Business

દુનિયાના સૌથી રિચેસ્ટ ટેક્નોક્રેટ એલન મસ્કને 19 વર્ષના ટેક-સેવી યુવકે ડિજિટલ
દિમાગના જોરે હચમચાવી મૂક્યો!

વિશ્વના સૌથી ધનિક બિઝનેસ ટાયકૂન અને ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના CEO એલન મસ્કને અમેરિકાના એક 19 વર્ષીય યુવકે પડકાર ફેંક્યો છે. કોલેજમાં ભણતાં જેક સ્વીની નામના આ યુવકે એલન મસ્કના ખાનગી જેટનો લાઇવ મેપ રિયલ ટાઈમમાં કઈ જગ્યાએ જઈ રહ્યું છે, તેની માહિતી જાહેર થતી અટકાવવી હોય તો 50,000 ડોલરની ખુલ્લી માગણી કરી છે! આ માહિતી જાહેર થતી અટકાવવા માટે મસ્કે સ્વીનીને 5,000 ડોલર આપવાની ઓફર પણ કરી હતી. સ્વીનીએ આ ઓફરને ઠુકરાવી દીધી છે અને  50,000 ડોલરની માગણી પર કાયમ રહ્યો છે. સ્વીનીએ મસ્કના જેટનું લોકેશન વિશ્વનો કોઈ પણ વ્યક્તિ જોઈ શકે તે માટે @ElonJet નામની એક ટ્વિટર બોટ પણ બનાવી છે. આ કિસ્સા પરથી વિચાર કરો ડિજિટલ યુગની આ ઊગતી પેઢી દુનિયાના જાયન્ટ બિઝનેસમેન અને જાયન્ટ કંપનીને પોતાના બ્રેનની તાકાતથી, આંગણીના ટેરવે કોઈ પણ શસ્ત્રનો ઉપયોગ કર્યા વગર પાઠ ભણાવી રહી છે!

પહેલાં જાણીએ કોણ છે આ જેક સ્વીની અને કેમ અમેરિકાના અરબપતિઓને હચમચાવી રહ્યો છે?ફ્લોરિડાના કિશોર જેક સ્વીનીએ બિલિયોનેર એલન મસ્કના પ્રાઇવેટ જેટના રિયલ ટાઇમ સ્થળની જાણકારીને ટ્વિટ કરવાથી રોકવા માટે $50,000ની માગણી કરી છે અને જણાવ્યું છે કે તે અન્ય સમૃદ્ધ અને પ્રખ્યાત લોકોની હિલચાલ પર નજર રાખવા માટે વધુ ડઝનેક બોટ્સ બનાવી રહ્યો છે. 19 વર્ષીય કોલેજ સ્ટુડન્ટ જેક સ્વીનીએ દાવો કર્યો હતો કે, તેણે માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ, એમેઝોનના જેફ બેઝોસ, અબજોપતિ ઉદ્યોગસાહસિક માર્ક ક્યુબન અને રેપર ડ્રેકની માલિકીના જેટ્સનું રિયલ ટાઇમ સ્થાન આંતરવા માટે 16 સ્વસંચાલિત ટ્વિટર બોટ્સ બનાવી છે. ‘ધ ગાર્ડિયન’ સાથેની મુલાકાતમાં સ્વીનીએ જણાવ્યું હતું કે, તેને આશા છે કે મસ્ક એકાઉન્ટ ખરીદવા અને બંધ કરવા માટે વાટાઘાટો ફરી શરૂ કરશે. ટેસ્લાના સહ-સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ એલન મસ્કે કિશોરની $50,000ની માગને નકારી દીધી છે. અંદાજિત $220 બિલિયનની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ મસ્કે સ્વીનીને એકાઉન્ટ ડિલીટ કરવા વિનંતી કરી છે. મસ્કે ટ્વિટ કરીને સ્વીનીને કહ્યું છે – ‘‘તમે આને ડિલીટ કરી નાખો. તે એક સુરક્ષા સામેનું જોખમ છે. મને આ રીતે પાછળથી ગોળી મારવાનો વિચાર ગમતો નથી.’’

