે અગાઉ જોયું તેમ બિલ્ડરો નિર્દોષ અને અજાણ ગ્રાહકોને ગેરમાર્ગે દોરીને ભેખડે ભેરવી દે છે, ગ્રાહકોના નાણા ફસાઇ જાય છે અને તેમને રાતે પાણીએ રડવાનો વખત આવે છે. સુરત સહિત કેટલીક જગ્યાઓએ એવું પણ બન્યું છે કે સરકારી જમીન, ગેરકાયદે કબજાવાળી જમીન પર કરવામાં આવેલા બાંધકામો ગ્રાહકોને વેચી દેવામાં આવ્યા હોય અને ગ્રાહકોને તેમના નાણા ગુમાવવાનો અને રડવાનો વખત આવ્યો હોય.

અહીં એ પ્રશ્ન થાય છે કે આવા જંગી ગેરકાયદે બાંધકામો થઇ જાય, ગેરકાયદે જમીન પર આટલા સમય સુધી બાંધકામ ચાલતું હોય અને સત્તાવાળાઓને તેની ખબર જ પડતી ન હોય? જો સમયસર આ બાંધકામ અટકાવી દેવામાં આવે, પ્રોજેક્ટમાં કશું ખોટું થઇ રહ્યૂં છે કે કેમ? તે બાબતે સત્તાવાળાઓ શરૂઆતથી જ ચાંપતી નજર રાખે તો ગ્રાહકોને રડવાનો વખત નહીં આવે. પરંતુ આપણે ત્યાં સરકારી તંત્રો પણ અત્યંત નઘરોળ અને ભ્રષ્ટ છે. સરકારી તંત્રોની બેદરકારી અને ઘણી વખત તો બિલ્ડરો સાથેની મિલિભગતને કારણે આવા ગેરકાયદે અને નિયમભંગવાળા બાંધકામો બિન્ધાસ્તપણે પુરા થઇ જતા હોય છે અને છેવટે ગ્રાહકો ભેરવાઇ જાય છે. ગ્રાહકો પોતાના નાણા પરત માગવા જાય તો તેમની સાથે ધાકધમકી અને ગુંડાગીરી કરવાની હદે પણ બિલ્ડરો જાય છે. કડક કાયદાઓ, નિયમોના સખત પાલનનો તંત્રો દ્વારા આગ્રહ અને કઠોર કાર્યવાહીઓ જ આવા બિલ્ડરો અને ડેવલપરોની સાન ઠેકાણે લાવી શકે.

Most Popular

To Top