Business

કામરેજ તાલુકામાં તાપી નદી કિનારે આવેલું NRIઓનું આ ગામ દર વર્ષે ત્યારે ખીલી ઉઠે છે જ્યારે..

સુરત જિલ્લાના (Surat District) કામરેજ તાલુકાના તાપી નદીના કિનારે (Tapi River Bank) આવેલું ગામ એટલે ધાતવા. જે સુરત શહેરથી 29 કિલોમીટરના અંતરે અને તાલુકા મથક કામરેજ ચાર રસ્તાથી નવ કિલોમીટર દૂર આવેલું છે. શિક્ષણ પ્રત્યેની જાગૃતતાને કારણે આ ગામ વિકાસ તરફ કૂચ કરી રહ્યું છે. ગામમાં છેલ્લા ઘણા સમયથી ઘર દીઠ એક વ્યક્તિ વિદેશમાં વસવાટ કરે છે. ગામ (Village) કરતા વિદેશમાં વધુ લોકો રહે છે. નવેમ્બર, ડિસેમ્બરના મહિનામાં વિદેશમાં રહેતા ગામ લોકો માદરે વતનમાં આવતા હોવાથી ગામમાં એક અનેરો ઉત્સાહ જોવા મળે છે. આ ગામ નાનું છે, પણ ગામના લોકો એકતાથી રહે છે. ધાતવા ગામની વસતીની વાત કરીએ તો કુલ વસતી 1069 છે, જેમાં 242 કુટુંબમાં 535 પુરુષ અને 534 મહિલા છે. અનુસૂચિત જાતિની વસતી 77, અનુસૂચિત જન જાતિની વસતી 698 છે. તો સાક્ષરતાના દરમાં મહિલાનો સાક્ષરતા દર 65.75 ટકા અને પુરુષોનો સાક્ષરતા દર 79.07 ટકા છે. ગામનું કુલ ક્ષેત્રફળ 387 હેક્ટર છે.

આ ગામમાં સુરત જિલ્લા પંચાયત હસ્તક ચાલતી પ્રાથમિક શાળામાં ધોરણ-1થી 4 સુધીની શાળા આવેલી છે. આ શાળામાં બે શિક્ષકમાં મુખ્ય શિક્ષક નરેન્દ્રભાઈ ભગુભાઈ પટેલ તેમજ તેમની સાથે અન્ય એક શિક્ષક ભીખુભાઈ ફરજ બજાવે છે. આ શાળામાં ગામનાં અંદાજે 80 બાળકો અભ્યાસ કરે છે. જો કે, વધુ અભ્યાસ માટે કામરેજ ગામમાં આવેલી સ્કૂલ તેમજ કામરેજ ચાર રસ્તા ખાતે આવેલી શાળામાં જવું પડે છે. આ ગામમાં મુખ્ય ફળિયામાં પટેલ ફળિયું, લીંબડી ફળિયું, ગીરનાર ફળિયું, ક્રિષ્નાનગર, વચલું ફળિયું, ચકલી ફળિયું, કોલોનીનો સમાવેશ થાય છે.

ગામમાં બીએસએનએલના ટેલિફોન એક્સચેન્જની પણ સુવિધા
એક સમય હતો જ્યારે ટપાલ સેવાથી સંદેશા વ્યવહાર થતો હતો. પરંતુ સમય બદલાતા ટેલિફોન સેવા આવી હતી. અને હવે તો મોબાઇલનો જમાનો છે. ત્યારે ગામ નાનું હોવા છતાં બીએસએનએલનું ટેલિફોન એક્સચેન્જની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. જેમાંથી ધાતવા, ડુંગરા, ખોલેશ્વર, નેત્રંગ, દિગસ અને દેરોદ ગામના ટેલિફોન ચાલે છે. અંદાજે 400થી વધુ ટેલિફોન બીએસએનએલનું ટેલિફોન એક્સચેન્જ થકી રણકે છે.

