ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જાહેર કર્યું હતું કે હવે ટૂંક સમયમાં પાસપોર્ટમાં પણ માઇક્રોચિપ બેસાડવામાં આવશે, જેને કારણે પાસપોર્ટ ખોવાઈ નહીં જાય કે તેની સાથે છેડછાડ કરી નહીં શકાય. આ ચિપમાં વિદેશ પ્રવાસ કરતા નાગરિકની તમામ અંગત માહિતી સંઘરવામાં આવશે. વડા પ્રધાન મોદીએ એમ પણ જાહેર કર્યું હતું કે હવે દેશના તમામ નાગરિકને એક યુનિક ડિજિટલ નંબર આપવામાં આવશે, જે તેના આધાર કાર્ડ ઉપરાંત પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, રેશન કાર્ડ, પ્રોપર્ટી કાર્ડ અને પાસપોર્ટ સાથે પણ જોડાયેલો હશે. દેશના દરેક નાગરિકને ડિજિટલ નંબર આપવાનો વિચાર રોમાંચક છે પણ તેનાં ભયસ્થાનો પણ હશે. સરકારના હાથમાં દરેક નાગરિકની તમામ ખાનગી વિગતો આવી જશે. આ વિગતો કોઈ હેકરના હાથમાં આવી ગઈ તો તે બેન્ક એકાઉન્ટ ખાલી કરી શકશે. જો સરકાર કોઈ નાગરિકનું બેન્ક એકાઉન્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ વગેરે બ્લોક કરવા માંગતી હશે તો માઉસના એક ક્લિક વડે કરી શકશે.
નાગરિકોની સુવિધા માટેની આ ટેકનિક નાગરિકોને ગુલામ બનાવનારી બની જશે. આવતી કાલે સરકાર કાયદો કરીને દરેક નાગરિકને શરીરમાં ફરજિયાત ચિપ બેસાડવાનું પણ કહી શકે છે, જેમાં તેના દરેક ડેટાનો સંગ્રહ કરવામાં આવ્યો હશે. અમેરિકાના નાગરિકો આવી કોઈ પણ ચિપ શરીરમાં બેસાડવાના વિરોધમાં છે. આ કારણે અમેરિકાના મિશિગન રાજ્યની સંસદમાં એક બિલ પસાર કરવામાં આવ્યું છે. આ અંતર્ગત કંપનીઓ પોતાના કર્મચારીઓને શરીરમાં માઇક્રોચિપ લગાવવા માટે દબાણ કરી શકે નહીં. વર્ષ 2017 માં કંપનીઓએ એક નીતિ અમલમાં મૂકી હતી, જેના હેઠળ કર્મચારીઓના શરીરમાં RFID માઇક્રોચિપ્સ લગાવવાની હતી, જેથી ઓફિસમાં પ્રવેશતાની સાથે જ દરવાજો ખુલી જાય, કોમ્પ્યુટર ખુલી જાય અને કેન્ટીનમાંથી નાસ્તો લીધા પછી પેમેન્ટ પણ આપોઆપ થઈ જાય. ખાસ કરીને આ ચિપ દ્વારા કંપનીઓ કર્મચારીઓની ગતિવિધિઓ પર નજર રાખી શકતી હતી. જોકે, કંપનીઓની આ નીતિ સ્વૈચ્છિક હતી; પરંતુ,એવી આશંકા હતી કે કંપનીઓ કર્મચારીઓને આ ચિપ મેળવવા દબાણ કરી શકે છે. આ બિલ પાસ થયા બાદ કંપનીઓ માટે કર્મચારીઓ પર દબાણ કરવું ગેરકાયદેસર ગણાશે.માઈક્રોચિપ પ્રોટેક્શન નામના આ બિલ હેઠળ કર્મચારી પોતે જ પોતાના શરીરમાં ચિપ ઈમ્પ્લાન્ટ કરાવી શકે છે. જો કે, બિલ પસાર થયા પછી તેને કાયદો બનાવવા માટે અમેરિકાની સેનેટમાં પસાર કરવું આવશ્યક છે.
