અમદાવાદ: અમદાવાદમાં વર્ષ 2008માં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસમાં (Ahmedabad blast case) આજે ચૂકાદો આવ્યો છે. અમદાવાદ બ્લાસ્ટ કેસનો ચૂકાદો 13 વર્ષ 195 દિવસ બાદ આવ્યો છે. 58 મૃતકના પરિવારો ન્યાયની આશા લગાવી બેઠાં હતાં. ત્યારે કોર્ટે આજે 78 પૈકી 49 આરોપીને દોષિત જાહેર કર્યા છે, જ્યારે શંકાના આધારે 28 આરોપીઓને નિર્દોષ મુક્ત કરવા ચૂકાદો આપ્યો છે. દોષિતોને આવતીકાલે સજા સંભળાવવામાં આવશે.
આ અગાઉ આજે ચૂકાદો આવવાનો હોય સ્પેશ્યિલ કોર્ટની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ચૂકાદા સમયે અન્ય વકીલો, પક્ષકારો કોર્ટમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકી દેવાયો હતો. આવું પહેલીવાર બન્યું છે. પાર્કિંગમાં કાર સહિતના વાહનો ચેક કરાયા હતા. કોર્ટ સંકુલમાં 1 DCP, 2 ACP અને 100 પોલીસ જવાનો તૈનાત કરી દેવાયા હતા. કેસના વકીલોને જ કોર્ટમાં પ્રવેશ અપાયો હતો. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવાયું હતું. બ્લાસ્ટ કેસમાં 1100થી વુધ સાક્ષીઓની જુબાની લેવાઈ હતી. 500થી વધુ ચાર્જશીટ દાખલ કરાઈ હતી. કેસમાં 8 આરોપી હજુ ફરાર છે. તે પૈકી કેટલાંક પાકિસ્તાનમાં છે.
આરોપીઓનું લિસ્ટ
- ઇકબાલ કાસમ શેખ : વડોદરાના યાકુબપુરાના કબીર કોમ્પલેક્સના રહેવાસી ઈકબાલ કાસમ શેખ સામે ઠક્કરનગરમાં બોમ્બ સાથેની સાઈકલ મુકવાનો તથા એએમટીએસની બસ નં. 150માં બોમ્બ બ્લાસ્ટ કરવાનો આરોપ છે.
- મો. ઇસ્માઇલ ઉર્ફે રાજિક મો. ઇશાક મન્સૂરી: અમદાવાદના ગોમતીપુરના અલઅમન એપાર્ટમેન્ટમાં રહેતા મન્સૂરીએ મણિનગરની એલજી હોસ્પિટલમાં બોમ્બની સામગ્રી તથા ગેસનો બાટલો ભરેલી કાર મૂકી હતી.
- અફઝલ મુત્તલીબ ઉસ્માની: ગવંડી અને શિવાજીનગર મુંબઈમાં રહેતા અફઝલ ઉસ્માનીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા વોર્ડ ખાતે વિસ્ફોટક ભરેલી કાર મૂકી બ્લાસ્ટ કરાવ્યો હતો.
- મુફતી અબુબસર અબુબકર શેખ: બીનાપુરા, આઝમગઢ, ઉત્તરપ્રદેશના રહેવાસી મુફતી અબુબસરે બ્લાસ્ટના કાવતરાના ભાગરૂપે મીટિંગો કરી જેહાદી ભાષણો આપ્યાં હતાં.
- સફદરહુસૈન જહીરુદ્દીન નાગોરી: નાગોરી મહોલ્લા, મહીદપુર, ઉજ્જૈનના વતની સફદરહુસૈને સીમી સંગઠનની ગેરકાયદે પ્રવૃત્તિ માટે ફંડ ભેગું કર્યું. આ નાણાંનો બોમ્બ બ્લાસ્ટ માટે ઉપયોગ કરાયો હતો.
- કયામુદ્દીન કાપડિયા: વાઈ તાઈવાડા, વડોદરાના રહેવાસી કયામુદ્દીને ખોટા પુરાવાથી મોબાઇલ સિમ કાર્ડ મેળવ્યા હતા, હોટેલોમાં, અમદાવાદના સ્વિમિંગ પૂલમાં ડમી નામે ઘૂસ્યો હતો.