એક લાખ લીટર પાણીની ટાંકી થકી મળે છે લોકોને પીવાનું પાણી
ગામમાં પાણી માટે એક લાખ લીટરની પાણીની ટાંકી પણ બનાવવામાં આવેલી છે. જે પાણીની ટાંકીમાંથી ગામના હળપતિવાસ, પટેલ ફળિયું સહિત આખા ગામને એક જ ટાંકીમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે. પરંતુ વર્ષો અગાઉ જ્યાં પાણીની ટાંકી બનાવવામાં આવી છે તેની આસપાસના વિસ્તારમાં પાણી ખરાબ હોવાથી ઉપયોગમાં લઈ શકાય તેમ ન હતું. જેને લઈ ગામના વડીલ એવા ભગુભાઈ દયાળજીભાઈ પટેલ તેમજ સ્વ.રમણભાઈ લલ્લુભાઈ પટેલના અથાક પ્રયત્નો દ્વારા સ્વચ્છ પાણીની યોજનામાંથી પાણીની ટાંકીથી દોઢ કિલોમીટર દૂર સુધી પાણી પાઈપલાઈન નાંખી પાણીની ટાંકી સુધી લાઈન લાવવામાં આવી હતી. જે પાણી ટાંકીની બાજુમાં બનેલી ભૂગર્ભ ટાંકીમાં ગયા બાદ ઉપરની ટાંકીમાં મોટર દ્વારા ચઢાવવામાં આવે છે. બાદ ગ્રામજનોને પાણી પૂરું પાડવામાં આવે છે.

શિક્ષણની જ્યોત: ગાયકવાડ સ્ટેટમાં 80 વર્ષ પહેલાં થઈ હતી લાઇબ્રેરીની સ્થાપના

  • પેટા: રૂ.3000ના ખર્ચે શ્રીમંત મહારાજા પ્રતાપસિંહ સાર્વજનિક પુસ્તકાલય નિર્માણ કરાવ્યું હતું
  • પેટા: લાઈબ્રેરીમાં નોકરી કરતો માણસ એ જમાનામાં લોકોને દેશ-દુનિયાની માહિતી આપતો હતો

આજે શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યાં છે. એના પાયામાં શાસકોની દીર્ઘદૃષ્ટિ છે. પરંતુ એક સમયે પાયાની સુવિધાનો જ અભાવ હતો ત્યારે શિક્ષણ મેળવવું પણ પડકાર હતો. જો કે, ધાતવા ગામમાં શિક્ષણ ક્ષેત્રે આગળ વધુ છે એ વર્ષો પહેલાની તપસ્યાનું ફળ છે. જે-તે સમયે ગાયકવાડ સ્ટેટ સમયે શ્રીમંત મહારાજા પ્રતાપસિંહ દ્વારા નવસારી પ્રાંતના કામરેજ તાલુકાના ધાતવા ગામમાં વર્ષ 1940-41ના વર્ષમાં 3000 રૂપિયાના ખર્ચે સાર્વજનિક પુસ્તકાલય નિર્માણ કરાવાયું હતું. આ અંગે ગામના સંજયભાઈ ઉર્ફે ભીખાભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગાયકવાડ સમયમાં ગાયકવાડ સ્ટેટમાં જે ગામ આવતું હતું, તે તમામ ગામોમાં આવી લાઈબ્રેરી બનાવવામાં આવી હતી. જે લાઈબ્રેરી માટે એક માણસ પણ રાખવામાં આવતો હતો. એ જમાનામાં લોકોમાં ભણતરનું પ્રમાણ ઓછું હોવાથી લાઈબ્રેરીમાં નોકરી કરતો માણસ દેશ-દુનિયાના સમાચારો ગામના લોકોને ભેગા કરીને જણાવતો હતો. જેથી ગામલોકો દેશ-દુનિયા સાથે રહે અને જો ગામમાં કોઈને વાંચતા લખતા આવડતું હોય તો તે લાઈબ્રેરીમાં મૂકવામાં આવેલાં પુસ્તકો વાંચીને પોતે આગળ વધે એ રીતનું આયોજન જે-તે સમયના રાજાએ કરાવીને આજના આ જમાના કરતાં તે સમયના રાજા ઘણું આગળનું વિચારતા હતા, તે લાઈબ્રેરી પરથી જાણી શકાય છે.