સ્વીનીએ કહ્યું કે, ‘‘ મસ્કનું આ રીતે સીધું ટ્વિટ આવવું તે તેના માટે એક રૂંવાડા ઊભા કરનારો અનુભવ હતો. હું ખરેખર સૂવા જતો હતો ત્યાં આ મેસેજ જોયો! ઓહ માય ગોડ! એલને મને મારું એકાઉન્ટ ડાઉન કરવા માટે મેસેજ કર્યો હતો!’’ મસ્કે સ્વીનીને એકાઉન્ટ ડિલીટ કરવા માટે $5,000 ઓફર કરી છે. આ ઓફરને સ્વીનીએ નકારી કાઢી છે. સ્વીનીએ મસ્ક સાથે વાટાઘાટ કરવાનો પ્રયાસ કર્યો હતો. સામે એવું લખ્યું હતું કે, $50K સુધી રકમ વધારવામાં આવે. આ રકમ તેને કોલેજનો ખર્ચ કાઢવામાં મદદરૂપ થશે. ઉપરાંત કદાચ ટેસ્લા મોડલ 3 ખરીદવામાં પણ કામ આવશે. જો કે, મસ્કે પછીથી કહ્યું કે તે કંઈ પણ ચૂકવવા માગતો નથી. ત્યારે સ્વીનીએ જવાબ આપ્યો કે, જો મસ્ક ચૂકવણી કરવા માગતા ન હોય તો તેને ટેસ્લામાં ઇન્ટર્નશિપ આપવામાં આવે.

તેના બદલામાં એકાઉન્ટ ડિલીટ કરવા તૈયાર છે. સ્વીનીએ કહ્યું, તે તેની છેલ્લી વાત હતી. એ પછી મસ્કે સ્વીનીને બ્લોક કરી દીધો હતો. સોશ્યલ મીડિયા પર જાન્યુઆરી 23 પછી મસ્કે સ્વીનીને બ્લોક કરી દીધો છે. તે પછીથી બંને વચ્ચે કોઈ વાતચીત થઈ નથી. જેક સ્વીનીએ એલન મસ્ક સિવાય બિલ ગેટ્સ, જેફ બેઝોસ, અબજોપતિ ઉદ્યોગ સાહસિક માર્ક ક્યુબન અને રેપર ડાર્કને ટ્રેક કરતી આવી ટ્વિટર બોટ બનાવી છે. એલન મસ્કની ઓફરને જેક સ્વીનીએ ઠુકરાવી દીધા પછીથી આ અંગેના સામાચારો મીડિયામાં વહેતા થયા હતા. તે પછીથી સ્ટારટોસ, જેટ ચાર્ટડ ઈન્કે જેક સ્વીનીને જોબ ઓફર કરી છે. આ અંગે સ્ટારટોસના પ્રેસિડન્ટ અને CEO જોએલ થોમસે જણાવ્યું હતું કે, સ્વીનીની ક્રિએટિવિટી જોતાં અમે તેને અમારી ડેવલપમેન્ટ ટીમમાં જોબની ઓફર કરી છે.

ટેક-સેવી જેક સ્વીનીએ પણ મીડિયાને જણાવ્યું હતું કે, ઓર્લાન્ડો સ્થિત ખાનગી ચાર્ટર ફ્લાઇટ ફર્મ સ્ટ્રેટોસ જેટ ચાર્ટર્સે તેની ટેક ડેવલપમેન્ટ ટીમમાં નોકરીની ઓફર કરી છે. તેઓ મારાં કામથી પ્રભાવિત થયા હતા. સ્ટ્રેટોઝ આ ક્ષેત્રમાં વ્હીલ્સ અપ, નેટજેટ્સ અને અન્ય ખાનગી જેટની કોમ્પિટિટર્સ છે. જો કે, સ્વીનીનું કહેવું છે કે, આ જોબની ઓફર સ્વીકારવી કે નહીં તે વિશે તેણે હજુ સુધી એવો કોઈ નિર્ણય કર્યો નથી. સ્વીની પહેલેથી જ અન્ય ખાનગી ચાર્ટર ફર્મ UberJets માટે પાર્ટ-ટાઇમ એપ્લિકેશન ડેવલપર તરીકે કામ કરે છે.

