નડિયાદ પાલિકાની બલિહારી: રસ્તો બન્યા બાદ ગટર માટે ખોદકામ કર્યું

નડિયાદ: નડિયાદ નગરપાલિકા તંત્ર દ્વારા ગત ડિસેમ્બર માસના અંતમાં લાખો રૂપિયાના ખર્ચે શહેરના ગ્લોબ સિનેમાંથી રબારીવાડ સુધીનો આર.સી.સી રસ્તો બનાવવામાં આવ્યો હતો. જેને પગલે વિસ્તારના રહીશો, તેમજ દુકાનદારોને રાહત થઈ હતી. આ ઉપરાંત માર્ગ પરથી અવરજવર કરતાં વાહનચાલકોમાં પણ ખુશી છવાઈ હતી. જોકે, લોકોની આ ખુશી લાંબો સમય સુધી ટકી ન હતી. આ રસ્તો બનાવ્યાને હજી માંડ સવા મહિના જેટલો જ સમય થયો છે, ત્યારે પલિકા તંત્ર દ્વારા આ નવા બનાવવામાં આવેલ રસ્તા પર ગટરલાઈનની કામગીરી માટે ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે. તંત્રની આવી ઘોર બેદરકારીને પગલે સવા મહિના અગાઉ નવા બનાવવામાં આવેલ રસ્તાની હાલત બગડી છે. રસ્તો બનાવવા માટે પ્રજાના ટેક્ષમાંથી ખર્ચાયેલા લાખો રૂપિયાનો વ્યય થયો છે. જેને પગલે નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા પ્રજાના પૈસાનો કરવામાં આવી રહેલા વ્યયને લઇને લોકોમાં તંત્રની નિતીરિતીને લઇને રોષ જોવા મળી રહ્યો છે. જો, ગટરલાઇનનું કામ બાકી હતું તો રોડ બનાવ્યો જ કેમ ? કોન્ટ્રાક્ટરો સાથેની મિલીભગત અને કોન્ટ્રાક્ટરોને ઘી-કેળાં કરાવવા માટે આ રીતસરનું કૌંભાડ ચાલી રહ્યું હોય તેવી ચર્ચા નગરમાં ચાલી રહી છે. જોકે, અગાઉ પણ પાલિકાએ રસ્તાના કામમાં આવો જ ભાંગરો વાટ્યો હતો.

Most Popular

To Top