રાધાકિષ્ના તેમજ ભાથીજીનું મંદિર
ધાતવા ગામ તાપી નદીના કિનારે આવેલું ગામ છે. અહીંના લોકો ધર્મ પ્રત્યે ખૂબ જ આસ્થા ધરાવે છે. આ ગામમાં પટેલ ફળિયાની બાજુમાં જ રાધાકિષ્નાનું મંદિર તેમજ નદી કિનારે ભાથીજી અને તુળજા ભવાની માતાનું મંદિર આવેલું છે.

ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય
કામરેજ તાલુકો આમ તો ખેતી માટે જાણીતો. અહીંનાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી થકી જ લોકો આર્થિક રીતે સધ્ધર થાય છે. તેમાં કૃષિ ક્ષેત્રે આવેલી કાંતિ અને ટેક્નોલોજીનો ધાતવા ગામના લોકોએ બખૂબી ઉપયોગ કર્યો છે. અહીંના લોકો આજીવીકા માટે મુખ્યત્વે ખેતી સાથે સંકળાયેલા છે. તેઓ શેરડી, કેળાં અને શાકભાજીનો મુખ્ય પાક લે છે. તેમજ પશુપાલન સાથે પણ લોકો જોડાયેલા છે. પશુપાલન કરતા લોકો દ્વારા ગામમાં જ આવેલી નાની દૂધમંડળીમાં અંદાજે 150 લીટર જેટલું એક સમયે દૂધ ભરવામાં આવે છે.

પીવાના પાણી માટે આર.ઓ. પ્લાન્ટની સવલત
ગામના વિકાસ માટે શાસકોની દુરંદેશી નજર જરૂરી છે. ત્યારે ધાતવા ગામના શિક્ષિત વર્ગના લોકોએ એ દિશામાં યોગ્ય કામગીરી કરી છે. વળી, ગામના એનઆરઈ લોકો થકી ગામની કાયાપલટ થઈ છે એમ કહીએ તો ખોટું નથી. ધાતવા ગામના લોકો મોટે ભાગે વિદેશમાં વધુ રહે છે. જેને લઈ વિદેશમાં રહેતા અરવિંદભાઈ સીતારામભાઈ ભક્ત પરિવારે વર્ષ-1995માં ગામમાં આર.ઓ. પ્લાન્ટની ભેટ આપી હતી. આ પ્લાન્ટમાંથી 16 પૈસા લીટરના નજીવા દરે ગામના લોકોને પીવાનું આર.ઓ. પાણી પૂરું પાડવામાં આવે છે. હાલ ગામમાં મિનરલ પાણી ફ્રીમાં આપવામાં આવે છે. જેનું સંચાલન ગામના નવયુવાનો દ્વારા કરવામાં આવે છે.

સુરત જિલ્લામાં પ્રથમ આર.સી.સી. રોડ બન્યો હતો
રસ્તા, પાણી અને વીજળી માણસની મૂળભૂત જરૂરિયાત છે. ધાતવા ગામને એ સુવિધા એનઆરઆઈઓ થકી વર્ષોથી મળી રહી છે. ગામના લોકો વિદેશમાં રહેતા હોવાથી ગામમાં જતો આર.સી.સી. રોડ તેમજ વચ્ચે ડિવાઈડર વર્ષ-1995માં બનાવવામાં આવ્યું હતું. સુરત જિલ્લાના ધાતવા ગામમાં પ્રથમ વિદેશમાં રહેતા એનઆરઆઈઓની લોક ભાગીદારીથી રોડ બનાવવામાં આવ્યો હતો. હાલ આખા ગામમાં સીસી રોડ તેમજ પેવર બ્લોક રોડ છે. તેમજ દરેક ફળિયામાં એલઈડી સ્ટ્રીટ લાઈટોની સુવિધા પણ ઉપલબ્ધ છે. ઘરે ઘરે પાણીનાં કનેક્શન, ડોર ટુ ડોર કચરાનું કલેક્શન તેમજ સફાઈની કામગીરી કરવામાં આવે છે.

