સુરત શહેરના મોટા ભાગના જાહેર માર્ગો (ખાસ કરીને ડિમોલેશન થયા બાદ) મુખ્યત્વે રાહદારી (પગપાળા જનારાઓ) વાહનચાલકો માટે માથાના દુખાવા સમાન લાગી રહ્યા છે, તળ સુરતના ગાંધીચોક ખપાટિયા ચકલા વિસ્તારોની ગલીમાં પાર્ક કરેલાં ટુ વ્હીલરો ‘ટોઇંગ’ થઇ રહ્યાં છે જયારે દુકાનોની આગળ મેઇન રોડ ઉપરના બારમાસી લારી ગલ્લા, રીક્ષા, ધૂળ ખાતાં વાહનો કોની દયાથી અડકતા નથી, લોક આક્રોશ ધીમે ધીમે સાંપ્રત સત્તાધીશો સામે વધતો જાય છે. જો આમ જ ચાલ્યા કરશે તો છેલ્લાં સાંઇઠ વર્ષોથી કૌભાંડી સરકારથી કંટાળેલી પ્રજાને ઊગતા સૂરજ પેઠે હાલની સત્તાધારી ભાજપને અચ્છે દિનની આશાએ માથે ચઢાવી છે. હવે લાગે છે, આ સત્તાધીશો ખરા અર્થમાં સત્તા મળ્યા પછી માથે પડયા છે.
શહેરના સોનીફળિયાનો વિસ્તાર હવે જાણે ચારે તરફથી ટ્રાફિકની ભરમાર, સમસ્યાથી એવો ઘેરાયેલો રહે છે, તળ સુરતી અને મકાનો વેચી અન્યત્ર રહેવા જવા મજબૂર બની રહ્યાના દાખલા વધતા જાય છે. સ્થાનિક સેવકો માત્ર ફોટા સેશન અને કાગળિયાની વાહવાહીથી હવે દૂર રહેશે તો જ પ્રજાલક્ષી અભિગમ સરળ બનશે. બાકી વધતી જતી લોક સમસ્યાઓ પ્રત્યે જેવી કે લારી ગલ્લાનાં ન્યૂસન્સો, આડેધડ પાર્કિંગો, ધૂળ ખાતાં વાહનો, રોડ ટચ ગેરકાયદેસર નાના મોટા ઓટલા, પાર્કિંગના કવરેજ દરરોજ સવારે ઈલેકટ્રીક મોટરથી પાણી ખેંચતાં રહીશો, પોતાની પાણીની ટાંકી ઉભરાવી જાહેર રસ્તાઓ પલાળી રહ્યા હોય ત્યારે અકસ્માતોનો ભય સર્જાય, હાલ ડ્રેનેજની નળિકા નાંખવાના જાહેર કામોના સમારકામોની ઉદાસીનતાને લઇને પ્રજાના શ્વસનતંત્રને કોરી ખાતી ધૂળની ડમરીઓનો સ્વાદ લેવા નગરસેવકો પગપાળા તકલીફો ઉઠાવશે તો જ આવનારી ચૂંટણીઓમાં ખુરશી ઉપર બેસાડશે.
સુરત – પંકજ શાં. મહેતા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.