સુરત: (Surat) એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના (Airport Authority of India) સ્થાનિક અધિકારી અને એરલાઇન્સ (Airlines) વચ્ચેના ગજગ્રાહને લીધે તાજેતરમાં સુરત એરપોર્ટથી (Surat Airport) દિલ્હી, કોલકાતા, બેંગલુરૂની ફ્લાઈટ શરૂ કરનાર ગો-ફર્સ્ટ (Go First) સુરત એરપોર્ટથી તેનું ઓપરેશન (Operation) સંકેલી લે એવા સંજોગો ઊભાં થયાં છે.
- એરપોર્ટ ઓથોરિટીના સ્થાનિક અધિકારીએ ચોક્કસ કારણોસર ગો-ફર્સ્ટને સહકાર આપવાનો ઈન્કાર કરી દીધો
- ગો-ફર્સ્ટે દિલ્હી, કોલકાતા અને બેંગલુરૂની ફ્લાઇટ પહેલેથી બંધ કરી દેતા સુરતના વિમાની પ્રવાસીઓ મુશ્કેલીમાં
- એરપોર્ટના અધિકારીની આ બદમાશીની ફરિયાદ સાંસદો સુધી પણ પહોંચી, આગામી દિવસોમાં મોટો વિવાદ થવાની સંભાવના
- એરપોર્ટ પર પાર્કિંગ ખાલી હોવા છતાં વિમાન માટે નાઈટ પાર્કિંગની સુવિધાનો સ્થાનિક અધિકારી દ્વારા ઈન્કાર કરી દેવાયો
વિમાન (Flight) માટે નાઈટ પાર્કિંગની (Night Parking) સુવિધા નહીં મળે તો ગો-ફર્સ્ટ સુરત એરપોર્ટથી ફ્લાઈટ ઓપરેશન બંધ કરી દેશે એવી ચેતવણી એરલાઇન્સે એએઆઈ વેસ્ટર્ન રિજયનના (Western Region) જવાબદાર અધિકારીને આપી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ ફરિયાદ કેન્દ્રીય ટેક્સટાઇલ રાજયમંત્રી દર્શના જરદોશ અને ગુજરાત ભાજપ પ્રમુખ તથા સાંસદ સીઆર.પાટીલના કાન સુધી પણ પહોંચી છે. એરપોર્ટ પર વિમાન પાર્કિંગની જગ્યા છતાં સ્થાનિક અધિકારીએ ચોક્કસ કારણોસર રસ નહીં દાખવતાં ગો-ફર્સ્ટે સુરતથી દિલ્હી, કોલકાતા અને બેંગલુરૂની ત્રણે ફ્લાઈટ હાલ પૂરતી બંધ કરી દીધી છે. એને લીધે એડવાન્સ ટિકીટ બુક કરાવનાર પેસેન્જર્સ મુશ્કેલીમાં મૂકાયા છે. એરલાઇન્સ પેસેન્જરોને રિફંડ આપી રહી છે.
એરલાઇન્સના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગો-ફર્સ્ટની દિલ્હી-સુરતની મોર્નિંગ ફ્લાઈટને પેસેન્જર નહીં મળતાં હોવાથી એરલાઇન્સ આ ફ્લાઇટનો સ્લોટ બદલવા માંગે છે ગો-ફર્સ્ટ રાતે સુરતમાં વિમાન પાર્ક કરી વહેલી સવારે સુરતથી દિલ્હી ફ્લાઈટ ચલાવવા માંગે છે. વિમાન કંપની રાતે 09-30 કલાકે ફલાઇટ સુરત આવી પાર્કિંગ એરિયામાં પાર્ક થાય અને સવારે 06-30 કલાકે સુરતથી દિલ્હી જવા રવાના થાય એવી સતત માંગ કરી રહ્યું છે પણ સુરત એરપોર્ટના અધિકારી સહકાર નહીં આપતા હોવાની રાવ થતાં અધિકારી અને એરલાઇન્સ વચ્ચે ઈગોનો મામલો ઊભો થયો છે. અધિકારીની હેરાનગતિથી નારાજ ગો-ફર્સ્ટએ સુરત એરપોર્ટથી એની ત્રણે ફ્લાઈટ બંધ કરી દીધી છે.