એક 1000ની વસતી હોવા છતાં પણ પોસ્ટ ઓફિસ
ધાતવા ગામમાં રાધાકિષ્ના મંદિરની બાજુમાં એક પોસ્ટ ઓફિસ પણ આવેલી છે. તેમજ એક આંગણવાડી કેન્દ્ર પણ આવેલું છે. પરંતુ આરોગ્યની સેવા માટે બે કિલોમીટર દૂર ડુંગરા પેટા આરોગ્ય કેન્દ્ર તેમજ સાત કિલોમીટર દૂર આવેલા ઓરણા આરોગ્ય કેન્દ્ર ખાતે જવું પડે છે.

ગામમાં એસટી બસની સુવિધા પણ છે
ધાતવા ગામ તાપી નદીના કિનારે આવેલું ગામ છે. બાદમાં નદી કિનારો આવી જાય છે. ગામમાં લોકોને અવરજવર માટે એસ.ટી. નિગમે બસની સુવિધા આપી છે. જ્યાં સવારે 10 કલાકે અને બપોરના 3 કલાકે ગામમાં આવે છે. રાત્રિના 7 કલાકે બસ આવે છે, જે રાત્રિ રોકાણ ગામમાં જ કરે છે અને બીજા દિવસે સવારે 6 કલાકે સુરત જાય છે. દિવસમાં ત્રણ બસ ગામમાં દરરોજ આવે છે. આમ ગામની વસતી ખૂબ જ ઓછી હોવા છતાં પણ સરકારી બસો ગામમાં આવે એ પણ મોટી વાત છે.

ધાતવા અને ઘલા વચ્ચે વર્ષોથી ફરે છે હોડી
તાપી તટે આવેલા ધાતવા ગામ બાદ બીજું કોઈ ગામ આવતું નથી. અને નદીના બીજા કાંઠે ઘલા ગામ આવેલું છે. ધાતવાથી સામે પાર ઘલા ગામ જવા માટે વર્ષોથી એક મશીનથી ચાલતી ખાનગી હોડી ફરે છે. હોડીમાં બંને સહિત આજુબાજુનાં ગામોના લોકો અવરજવર કરે છે. હોડીમાં એક વ્યક્તિ દીઠ 20 રૂપિયા અવરજવરના લેવામાં આવે છે. અને મોટરસાઈકલ સાથે 50 રૂપિયા લેવામાં આવે છે. ધાતવાથી ઘલા રોડ પરથી જવા માટે 17 કિલોમીટર કાપવું પડે છે. એક કલાકનો સમય પણ લાગે છે. જ્યારે હોડી દ્વારા એક જ કિલોમીટરમાં નદી પાર કરીને માત્ર 15 મિનીટમાં ઘલા પહોંચી શકાય છે. જેથી લોકોનો સમય પણ બચે છે. ધાતવા કે ઘલા ગામમાં કોઈ હળપતિનું મૃત્યુ થાય તો રાત્રિના પણ હોડીની જરૂર પડતી હોવાથી હોડીના માલિકનો સંપર્ક ગામના લોકો કરે તો રાત્રિના પણ હોડી ચાલે છે. બંને ગામના લોકોને હોડી ખૂબ જ ઉપયોગી નીવડે છે.

અહીં કરે છે ધાતવાના એનઆરઆઈઓ વસવાટ
ધાતવા ગામના લોકો વિદેશમાં ખાસ કરીને અમેરિકા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ અને ફ્રાંન્સ જેવા દેશોમાં રહે છે. અમેરિકામાં રહેતા ગામના લોકોનું વર્ષમાં એકવાર કન્વેન્શન પણ થાય છે, જેમાં ધાતવા ગામના લોકો ચાર દિવસ ભેગા થાય છે.