સ્ટ્રેટોસના CEO જોએલ થોમસે કહ્યું છે કે, તે પોતાની કંપની માટે કામ કરવા વિશે સ્વીની સાથે સંપર્કમાં છે. કૉલેજના આ વિદ્યાર્થીએ જેટ-ટ્રેકિંગ એકાઉન્ટ્સ બનાવીને તેની સર્જનાત્મકતા બતાવી છે. સ્વીનીનું રિયલ ટાઇમ ફ્લાઇટ ટ્રેકિંગ ડેટાનું જ્ઞાન સ્ટ્રેટોઝને સ્પર્શી ગયું છે. તે એવું માને છે કે, સ્વીનીની ક્રિએટિવિટી ફ્લાઇટના સમયની વધુ સચોટ આગાહી કરવામાં મદદ કરી શકે છે. જો સ્વીની ફૂલ ટાઇમ કામ કરવા જોડાઈ શકે એમ ન હોય તો સ્ટ્રેટોસ તેની સાથે પ્રોજેક્ટના આધારે, પાર્ટ-ટાઇમ અથવા ઇન્ટર્નશિપ પર કામ કરવા માટે તૈયાર છે, જેથી તેને તેનાં શૈક્ષણિક લક્ષ્યોને આગળ વધારવામાં મદદ મળે. સ્વીનીએ મસ્કને ચેલેન્જ આપતાં કહ્યું હતું કે, એકાઉન્ટ વાયરલ થયું ત્યારથી મસ્કે તેના ખાનગી જેટને ટ્રૅક કરવાનું વધુ મુશ્કેલ બનાવવા માટે કેટલાંક પગલાં લીધાં છે પરંતુ તે હજી પણ મસ્કના પ્રાઇવેટ જેટનું રિયલ ટાઇમ ટ્રેકિંગ કરવા સક્ષમ છે. તે કહે છે, હવે થોડું વધુ જટિલ બની ગયું છે પરંતુ તે મુશ્કેલ નથી. યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના કાયદાના પ્રોફેસર રેયાન કેલોએ આ મુદ્દે જણાવ્યું હતું કે, ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનને અથડામણ અટકાવવા અને ખોવાયેલા એરક્રાફ્ટને શોધવામાં મદદ કરવા માટે પ્લેનના લોકેશન ડેટા ટ્રાન્સમિટ કરવા જરૂર છે.

આ કિશોર એ બાબતનો લાભ લઈ રહ્યો છે. આ બાબત લોકો માટે ગોપનીયતાની સમસ્યા બની જશે. વળી, આ પરિસ્થિતિ FAA એજન્સીના અધિકારના દાયરાની બહાર છે. સ્વીનીને પૂછવામાં આવ્યું કે, તેણે મસ્કના જેટને કેવી રીતે ટ્રેક કર્યું હતું ત્યારે તેણે સમજાવ્યું કે પોતે પ્લેનના ટ્રાન્સપોન્ડરનો ડેટા મેળવી લીધો છે. જ્યારે સ્વીનીને એવું કહેવામાં આવ્યું કે, ટ્વિટર એકાઉન્ટ બંધ કરવા માટે આટલાં બધાં નાણાંની ચૂકવણી કરવી યોગ્ય નથી લાગતું. સ્વીનીએ તરત જ બીજો પ્રસ્તાવ મૂક્યો – મસ્ક ટેસ્લામાં તેને ઇન્ટર્નશિપ આપે. એક મહિના કરતાં વધુ સમય સુધી ચાલુ રહેલી મસ્ક અને સ્વીની વચ્ચેની વાતચીત 23 જાન્યુઆરી પછી શાંત થઈ ગઈ છે. સ્વીનીએ મસ્કનું ટ્રેકિંગ કરતી બોટ એટલે કે ટ્વિટર એકાઉન્ટ બનાવ્યું છે તેના અત્યારે 3.05 લાખ ફોલોઅર્સ છે. પરિણામે મસ્કની પ્રાઇવસી અને સુરક્ષા માટેની ચિંતા વધી ગઈ છે.