કેલિફોર્નિયા,અરકાનસાસ,મિસૌરી સહિત 10 રાજ્યોમાં આ બિલ પાસ થઈ ચૂક્યું છે. જેમણે બિલનો પ્રસ્તાવ મૂક્યો હતો તે મિશિગનના સંસદસભ્ય બ્રોના કાલને ડર છે કે જો આ નવી ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે, તો કર્મચારીઓની ગોપનીયતાના ઉલ્લંઘનની સંભાવના વધી જશે. અહીં આ નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરતી કંપની M32ના CEO ટોડ વેસ્ટબી કહે છે કે, આવનારા સમયમાં કર્મચારીઓના બિઝનેસ કાર્ડ,મેડિકલ માહિતી અને બેંકની માહિતી પણ આ ચિપમાં સેવ કરી શકાશે.ATM કાર્ડ અને પાસપોર્ટ ઉપરાંત પબ્લિક ટ્રાન્સપોર્ટની સેવા લેવા માટે પણ લોકો તેનો ઉપયોગ કરી શકે છે. ચોખાના દાણા જેટલા કદની ચિપની કિંમત લગભગ 23000 રૂપિયા છે. તેને શસ્ત્રક્રિયા દ્વારા હાથની કોઈ પણ જગ્યાએ દાખલ કરી શકાય છે. તેને ઇન્સ્ટોલ કર્યા પછી, તમારા હાથના ઇશારાથી, દરવાજા, વેન્ડિંગ મશીન, કમ્પ્યુટર વગેરે જેવાં મશીનો કામ કરવાનું શરૂ કરે છે. આનો ઉપયોગ કરીને, કંપનીઓના સંચાલકો કંપનીમાં કર્મચારીઓ ક્યાં સ્થળાંતરિત થયા હતા તેની માહિતી મેળવે છે.
1998માં કેપ્ટન સાયબોર્ગ તરીકે જાણીતા થયેલા બ્રિટિશ વિજ્ઞાની કેવિન વોરવિકે પહેલી વખત પોતાના શરીરમાં RFID માઇક્રોચિપનું ઇમ્પ્લાન્ટ કરાવ્યું હતું. આ ચિપ ચોખાના દાણા જેવડી હોય છે. તેની અંદર બિલ્ટ ઇન એન્ટેના ઉપરાંત એક ઇન્ટિગ્રેટેડ સર્કિટ (IC) હોય છે. એન્ટેના રેડિયો તરંગો મોકલી શકે છે અને ગ્રહણ પણ કરી શકે છે. IC રેડિયો સિગ્નલોને ઉકેલવાનું અને તેનો સંગ્રહ કરવાનું કામ કરે છે. RFIDમાં સંગ્રહ કરવામાં આવેલા ડેટાને વાંચવા માટે રિડરનો ઉપયોગ કરવામાં આવે છે. જે રીતે બારકોડના ડેટા માટે રિડરનો ઉપયોગ કરાય છે તેવું RFID ચિપનું પણ છે. કેટલીક એરલાઇન્સો મુસાફરોના સામાનનું ટ્રેકિંગ કરવા RFID ચિપનો ઉપયોગ કરે છે. લેટિન અમેરિકાના એનિમલ ફાર્મમાં પશુઓ ક્યાં ચરવા જાય છે? તેનું ટ્રેકિંગ કરવા પણ આ ચિપનો ઉપયોગ થાય છે.ગીરના જંગલમાં વિહરતા સિંહોનું ટ્રેકિંગ કરવા રેડિયો કોલરનો ઉપયોગ કરવામાં આવે છે. તે ગળાના પટ્ટામાં બેસાડવામાં આવે છે, પણ RFID ચિપ પ્રાણીના શરીરમાં જ બેસાડી દેવામાં આવે છે. અમેરિકાનાં ઘણાં માબાપોને તેમનાં બાળકોની બહુ ચિંતા હોય છે કે તેમનું અપહરણ તો નહીં થઈ જાય ને? ચિંતાગ્રસ્ત વાલીઓ પોતાનાં બાળકો ક્યાં છે? તે જાણવા માટે RFID ચિપ વાપરે છે. ભારત સરકાર દ્વારા જેમ આધાર કાર્ડ ફરજિયાત બનાવવામાં આવ્યું તેમ હવે ધીમે ધીમે આરોગ્ય સેતુ અને કોવિન જેવી એપ પણ ફરજિયાત બનાવવામાં આવી રહી છે. દેશની તમામ સરકારી તેમ જ ખાનગી કંપનીઓના કર્મચારીઓ માટે પણ આરોગ્ય સેતુ એપ ફરજિયાત બનાવી દેવામાં આવી છે. ભવિષ્યમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવે કે કોરોનાની રસી લેનારા દરેક નાગરિકના શરીરમાં RFID ચિપ બેસાડી દેવામાં આવશે તો નાગરિકોની સ્વતંત્રતા પર તરાપ આવી શકે છે. બેન્કનું ખાતું ઓપરેટ કરવા ચિપ ફરજિયાત કરવામાં આવે અને ચિપ બેસાડવા માટે કોરોનાની રસી ફરજિયાત કરવામાં આવે તો દેશના તમામ નાગરિકોની જિંદગી પર સરકારનો કાબૂ પ્રસ્થાપિત થઈ જશે.