GMERS હોસ્પિટલમાં સૌપ્રથમવાર કાનના પરદાના છીદ્રોની ટાંકા લીધા વગર સુધારણા કરાઈ : 10 ઓપરેશન કરાયા

વડોદરા : રાજ્યની સરકારી હોસ્પિટલમાં શ્રેષ્ઠ સેવાનો વધુ એક દાખલો જીએમઈઆરએસ હોસ્પિટલ ગોત્રીના કાન,નાક અને ગળાના વિભાગે બેસાડ્યો છે.આ વિભાગે તેના વડા ડો.હિરેન સોનીના નેતૃત્વ હેઠળ કાનના પરદાના છિદ્રોની સુધારણા ટાંકા લીધા વગર થતી શસ્ત્રક્રિયા દ્વારા કરવાની શરૂઆત કરી છે.રાજ્યની સરકારી હોસ્પિટલોમાં જૂજ જગ્યાઓ એ આ સુવિધા ઉપલબ્ધ છે. ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલના ડો.સોની એ જણાવ્યું કે ટીમ્નોપ્લાસ્ટી કર્ણ પટલની નવરચના નામે ઓળખાતી નવી ટેકનીક દ્વારા જરૂર પ્રમાણે એન્ડોસ્કોપ અને માઇક્રોસ્કોપના સહિયારા ઉપયોગ થી કરવામાં આવે છે.આ એંડોસ્કોપ કેમેરા થી સજ્જ હોય છે.તેના માટે કોઈ નવા સાધનોની જરૂર પડી નથી.વિભાગમાં ઉપલબ્ધ સાધનો નો ઉપયોગ કરીને જ આ નવી સેવા આપવામાં આવી રહી છે.કાન ના પરદામાં છિદ્રોને લીધે કાનમાં થી પરુનો સ્ત્રાવ થાય છે અને શ્રવણ શક્તિમાં ઘટાડો થતાં દર્દીને બહેરાશની મુશ્કેલી વેઠવી પડે છે.પરંપરાગત રીતે આ ખામી સુધારવા કાનની પાછળના ભાગે કાપા મૂકીને અને ટાંકા લઈને સર્જરી કરવામાં આવે છે.

જેમાં પરદાના કાણા અને મૂકવામાં આવેલા કાપાને ટાંકા લઈને સાંધવામાં આવે છે.નવી પદ્ધતિમાં કાન ની પાછળ કાપો મૂકવાની અને અંદર કે બહાર ક્યાંય ટાંકા લેવાની જરૂર પડતી નથી જે દર્દી માટે રાહતરૂપ છે.અત્યાર સુધી અમારા વિભાગમાં આવા 10 જેટલા ઓપરેશન કર્યા છે.જેમાં પરિણામ સંતોષજનક જણાયું છે.તેમણે જણાવ્યું કે આ નવી પદ્ધતિ હેઠળ કર્ણ નલિકા ના માધ્યમથી પરદા સુધી પહોંચી ચામડી આરોપિત (ગ્રાફ્ટ) કરીને છિદ્રો સાંધવામાં આવે છે.ડો.હાર્દિક શાહે આ પ્રકારની ટાંકા વગરની કર્ણ સર્જરીની સોલા સિવિલ હોસ્પિટલમાં શરૂઆત કરી અને પાટણમાં પણ તેઓ તે કરી રહ્યા છે.તે પછી આપણે વડોદરામાં તે શરૂ કરી છે.ખાનગી આરોગ્ય સંસ્થાઓમાં આ શસ્ત્રક્રિયા માટે અંદાજે રૂ.50 હજાર જેટલો ખર્ચ કરવો પડે.જ્યારે અમારા સરકારી દવાખાનામાં તે લગભગ વિનામૂલ્યે કરાવી શકાય છે.પ્રકારની મુશ્કેલી ધરાવતા લોકો અમારા વિભાગનો સંપર્ક કરે એવો તેમણે અનુરોધ કર્યો છે.

કાનની હાડકીના સડાથી પણ શ્રવણ શક્તિ ઘટે છે : ડો.હિરેન સોની
ગોત્રી હોસ્પિટલના કાન,નાક, ગળાના વિભાગની ટીમ દ્વારા કાનની વિવિધ પ્રકારની તકલીફોનું તબીબી રીતે નિવારણ કરવામાં આવે છે.ડો.હિરેન સોનીએ જણાવ્યું કે કાનની હાડકીના સડાથી પણ શ્રવણ શક્તિ ઘટે છે.તેનું પરંપરાગત ટાંકાવાળું ઓપેરેશન કરવામાં આવે છે. કાનના પરદાની પાછળના ભાગે પાણી ભરાઈ જવું, કાનની પાછળની હાડકી ચોંટી જવાથી સાંભળવા માં તકલીફ થવી જેવી તકલીફોની વિભાગમાં સારવાર કરવામાં આવે છે.

Most Popular

To Top