ફૂટપાથ પર સાઈકલ ચલાવતા બે બાળકો પર ટ્રેક્ટરની ટ્રોલી પડી, ચગદાઈને મૃત્યુ પામ્યા, ઓલપાડની અરેરાટીપૂર્ણ ઘટના

સુરત: (Surat) ઓલપાડ (Olpad) સેના ખાડી બ્રિજ ઉપર ઓવરલોડ શેરડી (Sugar Cane) ભરેલી ટ્રેક્ટરની (Tractor) ટ્રોલીમાં પંક્ચર પડતાં ટ્રેક્ટર ચાલકે જેક ઉપર ટ્રોલી ઉભી કરી દીધી હતી. આજ સમયે અન્ય એક ટ્રેક્ટરના ચાલકે પુરપાટ ઝડપે ટ્રેક્ટર હંકારી લાવી ટ્રોલીને ટક્કર મારતા સર્જાયેલા અકસ્માત (Accident) દરમિયાન ફૂટપાથ (Footpath) પર સાઈકલ (Cycle) લઇ પસાર થઇ રહેલા 12 વર્ષિય બે બાળકો પર શેરડી ભરેલી ટ્રોલી પડતાં બંને બાળકો દબાઇ જતાં મોત (Death) નિપજ્યા હતા. આ મામલે ઓલપાડ પોલીસે બંને ટ્રેક્ટરના ચાલકો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • ઓલપાડની સેના ખાડી પાસે પંચર પડતા ટ્રેક્ટર ઉભી હતી, તેની પાછળથી એક ટ્રેક્ટર આવી અને અકસ્માત થયો
  • જોરદાર ટક્કરના લીધે ઉભેલી ટ્રેક્ટરની ટ્રોલી ફૂટપાથ પર પડી અને બાળકો દબાઈ ગયા
  • ઘટનામાં મોહમદ નબીલ અબ્દુલ કાદર શેખ અને સયહાન સાજીદ શેખના મૃત્યુ નિપજ્યા

ઓલપાડ પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર સોમવારે બપોરના સમયે ઓલપાડ સેના ખાડી પાસે ટ્રેક્ટર નં.જીજે.4.ડીએન.4277ના ચાલકે ટ્રેક્ટરની ટ્રોલી નં.જીજે.ઓ.9924માં ઓવરલોડ શેરડી ભરી હતી. ટ્રેક્ટરની ટ્રોલીમાં પંક્ચર પડ્યું હોય ટ્રેક્ટર ચાલકે ટ્રોલીને પંક્ચર રિપેર કરવા માટે જેક ઉપર ઉભી કરી હતી. ત્રણ-ચાર કલાક સુધી રસ્તા ઉપર જોખમકારક સ્થિતિમાં ટ્રોલી ઉભી કરવામાં આવી હતી.

આ દરમિયાન અન્ય એક ટ્રેક્ટરના ચાલકે પુરપાટ ઝડપે ટ્રેક્ટર હંકારી લાવી ટ્રોલીને ટક્કર મારી હતી. ટ્રોલી પલ્ટી મારી જતાં આ જ સમયે ફુટપાથ ઉપરથી સાઇકલ લઇને પસાર થઇ રહેલા મોહમદ નબીલ અબ્દુલ કાદર શેખ (ઉ.વ.12) અને સયહાન સાજીદ શેખ (ઉ.વ.12 (બંને રહે. કસબા ફળીયું, ઓલપાડ) ઉપર શેરડી ભરેલી ટ્રોલી પડી હતી. શેરડી નીચે દબાઇ જતા બંને માસુમ બાળકો મોતને ભેટ્યા હતા.

અકસ્માતને પગલે રાહદારીઓ અને ગામલોકોનું ટોળુ એકત્ર થઇ ગયું હતું. બાળકોને બચાવવા જેસીબી મશીનની મદદ લેવાઇ હતી. જોકે બંને બાળકોના જીવ બચી શક્યા ન હતા. ઓલપાડ પોલીસે બંને ટ્રેક્ટરના ચાલકો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top