નડિયાદ: આણંદમાં બંધ મકાનમાં તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. જોકે, ઘરમાં કોઇજ કિંમતી વસ્તુ ન હોવાથી તસ્કરો બધું વેરણછેરણ કરીને ફરાર થઇ ગયા હતા. આ મામલે આણંદ ટાઉન પોલીસ દ્વારા અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. આણંદના ૮૦ ફુટ રોડ ઉપર આવેલી મારૂતિ કિર્તન સોસાયટીમાં રહેતા પ્રમોદ ઓમપ્રકાશ શ્રીવાસ્તવ વિદ્યાનગર જી.આઇ.ડી.સી. માં આવેલી ફેક્ટરીમાં ડિઝાઇન ડિપાર્ટમેન્ટમાં વાઇસ પ્રેસિડન્ટ તરીકે ફરજ બજાવે છે. ૨૯ જાન્યુઆરીના રોજ પ્રમોદભાઇ ઉત્તરરપ્રદેશના અલ્હાબાદ સ્થિત તેમના વતનમાં ગયા હતા.
જ્યાં તેઓને કોરોના થતાં તેઓ પરત આવ્યા ન હતા. આ દરમિયાન તા. ૫ મી ફેબ્રુઆરીના રોજ પ્રમોદભાઇએ પોતાની કંપનીમાં કામ કરતાં પ્રજ્ઞેશ મહેન્દ્રભાઇ કુંભારને ફોન કરીને તેમના ઘરમાં ચોરી થઇ હોવાનું કહીને તપાસ કરવા જવા કીધું હતું. જેથી પ્રજ્ઞેશભાઇ તેમના મારૂતિ કિર્તન સોસાયટીમાં આવેલા ઘરમાં તપાસ કરવા ગયા હતા. જ્યાં ઘરના મુખ્ય દરવાજાની આગળનો નકૂચો તોડી, મેઇન દરવાજાનું સેન્ટર લોક તોડવામાં આવ્યું હતું. તસ્કરોએ બેડરૂમમાં મૂકેલી તિજોરી તોડી અને તેમાંથી બધોજ સામાન વેરણછેરણ કરી દીધો હતો. જોકે, કોઇ કિંમતી વસ્તુ મળી ન આવતાં તસ્કરો ફરાર થઇ ગયા હતા. ઘરની પરિસ્થિતી મામલે પ્રજ્ઞેશભાઇએ ફોન પર પ્રમોદ શ્રીવાસ્તવને જાણ કરતાં તેઓએ આ મામલે ફરિયાદ નોંધાવવાનું કહેતાં પ્રજ્ઞેશભાઇએ અજાણ્યા તસ્કરો સામે આણંદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.