નડિયાદ: ઠાસરા તાલુકાના સરદારપુરાની કિશોરીને ભગાડી ગયાં બાદ તેને અમદાવાદ અને ત્યારબાદ કોઠી ગામે લઈ જઈને તેની ઉપર જાતિય અત્યાચાર ગુજારનાર બે નરાધમોને કોર્ટે કસુરવાર ઠેરવી આજીવન કેદની સજા અને રૂપિયા ૪૫ હજારનો દંડ ફટકાર્યો છે. ઠાસરા તાલુકાના સરદારપુરા તાબે ખેરાના મુવાડામાં રહેતો સંજય બળવંતભાઈ રાઠોડ ગત તા.૨૫-૩-૨૦૧૯ ના રોજ રાત્રીના સમયે ૧૭ વર્ષીય કિશોરીને લલચાવી-પટાવી ઈકો ગાડી નં જીજે ૦૭ બીઆર ૬૧૪૯ માં બેસાડી ભગાડીને અમદાવાદ લઈ ગયો હતો. જ્યાં કંપનીની ઓરડીમાં કિશોરીને ૨૦ દિવસ સુધી ગોંધી રાખવામાં આવી હતી. જે બાદ કિશોરીને અરવલ્લી જિલ્લાના કોઠી ગામે રહેતાં જગદીશ ઉર્ફે રાયમલ સાયબાભાઈ પગીના ઘરે લઈ જવામાં આવી હતી. જ્યાં સંજય રાઠોડ અને તેના મિત્ર જગદીશ પગી દ્વારા કિશોરી ઉપર અવારનવાર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો.
આ મામલે ઠાસરા પોલીસે ઈપીકો કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨)(આઈ), ૩૬૮, ૧૧૪ તથા પોક્સો એક્ટની કલમ ૩(એ), ૪, ૫(એલ), ૬, ૧૭, ૧૮ મુજબનો ગુનો નોંધી આરોપી સંજય રાઠોડ, જગદીશ પગી અને તેમને મદદ કરનાર મેહુલ ભોઈ અને અરજન રાઠોડની અટકાયત કરી, ચાર્જશીટ નડિયાદ કોર્ટમાં રજુ કરી હતી. આ કેસ નડિયાદ કોર્ટના સ્પે.ન્યાયાધીશ ડી આર ભટ્ટની કોર્ટમાં ચાલ્યો હતો. જે દરમિયાન સરકારી વકીલ ધવલ આર બારોટ દ્વારા ૧૫ દસ્તાવેજી પુરાવા તેમજ ૧૪ મૌખિક પુરાવા રજુ કરવામાં આવ્યાં હતાં. તેમજ સમાજમાં સગીર દિકરીઓ ઉપર થતાં આવા પ્રકારના ગુનાઓ દિવસે દિવસે વધી રહ્યાં છે ત્યારે સમાજમાં દાખલો બેસે તે માટે આરોપીઓને સખત સજા ફટકારવામાં આવે તેવી દલીલ કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખી ન્યાયાધીશે સંજય બળવંતભાઈ રાઠોડ અને જગદીશ ઉર્ફે રાયમલ સાયબાભાઈ પગીને કસુકવાર ઠેરવી આજીવન કેદની સજા તેમજ રૂપિયા ૪૫ હજારનો દંડ ફટકાર્યો છે.
સંજય રાઠોડ-જગદીશ પગીને થયેલી સજા
# ઈપીકો કલમ ૩૬૩ ના ગુનામાં ૫ વર્ષની સખત કેદની સજા, અને રૂ.૫૦૦૦ નો દંડ, જો દંડ ન ભરે તો વધુ ૬ માસની સાદી કેદની સજા
# ઈપીકો કલમ ૩૬૬ ના ગુનામાં ૫ વર્ષની સખત કેદની સજા, અને રૂ.૫૦૦૦ નો દંડ, જો દંડ ન ભરે તો વધુ ૬ માસની સાદી કેદની સજા
# ઈપીકો કલમ ૩૬૮ ના ગુનામાં ૫ વર્ષની સખત કેદની સજા, અને રૂ.૫૦૦૦ નો દંડ, જો દંડ ન ભરે તો વધુ ૬ માસની સાદી કેદની સજા
# ઈપીકો કલમ ૩૭૬(૨)(એન) ના ગુનામાં ૧૦ વર્ષની સખત કેદની સજા, અને રૂ.૧૦,૦૦૦ નો દંડ, જો દંડ ન ભરે તો વધુ ૬ માસની સજા
# પોક્સો એક્ટની કલમ ૩(એ) ના ગુનામાં ૧૦ વર્ષની સખત કેદની સજા, અને રૂપિયા ૧૦,૦૦૦ નો દંડ, જો દંડ ન ભરે તો વધુ ૬ માસની સાદી કેદની સજા
# પોક્સો એક્ટની કલમ ૫(એલ) ના કૃત્ય બદલ કલમ ૬ મુજબ આજીવન કેદની સજા, અને રૂપિયા ૧૦,૦૦૦ નો દંડ, જો દંડ ન ભરે તો વધુ ૬ માસની સાદી કેદની સજા