એરલાઇન્સના સૂત્રોનું કહેવું છે કે વહેલી સવારે દિલ્હીથી સુરત જતી ફ્લાઈટમાં 30-40 પેસેન્જર મળે છે એમાં ખોટ જાય છે એટલે એક વિમાન સુરત એરપોર્ટના પાર્કિંગ વે માં પાર્ક કરી એરલાઇન્સ સવારે 06:30 કલાકે આ ફ્લાઈટ સુરતથી દિલ્હી લઈ જવા માંગે છે પણ નવા સ્લોટ અને પાર્કિંગની માંગ સુરત એરપોર્ટ લેવલેથી પ્રોસેસ કરી એરપોર્ટ ઓથોરિટીના વેસ્ટર્ન રિજયનની મંજૂરી માટે મોકલાતી નથી એનાથી નારાજ થઈ એરલાઇન્સે ત્રણે ફ્લાઈટ હંગામી ધોરણે બંધ કરતાં સુરતના પેસેન્જરોને નવી સુવિધા મળતી અટકી ગઈ છે. આ મામલે સુરતના એરપોર્ટ ડાયરેક્ટરનો સંપર્ક કરતાં એમનો ટેલિફોનિક સંપર્ક થઈ શક્યો નથી.
5 નાઈટ પાર્કિંગ સુવિધા સામે 3 પાર્કિંગ ખાલી છતાં અધિકારીનું જક્કી વલણ એરલાઇન્સને સુરત છોડવા મજબૂર કરે તો નવાઈ નહીં
સુરત એરપોર્ટ અને એરલાઇન્સના સૂત્રોના જણાવ્યાં મુજબ સુરત એરપોર્ટ પર નાઈટ વિમાન પાર્કિંગ માટે 5 મોટા વિમાનના હેંગરની સુવિધા છે. તે પૈકી 3 હેંગર ખાલી છે. એક હેંગર એર ઇન્ડિયા એક્સપ્રેસને, એક સ્પાઈસ જેટને આપવામાં આવ્યાં છે. 1 હેંગર ઇમરજન્સી માટે, એક ડાયવર્ઝન માટે રિઝર્વ રાખવામાં આવ્યું છે. જ્યારે એક હેંગર ખાલી ખાલી પડ્યું છે. છતાં ગો-ફર્સ્ટ ને કાયદેસર ભાડે આપવા અખાડા કરવામાં આવી રહ્યાં છે. મામલો ગંભીર હોવાથી આ વિવાદ વકરે એવી શક્યતા છે.
બીજી એરલાઇન્સને લાભ કરાવવા ગો-ફર્સ્ટની હેરાનગતિ થતી હોવાની ચર્ચા
સુરત: ચર્ચા એવી છે કે બીજી એરલાઇન્સને લાભ કરાવવા ગો-ફર્સ્ટની હેરાનગતિ કરવામાં આવી રહી છે. જેથી સુરતથી સફળ એવા દિલ્હી, કોલકાતા, બેંગલુરુ જેવા સફળ રૂટ છોડી ગો-ફર્સ્ટ જેવી એરલાઇન્સ પોબારા ભણી જાય આ પ્રકરણમાં દાપૂનો લાભ લેવાને લગતી ચર્ચાઓ પણ ચાલી રહી છે.
વિમાન સેવા માટે બેન્ક ગેરંટી આપનાર સુરતમાં સામે ચાલીને આવેલી એરલાઇન્સને ભગાડવામાં કયા અધિકારીને રસ છે?
એવિએશન ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં સુરત દેશનું એકમાત્ર એવું પ્રથમ શહેર છે જેણે એર ઇન્ડિયાને 3 કરોડની બેન્ક ગેરંટી આપી દિલ્હી-સુરતની ફ્લાઈટ મેળવી હતી એ શહેરમાં સતત રજૂઆતો પછી ગો-ફર્સ્ટ વેપાર કરવા માટે સામે ચાલીને સુરત આવી ત્યારે એરલાઇન્સ કંપનીઓ વચ્ચેની તીવ્ર સ્પર્ધામાં એરપોર્ટના કયા અધિકારી બીજી હરીફ એરલાઇન્સના હાથા બની ગો-ફર્સ્ટને ભગાડવા માંગે છે એની તપાસ થવી જોઈએ.