એક ઉમદા સેવાકાર્ય

મૂળ જામનગરના પંચાવન વર્ષીય પેથોલોજીસ્ટ શ્રી દિલીપભાઇ આમલાની મુંબઇમાં પ્રેકટીસ કરે છે. તેઓ ઘણા સમયથી કોઇ બાળકને દત્તક લેવાનો વિચાર કરતા હતા પરંતુ એમના મેડીકલ વ્યવસાયની વ્યસ્તતાને કારણે એ બાબતે નિર્ણય લેવાનો સમય નહોતો મળતો. ડૉક્ટર હોવાને કારણે ઘણાં વૃધ્ધો પણ શારીરિક તકલીફો અંગે દવા લેવા માટે એમની પાસે આવતા જ હોય છે એ વૃધ્ધોની સારવાર દરમિયાન એમને વિચાર સ્ફુર્યો કે નાનાં બાળકોને તો ઘણાં કુટુંબો દત્તક લે છે પરંતુ ઘરનાં સભ્યો દ્વારા ઉપેક્ષિત કે અનઉપેક્ષિત જે ઘરડાં સ્રી–પુરુષો  એક યા બીજી વ્યાધિથી પીડાય છે, જેમને પ્રેમ અને કાળજીની ઘણી જરૂર છે એમને મદદરૂપ થવાનું (એમને દત્તક લેવાનું) ભાગ્યે જ કોઇએ  વિચાર્યું છે.

આ વિચારે, જે વૃધ્ધોને મોટી ઉંમરને લગતા રોગો અને અન્ય પ્રશ્નો છે એમને મદદરૂપ થઇ શકાય એ માટે કાંઇક કરવાની ઇચ્છા થઇ. શ્રી દિલીપભાઇએ એમની એ ઇચ્છાને ફળીભૂત કરવા માટે એમનાં અંતર્ગત સંબંધોમાં નાણાંકીય મદદ માટેના સંદેશા મોકલવા માંડ્યા, જેનો દાન સ્વરૂપે સારો એવો પ્રતિભાવ મળતાં મુંબઇમાં  કાંદિવલી ખાતે એકસો વૃધ્ધ દંપતીઓ માટે પહેલું સેન્ટર શરૂ થયું.  એમના આ સેન્ટરની સફળતાના સમાચાર પ્રસરતા સૌરાષ્ટ્ર તેમજ અન્ય સ્થળોએથી ઘણાં લોકોએ  એમનો સંપર્ક સાધી મુંબઇ જેવી સુવિધા ગુજરાતમાં પણ ઉપલબ્ધ કરવા માટે વિનંતી કરી. ગુજરાત ખાતે એમની પાસે મુંબઇ જેવી સગવડ ન હોવાથી  એમણે ગુજરાતનાં   ઘરડાં-ઘરોનો સંપર્ક કરી  એ લોકો જો જરૂરિયાતમંદ વૃધ્ધોને રાખવા તૈયાર થાય તો એમને નાણાંકીય તેમજ  સ્વેચ્છાએ અન્ય મદદ કરનારા માણસોની  અને  સ્વયંસેવકોની વ્યવસ્થામાં પણ મદદરૂપ થવાની તૈયારી બતાવી.

એમના આ પ્રયત્નોને કારણે ગુજરાતમાં પણ અંદાજે બે હજાર જેટલાં વયસ્કોને અલગ–અલગ વૃધ્ધાશ્રમોમાં આશ્રય મળી શક્યો. જરૂરિયાતમંદ વડીલોને મદદરૂપ થવાના એમના આ પ્રયત્નોને વેગ આપવા એમણે સોશ્યલ મીડિયામાં અમારે ‘‘મા બાપ જોઇએ છે’’  એવી જાહેરાતો આપવાની શરૂઆત કરતાં ઘણી વ્યક્તિઓએ કે જેઓ એમનાં વૃધ્ધ માતાપિતાની કોઇ પણ કારણસર કાળજી નહોતાં લઇ શકતાં એમણે એમનો સંપર્ક કરતાં શ્રી દિલીપભાઇએ ઘણાં નાદુરસ્ત તબિયત ધરાવતાં વૃધ્ધોને મદદરૂપ થઇ યોગ્ય વૃધ્ધાશ્રમોમાં દાખલ કરાવ્યાં.  આજે જ્યારે મેડિકલ વ્યવસાય/હોસ્પિટલોએ ધીકતા ધંધાનું સ્વરૂપ લઇ લીધું હોય ત્યારે આ જ વ્યવસાયની એક વ્યક્તિ તદ્દન અજાણ્યા જરૂરતમંદ વૃધ્ધોને મદદરૂપ થવા બહાર પડે એ જ બતાવે છે કે ભારતમાં માણસાઇ હજુ જીવંત છે.
સુરત     – હિતેન્દ્ર ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top