અનિલ પટેલ આહોહાના ડિરેક્ટર બન્યા હતા
ધાતવા ગામમાં રહેતા અનિલભાઈ નટવરભાઈ પટેલ આહોહા (એશિયન અમેરિકા હોટલ ઓનર્સ એસોસિએશન)ના ડિરેક્ટર પદે વર્ષ-2003થી 2010માં બે વાર ચુંટાઈને આવ્યા હતા. જે દરેક ભારતીયો માટે ગૌરવની વાત કહેવાય છે. વર્ષ-2004થી 2009 સુધી ચરોતરિયા લેઉવા પાટીદાર સમાજના ઉપપ્રમુખ તેમજ ગુજરાતી સમાજની 1998માં સ્થાપના જેક્શન મીસીસીયોમાં કરવામાં આવી હતી. હિંદુ મંદિરના પણ સ્થાપક છે.

કામરેજ ચાર રસ્તા ખાતે આવેલા દાદા ભગવાન મંદિરના સ્થાપક પણ ધાતવા ગામના
મૂળ ધાતવાના વતની અને હાલ કામરેજ ચાર રસ્તા દાદા ભગવાન મંદિર પાછળ આવેલી અમેરિકન સોસાયટીમાં રહેતા વસંતભાઈ ઉત્તમભાઈ પટેલ વર્ષ-1960માં ઈંગ્લેન્ડ ખાતે ગયા હતા. ત્યાંથી વર્ષ-1967માં યુએસમાં જઈને એમબીએનો અભ્યાસ કર્યો હતો. 1970માં એમબીએનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. બાદ શરૂઆતમાં વિદેશમાં નોકરી કર્યા બાદ ગ્રોસરીનો ધંધો કર્યો હતો. એ પછી મોટેલના ધંધામાં ઝંપલાવ્યું હતું. વર્ષ-1978માં પરિવારને અમરિકામાં બોલાવ્યો હતો. પરિવારના 70 લોકોને અમેરિકા બોલાવીને સ્થાયી કરાવ્યા હતા.

અમેરિકાના ટેનેસી ઓકરીકચમાં સ્થાયી થયા હતા. વર્ષ-1974માં દાદા ભગવાન સાથે જોડાયેલા અને કામરેજ ચાર રસ્તા ખાતે આવેલા પ્રસિદ્ધ દાદા ભગવાન મંદિરનું ખાતમુહૂર્ત વર્ષ-1984માં કર્યું હતું. વર્ષ-1992માં પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. વર્ષ-2009માં હોલિસ્ટિક સાયન્સ રિસર્ચ સેન્ટરને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જે સાયન્સ સેન્ટર સંપૂર્ણ જવાબદારી વસંતભાઈ પટેલ 84 વર્ષની ઉંમરે જાતે જ કરે છે. દાદા ભગવાનને પાંચ વર્ષ અમેરિકામાં સાથે રાખી આખું અમેરિકા બતાવ્યું હતું. ધાતવા ગામમાં ઘણીવાર દાદા ભગવાન આવી ચૂક્યા છે. છેલ્લે 25-26 ડિસેમ્બર-1986ના રોજ દાદા ભગવાન બે દિવસ ધાતવા ગામમાં રોકાયા હતા. દાદા ભગવાન મંદિરમાં મહત્તમ દાન પણ વસંતભાઈ પટેલે આપ્યું છે. વસંતભાઈનો પરિવાર અમેરિકા ખાતે રહે છે. વસંતભાઈ પટેલ મંદિરમાં પોતાની સેવાકીય પ્રવૃત્તિ હાલમાં પણ કરે છે.

ડેવિસ પટેલ પણ સહકારી નેતા
ધાતવા ગામમાં જ રહેતા ડેવિસ શાંતિલાલ પટેલ પણ સહકારી નેતા છે. વર્ષ-2004થી વર્ષ-2010 સુધી નવી પારડી ખાતે કાર્યરત એવી કામરેજ વિભાગ સહકારી ખાંડઉદ્યોગ મંડળીમાં નાના સીમાંત ખેડૂત બેઠક પર બે વાર વિજેતા થઈને ચુંટાઈ આવ્યા હતા. ત્યાર બાદ વર્ષ-1998થી 2017 સુધી કામરેજ ચાર રસ્તા ખાતે આવેલી કામરેજ વિભાગ નાગરિક સહકારી ધિરાણ કરનારી મંડળીમાં માનદ મંત્રી તેમજ એક વર્ષ માટે પ્રમુખ તરીકે સેવા આપી હતી.

