સુરતમાં હવે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ

એક સમય હતો કે જયારે સુરતના લોકો હૃદય, કિડની કે લીવરની બિમારી માટે મુંબઇ દોડી જતા હતા. પણ છેલ્લા થોડાક વર્ષો દરમ્યાન સુરત હવે મેડિકલ ક્ષેત્રે પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે. થોડાક સમય પહેલાં જ સુરતની કિરણ હોસ્પિટલમાં શહેરના જાણીતા શ્રી ગોવિંદભાઇ ધોળકિયાનું લીવર ટ્રાન્સ પ્લાન્ટ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. હવે મહાવીર કાર્ડિએક હોસ્પિટલમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવા માટેની મંજુરી મળી ગઇ છે. હાર્ટની સાથે સાથે આ હોસ્પિટલમાં લન્ગઝ ટ્રાન્સ પ્લાન્ટ પણ કરવામાં આવશે. આમ એક જ સ્થળે હાર્ટ અને લન્ગઝ (ફેફસાં) એમ બન્ને ટ્રાન્સ પ્લાન્ટ થતાં હોય એવી આપણા રાજયની મહાવીર હોસ્પિટલ પહેલી જ હશે. મહાવીર હોસ્પિટલના મેડિકલ ડાયરેકટર ડો. એમ.સી. ડિસિલ્વાએ જણાવ્યુ છે કે મુંબઇની રીલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી સુરતમાં આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. મુંબઇમાં સેંકડો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરનારા ડો. મૂળે સહિતની ટીમ શરૂઆતમા. સુરતમાં આવીને હાર્ટ ટ્રાન્સ પ્લાન્ટ કરશે. આ રીતે હાર્ટ, લન્ગઝ, લીવર, કિડની વગેરે ઓર્ગનના ટ્રાન્સપ્લાન્ટ સુરતમાં થવાથી આગામી દિવસોમાં સુરતમાં મેડિકલ ટુરિઝમ પણ વધશે. સુરતીઓ માટે આ એક ગૌરવની વાત છે!
સુરત- ડો. કિરીટ એન. ડુમસિયા  – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top