- ઝાહીદ કુતબુદ્દીન શેખ: સિંધી એવન્યુ, જુહાપુરા, અમદાવાદના વતની ઝાહીદ શેખે સીમી સંગઠનની ગેરકાયદે પ્રવૃત્તિ માટે ફંડ ભેગું કર્યું. આ નાણાંનો બોમ્બ બ્લાસ્ટ માટે ઉપયોગ કરાયો હતો.
- સરફુદ્દીન સૈનુદ્દીન સત્તાર: મલ્લાપુરમ, કેરળના વતની સરફુદ્દીન સત્તારે ટાઇમ્બર બોમ્બ બનાવવા માટે ટાઇમર ચીપ બનાવી બોમ્બ બ્લાસ્ટ કરાવ્યો.
- સૈફુર રહેમાન અન્સારી: આઝમગઢ, ઉત્તરપ્રદેશના રહેવાસી સૈફુર અન્સારીએ જુદા જુદા વિસ્તારોની રેકી કરી હતી, બોમ્બ સાથેની સાઇકલ મેળવી નારોલ સર્કલ વિસ્તારમાં મૂકી.
શું છે સમગ્ર મામલો?
અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ 20 વિસ્તારમાં 21 બોમ્બ બ્લાસ્ટ થયા હતા. 56 લોકોના મોત થયા હતા અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ કેસમાં 20 એફઆઈઆર નોંધાઈ હતી, જ્યારે સુરતમાં પણ 15 એફઆઈઆર નોંધાઈ હતી. કેસમાં કુલ 99 આંતકવાદીને આરોપી તરીકે ગણવામાં આવ્યા હતા, તે પૈકી 82 આતંકવાદીને પકડી લેવાયા હતા. 8 આરોપી હજુ ફરાર છે.
બ્લાસ્ટ કેસમાં 1163 સાક્ષીઓની જુબાની લેવાઈ
આ કેસમાં કાવતરા અને બ્લાસ્ટના આરોપી અયાઝ સૈયદ તાજના સાક્ષી બનીને કોર્ટમાં જુબાની આપી હતી. આ કેસમાં 1,163 સાક્ષીઓની જુબાની લેવાઇ ચુકી છે.જ્યારે 1,237 સાક્ષીઓને સરકાર દ્વારા પડતા મુકાયા છે. 77 આરોપી દેશના 7 રાજ્યની વિવિધ જેલમાં છે. અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં 49, મધ્યપ્રદેશના ભોપાલની જેલમાં 10, મહારાષ્ટ્રમાં મુંબઈની તલોજા જેલમાં 4, કર્ણાટકના બેંગ્લુરુની જેલમાં 5, કેરળની જેલમાં 6 અને જયપુરની જેલમાં 2 તથા દિલ્હીની જેલમાં 1 આરોપી છે.ૉ
આ આરોપીઓ નિર્દોષ છૂટ્યા
શકીલ અહેમદ અબ્દુલ સલીમ, નદીમ અબ્દુલ નઈમ, મોહંમદ સમી ઉર્ફે અબ્દુલ સમી, ડો.અહેમદબેગ મુબારક ખ્વાજાબેગ, કામરાન ઉર્ફે ફજીલત હુસૈન હાજીસાહીદ, ફીરદોસરજા, મોહંમદ હબીબ ઉર્ફે હબીબ ફલાહી શેખ
સુરતમાંથી પણ 29 બોમ્બ મળી આવ્યા હતા
2008માં આતંકવાદીઓએ ગુજરાતમાં તબાહી મચાવવાનો મનસૂબો ઘડ્યો હતો. અમદાવાદ ઉપરાંત સુરતમાં પણ 29 ઠેકાણેથી બોમ્બ મળી આવ્યા હતા. મોટા ભાગના બોમ્બ વરાછા વિસ્તારમાં હીરાબજારની આસપાસથી મળી આવ્યા હતા. આતંકીઓએ સુરતને આર્થિક પાયમાલીમાં ઢકેલી દેવા કારસો રચ્યો હતો, પરંતુ સદ્દનસીબે એકેય બોમ્બ ફૂટ્યો નહોતો. ત્રણથી ચાર દિવસ સુધી સુરતમાંથી બોમ્બ મળી આવવાનો સિલસિલો ચાલ્યો હતો.