આ વર્ષે ગામ સમરસ થયું હતું
ધાતવા ખૂબ જ નાનું ગામ છે. તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ગામ લોકોની એકાગ્રતાને લઈ આ વર્ષે ગામમાં ચૂંટણી ન થતાં ગામ સમરસ થયું હતું. આ અગાઉ પણ ગામમાં વર્ષ-2010માં પણ સમરસ થયું હતું.

સહકારી અને રાજકીય ક્ષેત્રે અગ્રણી એટલે અશ્વિનભાઈ પટેલ (દાઢી)
ધાતવા ગામે રહેતા રાજકીય અને સહકારી આગેવાન એવા અશ્વિનભાઈ ભાઈદાસભાઈ પટેલને લોકો હુલામણા નામ અશ્વિન દાઢીથી ઓળખે છે. અશ્વિનભાઈના શરૂઆતના દિવસોની વાત કરીએ તો પ્રથમ ખેતી સાથે સંકળાયેલા છે. ત્યારબાદ રાજકીય કારકિર્દીની શરૂઆત વર્ષ-1987માં દીનબંધુ હોસ્પિટલને ચાલુ કરવાથી કરી હતી. 1987માં રાજકીય પાર્ટી ભાજપમાં કામરેજ તાલુકા યુવા ભાજપ પ્રમુખ તરીકે 1996 સુધી સેવા આપી હતી. 1995થી 2000 સુધી કામરેજ તાલુકા ભાજપના પ્રમુખ રહ્યા હતા. 2000થી 2002 સુધી ગુજરાત પ્રદેશ સહકારી સેલના કન્વીનર, 2005થી 2010 સુધી સુરત જિલ્લા ભાજપના મહામંત્રી, 2010થી 2015 સુરત જિલ્લા પંચાયતના કામરેજ તાલુકામાંથી પ્રથમ પ્રમુખ બન્યા હતા. જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેના કાર્યકાળમાં જિલ્લાનાં આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને દૂધ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જેની મુખ્યમંત્રીએ નોંધ લઈ આખા રાજ્યના આંગણવાડી કેન્દ્રમાં દૂધ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ગામડાના રસ્તામાં 70-30ની યોજના પણ મૂકી હતી. જે બાદમાં આખા ગુજરાતમાં લાગુ કરવામાં આવી હતી. જ્યારે સહકારી ક્ષેત્રની વાત કરીએ તો 1990થી સાયણ જીવનરક્ષા હોસ્પિટલમાં, લાલચૂડા કડવા પાટીદાર કેળવણીમંડળમાં સલાહકાર સમિતિના સભ્ય, દીનબંધુ હોસ્પિટલમાં 1987 તેમજ કામરેજ ચાર રસ્તા ખાતે આવેલા ભારતીય વિદ્યામંડળમાં 1992થી ટ્રસ્ટી તરીકે કાર્યરત છે. કામરેજ ચાર રસ્તા ખાતે આવેલી કેળાં મંડળીમાં વર્ષ-1992થી 1994, 1998થી 2000, 2008થી 2018 સુધી સૌથી વધુ વર્ષ પ્રમુખ તરીકે રહ્યા હતા. વર્ષ-1999માં ઓલપાડ તાલુકાના સાયણ ખાતે આવેલી સાયણ સુગર ફેક્ટરીના સૌથી નાની વયના પ્રમુખ બન્યા હતા.

