ગાંધીનગર(Gandhinagar): બનાસકાંઠાના પાલનપુરના મોટા ગામ ખાતે એક દલિત યુવકના વરઘોડામાં માથે સાફો બાંધીને વરઘોડો નીકળતા સ્થાનિક યુવકોએ પથ્થરમારો કરતાં આ સમગ્ર ઘટનાના મામલે 28 લોકો સામે ફરિયાદ (Complaint) દાખલ કરાઈ છે. ભારતીય લશ્કરમાં ફરજ બજાવતા સુરેશ શેખલીયાએ પોલીસ રક્ષણ માગ્યુ હતું. જો કે પોલીસની (Police) સમજાવટના કારણે ઘોડા પર બેસીને વરઘોડો કાઢવાનું માંડી વાળ્યુ હતું. વરરાજા અતુલ શેખલીયાએ કહયું હતું કે ગામમાં શાંતિ રહે એટલે મેં ઈચ્છા હોવા છતાં ઘોડા પર બેસવાનું ટાળ્યુ હતું. અલબત્ત ચાલતા જતી વખતે માત્ર સાફો બાંધ્યો હતો. તેનો વિરોધ કરીને અમારી પર પથ્થરમારો કરાયો હતો. જેના પગલે ના છૂટકે મારા મોટા ભાઈ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે.
- પાલનપુરના ગઢમાં લશ્કરના જવાનના વરઘોડામાં બનેલી ઘટના અંગે 28 સામે ગુનો નોંધાયો
- વધુ એકવાર દલિત પર અત્યાચારની ઘટના સામે આવી
- પોલીસ બંદોબસ્ત સાથે નીકળેલી દલિત સમાજની જાન પર પથ્થર મારો થયો
બનાસકાંઠા સોમવારે વધુ એકવાર દલિત પર અત્યાચારની ઘટના સામે આવી છે. પાલનપુરના મોટા ગામે પોલીસ બંદોબસ્ત સાથે નીકળેલી દલિત સમાજની જાન પર પથ્થર મારો થયો હતો. આ બનાવમાં વરરાજાના પિતા વીરાભાઇ લખાભાઈ શેખલીયાએ ગામના સરપંચ સહિત 28 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ગઢ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં મોટા ગામમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે દલિત સમાજના વરરાજા જાન લઈને નીકળ્યા હતા. અગિયાર વાગ્યાની આજુબાજુ ગામની દુધની ડેરી આગળ જાન પહોંચતા તે સમયે ગામના લોકો ભેગા થઇ દલિત સમાજના લોકોએ સાફાઓ કેમ પહેર્યા છે, તમે સાફા ન પહેરી શકો તેમ કહી ગામના કેટલાક લોકો જાહેરમાં અપશબ્દો બોલવા લાગ્યા હતા .તેમજ ઘર્ષણ વધતા વરઘોડા પાછળથી કેટલાક અજાણ્યા ઇસમો દ્વારા ત્રણ ચાર પથ્થર મારેલા જેમાં વરરાજાના કૌટુંબિક વ્યક્તિને પગે પથ્થર લાગતા ઈજાઓ પહોંચી હતી. પથ્થર મારો થતા જાનમાં દોડાદોડી થતા ભયનો માહોલ સર્જાયો હતો. બનાવને પગલે જાણ થતાં જ ગઢ પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને વરરાજાના પિતાની ફરિયાદના આધારે 28 લોકો સામે ગુનો નોંધી ગઢ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.