ઘેજ: (dhej) ચીખલી પોલીસ મથકના (Chikhli Police Station) એક વિવાદિત પોલીસ કોન્સ્ટેબલથી ત્રસ્ત દારૂની (Alcohol) હેરાફેરી કરતી મહિલાએ કોન્સ્ટેબલની સામે ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરતા પોલીસ અધિકારી (Police Officers) દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. ખાખી વર્દીનો રોફ જમાવી દમ મારી બલવાડા હાઇવે પરથી આ કોન્સ્ટેબલ અને તેના ફોલ્ડરીયા દ્વારા મહિલા પાસેથી દારૂ અને રોકડ રૂપિયા પણ ખંખેરી લીધા હોવાની ફરિયાદ ઉઠી છે.
- ખાખી વર્દીનો રોફ જમાવી મહિલા બુટલેગરો પાસેથી દારૂ અને રોકડા ખંખેરી લેતો પોલીસ કોન્સ્ટેબલ
- મહિલાએ કોન્સ્ટેબલની સામે ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરતા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું અનુમાન
- અગાઉ પણ આ કોન્સ્ટેબલે મહિલાઓ પાસેથી દારૂ અને રૂપિયા ખંખેરી લીધા હતા
પ્રાપ્ત વિગત મુજબ ચીખલી પોલીસ મથકમાં ફરજ બજાવતો એક કોન્સ્ટેબલ હાઇવે પર ખાનગી વાહનોમાં દારૂની હેરફેરી કરતી મહિલાઓને ઝડપી તોડપાણી કરતો હોવાની ફરિયાદ વચ્ચે થોડા દિવસ પૂર્વે બલવાડા પાસે સુરત વિસ્તારની એક મહિલાને દારૂ સાથે આ કોન્સ્ટેબલ દ્વારા મોકલવામાં આવેલા તેના ફોલ્ડરીયા દ્વારા ઝડપી પાડી દારૂ અને રોકડા રૂપિયા પણ ખંખેરી લેતા મહિલાએ 100 નંબર પર ફોન કરી આ કોન્સ્ટેબલ વિરૂધ્ધ ફરિયાદ કરતા ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરાઇ હોવાનું જાણવા મળ્યું હતું. આ અગાઉ પણ આ કોન્સ્ટેબલે મહિલાઓ પાસેથી દારૂ અને રૂપિયા ખંખેરી લેતા વારંવારના આ કોન્સ્ટેબલના ત્રાસથી ત્રસ્ત આ મહિલા દ્વારા ફરિયાદ કરાઇ હોવાનું જાણવા મળ્યું હતું.
વગ ધરાવતો હોવાથી ચીખલી પોલીસ મથકમાં જ પોસ્ટીંગ થાય છે
ઉપરોક્ત કોન્સ્ટેબલ કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારી સાથે સામાજીક રીતે ઘરોબો ધરાવતો હોવાની પણ ચર્ચા પ્રકાશમાં આવી છે. પોલીસ મથકમાં ડાંગ જિલ્લાના વઘઇના બે યુવાનોના અપમૃત્યુના (કોન્સ્ટેડિયલ ડેથ) બનાવમાં પણ તે વિવાદમાં આવ્યો હતો. પરંતુ વગ ધરાવતો હોવાથી તેની ચીખલી પોલીસ મથકમાં જ ફરી પોસ્ટીંગ થતા તે સમયે પણ તે ચર્ચામાં આવ્યો હતો. હાલે આ ફરિયાદ થતા આ કોન્સ્ટેબલ છેલ્લા ત્રણેક દિવસથી રજા પર હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા તટસ્થ તપાસ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે પછી ભીનુ સંકેલાશે તે જોવું રહ્યું.