સાયણ સુગર બેસ્ટ ફાયનાન્સ એવોર્ડ પણ ત્રણ અપાવ્યો હતો. તેમજ જીવનરક્ષા હોસ્પિટલના પણ પ્રમુખ રહ્યા હતા. ગુજરાત સ્ટે.કો.ઓ. ફ્રૂટ વેજિટેબલ ફેક્ટરીમાં 2008થી 2013માં સેવા આપી હતી. ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘમાં ઉપપ્રમુખ તરીકે રહ્યા હતા. હાલમાં 2020થી કામરેજ તાલુકાના નવી પારડી ખાતે આવેલી કામરેજ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી (કામરેજ સુગર)ના પ્રમુખ તરીકે કાર્યરત છે. આમ, સાયણ અને કામરેજ એમ બે સુગર ફેક્ટરીના પ્રમુખ તરીકેની કામગીરી કરનાર સુરત જિલ્લાના એકમાત્ર સહકારી નેતા અશ્વિનભાઈ પટેલ છે. કામરેજ સુગર ફેક્ટરીના સ્થાપક સ્વ.ગોરધનભાઈ પટેલના સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું હતું. અશ્વિનભાઈ પટેલે પોતાના રાજકીય અને સહકારી ગુરુ તરીકે ભાજપના ભીષ્મ પિતામહ સ્વ.સુમનભાઈ દેસાઈ (ઓવિયાણ), ઈશ્વરભાઈ નરોત્તમભાઈ પટેલ (બારડોલી) તેમજ સ્વ.મુકેશભાઈ વજીરને માને છે.

મેહુલ પટેલની સિદ્ધિ: એક પગ ગુમાવવા છતાં ક્રિકેટ રમવાનું ઝનૂન ટકાવી રાખ્યું
ધાતવા ગામમાં રમતગમત ક્ષેત્રે વાત કરવાની થાય તો સમગ્ર કામરેજ તાલુકાને ગર્વ અનુભવાય એવી સિદ્ધિ છે. તા.17-2-1976માં જન્મેલા મેહુલભાઈ ચંદુભાઈ પટેલ ખૂબ સારું ક્રિકેટ રમતા હતા. પરંતુ કુદરતની મરજી આગળ કોઈનું ચાલતું નથી એમ મેહુલભાઈને તા.5-1-2007માં કામરેજ ગામ પાસે રેતીની ટ્રક સાથે ગંભીર અકસ્માત થયો હતો. અકસ્માતમાં પોતાનો એક પગ ગુમાવવાનો વારો આવ્યો હતો. તેમ છતાં કહેવાય છે કે, ઇરાદા બુલંદ હોય તો હિમાલય પણ નડતો નથી એમ પોતાના અડગ આત્મવિશ્વાસ સાથે પોતાનો એક કૃત્રિમ પગ નંખાવી પગ ઉપર ઊભા થયા. અને હાર્યા કે થાક્યા વિના સતત મહેનત કરી અને ક્રિકેટ રમવાની ફરીથી શરૂઆત કરી હતી. ચરોતરિયા લેઉઆ પાટીદાર સેવા સમાજ ટ્રસ્ટની ધાતવા ગામની ટીમમાં ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન તરફથી દિવ્યાંગ ટીમનો હિસ્સો બની ઓપનર બેટ્સમેન તેમજ બોલર એમ ઓલરાઉન્ડર તરીકે રમ્યા હતા. બરોડા ક્રિકેટ એસોસિએશનની દિવ્યાંગ ટીમમાં કેપ્ટન તરીકેની કમાન સંભાળીને કોલાહપુર ટુર્નામેન્ટ પણ રમ્યા હતા. ગુજરાતમાં ઓલરાઉન્ડર તરીકે પણ સફળતાપૂર્વક ક્રિકેટ રમી મેયર કપ, બોમ્બે પુના વેસ્ટ ઝોન, સુરત એસ્સાર વેસ્ટ ઝોનમાંથી રમ્યા હતા. જે ઘણી ગૌરવની વાત છે. મેહુલભાઈ પટેલ હાલ ખેતીવાડી સાથે પણ સંકળાયેલા છે. જે ખેતીમાં શેરડી, કેળાં, મરચી, ગુવાર, મગ સહિત શાકભાજીની ખેતી કરે છે. તેઓ કામરેજ ચાર રસ્તા ખાતે પોતાની પેથોલોજી લેબોરેટરી ચલાવે છે. એક પગ ગુમાવ્યા છતાં પણ પોતે કાર તેમજ મોટરસાઈકલ ચલાવે છે. મેહુલભાઈ પટેલ લોકોને એક સંદેશ પણ આપવા માંગે છે કે, ગમે તેટલી વિકટ પરિસ્થિતિ આવે કે તકલીફ પડે તો પણ જીવન જીવવાનું છોડવું નહીં. તમામ પરિસ્થિતિનો સામનો કરીને હંમેશાં આગળ વધતા રહેવું જોઈએ.