મસ્ક તેના ખાનગી જેટથી ઊતરીને સીધા કારમાં પ્રવાસ કરે છે, જેથી સુરક્ષાને લઈને ચિંતિત છે. જો કે, લાંબા સમયથી પ્લેન ટ્રેકિંગ થતું આવ્યું હોવા છતાં હજુ સુધી એવી કોઈ ઘટના બની ન હોવાથી મસ્કની સુરક્ષામાં રહેલી એજન્સીએ હાશકારો અનુભવ્યો છે. એજન્સીના એક અધિકારીના જણાવ્યા મુજબ, મને નથી લાગતું કે તે ચિંતાનો વિષય છે. કેટલાંક લોકોને તે જોવામાં જ રસ હોય છે કે મસ્ક ક્યાં જાય છે. સ્વીનીએ એવું કહ્યું હતું કે, તેણે ADS-B એક્સચેન્જમાંથી તેના એરક્રાફ્ટ-ટ્રેકિંગ એકાઉન્ટ્સ માટેનો ડેટા મેળવ્યો છે, જે તેની વેબસાઇટ પર પોતાને અનફિલ્ટર ફ્લાઇટ ડેટાના વિશ્વના સૌથી મોટા સ્ત્રોત તરીકે વર્ણવે છે. ADS-B એક્સચેન્જ.com LLCના સ્થાપક ડેન સ્ટ્રુફર્ટે આ આરોપ સામે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, મૂળભૂત ઈલેક્ટ્રોનિક્સનું નોલેજ ધરાવતી કોઈ પણ વ્યક્તિ સ્થાનોનું પ્રસારણ કરતાં એરક્રાફ્ટમાંથી સિગ્નલ મેળવી શકે છે. એર ટ્રાફિક કંટ્રોલર્સને સાંભળીને પણ માહિતી ઉપલબ્ધ કરી શકે છે. તેમણે એવું સ્પષ્ટ કહ્યું હતું કે, અમારી વેબસાઈટ વિમાનોને ટ્રેક કરે છે, કોઈ વ્યક્તિને નહીં. અમે કહી શકતા નથી કે પ્લેનમાં કોણ પ્રવાસ કરી રહ્યું છે. મસ્કની કંપનીઓ ઘણાં વિમાનોની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે.

તેમાંથી આ માત્ર એક છે. મસ્કને કદાચ પાપારાઝી જેવી જ સ્વીનીની પ્રવૃત્તિઓ હેરાન કરનારી લાગી શકે છે. આ મામલે કાયદાકીય કાર્યવાહી થઈ શકે, એ વિશે પ્રોફેસર કાલોએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી સ્વીનીએ મસ્ક અને અન્યો પાસેથી નાણાંની માગણી કરવા માટે ફ્લાઇટ-ટ્રેકિંગ એકાઉન્ટ્સ બનાવ્યાં નથી, ત્યાં સુધી ફોજદારી કેસ બનાવવો મુશ્કેલ છે. મસ્ક કે અન્યોએ તેમને હેતુપૂર્વક નુકસાન થયું છે એવું દેખાડવું પડે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, મસ્ક જેવી જાહેર વ્યક્તિ માટે તેની પ્રાઇવસી ભંગ થતી હોવાનો સિવિલ સ્યૂટ ફાઇલ કરવો પણ મુશ્કેલ છે. તેમ છતાં તેમણે ચેતવણી આપી હતી કે સ્વીનીએ કોઈ પણ પ્રકારના મુકદ્દમા સામે લડવા તૈયાર રહેવું પડશે. તેણે અહીંથી સાવધાનીપૂર્વક આગળ વધવું પડશે. હાલ 23 જાન્યુઆરીથી મસ્કે સ્વીનીને બ્લોક કરી દીધો હોવાથી આ ઝઘડો અહીં અટકી ગયો છે પણ મોટી વાત એ છે કે, એક 19 વર્ષનો યુવક જે હજુ તો ભણી રહ્યો છે, તેણે દુનિયાના બિલિયોનેર ટેક્નોક્રેટને પોતાના ડિજિટલ દિમાગના જોરે હચમચાવી મૂક્યો છે. અને એ પણ પેલાં બિટકોઇન માગતાં હેકર્સની જેમ નહીં પણ સામી છાતીએ. આ છે આપણું જનરેશન નેકસ્ટ. મસ્કે ભલે બ્લોક કર્યો, દુનિયાના દરવાજા તેના માટે ખૂલી ગયા છે.

Most Popular

To Top