ગ્રામ પંચાયતનું સુકાન હવે યુવાનોના હાથમાં
હાલમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સમગ્ર ગામ સમરસ થયું હતું, જેમાં યુવાનોના હાથમાં ગામની મરજીથી સરપંચ તથા સભ્યોની દોરી સંચાલનનું સદભાગ્ય મળ્યું છે. લેનાર કરતા આપનારની મહાનતાને સ્વીકારી ગામના પ્રથમ નાગરિક તરીકે સરપંચ કાર્તિક પટેલ તથા તેમની ટીમે પાંચ વર્ષ ગામના દરેક વ્યક્તિને પ્રાથમિક જરૂરિયાતની નેમ લીધી છે. વધુમાં ભાઇચારો બનાવી રાખી ગામના વિકાસને લગતાં ઘણાં કામો કરવાની પણ દૃષ્ટિ ફેલાવી છે. આવનાર સમયમાં વૃક્ષારોપણ તથા એની જાળવણી અને કુદરતી સંપત્તિની રક્ષા કરવાનું પણ આયોજન છે.

ફિઝિયોથેરાપીસ્ટ તરીકે ડો.દેવરાજ પટેલ જાણીતા
ધાતવા ગામ ઘણું જ નાનું હોવા છતાં રાજકીય અને સહકારી આગેવાનો સહિત એજ્યુકેશનની દૃષ્ટિએ પણ ઘણું આગળ છે. પટેલ ફળિયામાં રહેતા દેવરાજ આનંદ પટેલ વર્ષ-2019માં ફિઝિયોથેરાપીસ્ટ ડોક્ટર બન્યા હતા. બાદ કામરેજ ગામની હદમાં કેનાલ રોડ પર આવેલી સદભાવના મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ફરજ બજાવી દર્દીઓને હૂંફ સાથે સારવાર આપી સાજા કરી રહ્યા છે.

કામરેજ કેળાં મંડળીમાં ગામના ત્રણ લોકો પણ ડિરેક્ટર હતા
કામરેજ ચાર રસ્તા ખાતે આવેલી કેળાં મંડળીમાં ધાતવા ગામના ભાવિનભાઈ અરવિંદભાઈ પટેલ, ભરતભાઈ ભગુભાઈ પટેલ તેમજ સંજયભાઈ ઉર્ફે ભીખાભાઈ રમણભાઈ પટેલ ડિરેક્ટર પદે રહી ચૂક્યા છે. સંજયભાઈ ઉર્ફે ભીખાભાઈ પલસાણા તાલુકાના ચલથાણ ખાતે આવેલી સંજીવની હોસ્પિટલમાં છેલ્લાં આઠ વર્ષથી કામરેજ તાલુકાના પ્રતિનિધિ તરીકે સેવા આપી રહ્યા છે.

ગામના સરપંચ અને સભ્યોની યાદી
સરપંચ- કાર્તિકકુમાર દિલીપભાઈ પટેલ
ડે.સરપંચ-ભુલાભાઈ ગુલાબભાઈ રાઠોડ

  • સભ્યો
    પ્રિયેનકુમાર ભરતભાઈ પટેલ
  • કશ્યપકુમાર મનોજભાઈ પટેલ
  • મીનાબેન સોમાભાઈ રાઠોડ
  • વિનયકુમાર સુખદેવભાઈ રાઠોડ
  • કૃતિબેન કલ્પેશભાઈ માહ્યાવંશી
  • સાધનાબેન જયેશભાઈ રાઠોડ
  • કૈલાસબેન રાજુભાઈ રાઠોડ
  • તલાટી કમ મંત્રી-ડિમ્પલબેન હસમુખભાઈ પાંભર

Most Popular

To Top