સ્વર સામ્રાગ્ની સ્વ. લતા મંગેશકર (Lata Mangeshkar) વિષે આપણે જેટલી વાતો કરીએ તેટલી ઓછી છે. 80 દાયકાના તેમના ગાયકીના (Singer) કેરિયર અને 90 દાયકાના તેમના જીવન (Life) સાથે ધણી બધી વાતો કહાણીઓ જોડાયેલી છે. પરંતુ તેમના જીવનની કેટલીક વાતો એવી છે જે ભાગ્યેજ કોઈ જાણતું હશે. આ વાતો તમને અહીં જાણવા મળશે. એટલું જ નહીં દેશના મહાન કલાકારો, સંગીતકારો, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજો તેમના વિશે શું વિચારતા હતાં, શું કહેતા હતા તે જાણવું પણ દિલચસ્પ (Interesting) બની રહેશે.
લતાજીના જીવનની આ વાતો જે ભાગ્યે જ કોઈ જાણતું હશે..
- રેકોર્ડિંગના સમયે ખુલ્લા પગ રાખતા
- તેમને ફોટોગ્રાફીનો ખૂબજ શોખ હતો
- કાગળ પર લખતા પહેલા જયશ્રી કૃષ્ણ લખતા
- ભારતની મોટી ક્રિકેટ ટુર્નામેન્ટના દિવસે કોઇ કામ નહીં
- કોલ્હાપુરી મટન અને ફ્રાય માછલી સૌથી ફેવરીટ ડિશ
- ચેખોવ, ટોલ્સટોય અને ખલીલ ઝિબ્રાન પ્રિય સાહિત્યકાર
- સૌથી પ્રિય તહેવાર દિવાળી
- પડોશન, ટાઇટેનિક અને ગોન વિદ ધ વિંડ પ્રિય ફિલ્મ
- સૌથી મોટી નબળાઇ કોઇના પર પણ વિશ્વાસ કરવાની
- પહેલી વખત સ્ટેજ પર ગાવાનું ઇનામ 25 રૂપિયા મળ્યું
- સોમવાર અને ગુરુવારે વ્રત રાખતાં હતાં
- તેમને તેમના લાંબા વાળ ખૂબ પ્રિય હતા
લતા મંગેશકર વિશે દિગજ્જ લોકોએ આ શબ્દો કહ્યાં હતા…
- ‘‘ પહેલાં તો હું એમના પ્રભાવથી સ્તબ્ધ હતો. પણ પછી તરત મેં જોયું કે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ એમને જરા પણ બદલાવી શકી નથી. એમનાં મન અને હૃદયના ગુણો આપણને નિરસ્ત્ર કરી મૂકે છે. એમની સાદાઈ અને નમ્રતાને લીધે તેઓ મારી પ્રિય વ્યક્તિ બની ગયાં. જ્યાં સુધી કામને લાગેવળગે છે, ત્યાં સુધી તેઓ કોઈ બાંધછોડ નથી કરતાં.’’- આદિત્ય વિક્રમ બિરલા
- ‘‘જ્યારે સ્વર અને સૂર એકબીજાની સાથે સંપૂર્ણ તાલમેલ સાધે છે, ત્યારે એવું લાગે છે કે જાણે આત્મા કોઈ સર્વોચ્ચ શક્તિની સાથે એકાકાર બની ગયો હોય. હું જ્યારે પણ લતાજીને ગાતાં સાંભળું છું, ત્યારે મને આવી જ અનુભૂતિ થાય છે.” –અમિતાભ બચ્ચન
- ‘‘જો તાજમહેલ વિશ્વની સાતમી અજાયબી છે, તો લતા મંગેશકર વિશ્વની આઠમી અજાયબી છે.’’- ઉસ્તાદ અમજદ અલી ખાન
- “તમે ક્યારેય કોઈ ધોધને પાછો ઉપર ચડતાં જોયો છે?.……. મેં જોયો છે. દીદીના અવાજમાં સાંભળ્યો છે. એમના તાન-પલટાનો ઘંટડી જેવો સ્વર સાંભળતાં એવું લાગે જાણે કે કોઈ પહાડની ધાર પરથી જળપ્રપાત નીચે ધસી રહ્યો હોય અને પછી પાછો એ જ માર્ગે ઊર્ધ્વગમન કરી રહ્યો હોય.’’- આશા ભોંસલે
- “કમબખ્ત કભી બેસૂરી નહીં હોતી, ક્યા અલ્લાહ કી દેન હૈ!” –ઉસ્તાદ બડે ગુલામ અલીખાં
- “આજે એક સામાન્ય માનવી પણ શાસ્ત્રીય સંગીતમાં સમજ ધરાવતો થઈ ગયો છે, એ બાબત લતાને આભારી છે.” – પંડિત ભીમસેન જોશી
- “લતા શું છે ? શ્વેત સાડીમાં સમેટાયેલું પાંચ ફીટનું એક વામન અસ્તિત્વ. પણ એનો સ્વર? જાણે આ વિશ્વને અજવાળવા માટે આવ્યો હોય એવો, શુદ્ધ પ્રકાશનો સ્તંભ. આવનારી કંઈક પેઢીઓ આ ટેપ” અને “સી.ડી.ની ઋણી રહેશે, કારણ કે એની અંદર લતાનો અદ્ભુત કંઠ સચવાયેલો છે. એ લોકો ખરેખર નસીબદાર છે, જેઓ એને ખૂબ નિકટથી ઓળખે છે.…. પણ આજકાલ એ “લુચ્ચી છે ક્યાં… ઘણા વખતથી એને મળ્યો નથી !”- દિલીપકુમાર
- “લતાજીનો સ્વર એ આપણા સમયની એક સાંસ્કૃતિક ઘટના છે. આપણો એક પણ દિવસ એવો નહીં જતો હોય, જ્યારે એમનો મધુર સ્વર ઓછામાં ઓછો એક વાર આપણે ન સાંભળ્યો હોય સિવાય કે આપણામાંથી કોઈ બધિર હોય !”- ગુલઝાર
- “વીસમી સદીની માત્ર ત્રણ જ ચીજોને યાદ રાખવામાં આવશે : લતા મંગેશકરનો જન્મ. ચંદ્ર ઉપર માનવીનો વિજય. અને બર્લિનની દીવાલનું પતન.”- જગજીત સિંઘ
- “આપણી પાસે એક સૂર્ય છે, એક ચંદ્ર છે અને એક જ લતા છે.”-જાવેદ અખ્તર
- ‘‘જ્યાં સુધી દીદીને લાગેવળગે છે ત્યાં સુધી હું એવું કહી શકું કે અમારો પ્રયત્ન “એક આના જેટલો હોય છે અને તેઓ એને “સોળ આનામાં પરિવર્તિત કરી આપે છે !’’-લક્ષ્મીકાંત પ્યારેલાલ
- “લતા એકમાત્ર એવી ગાયિકા છે, જેને હું મારી કવિતામાં ફેરફાર કરવાની મંજૂરી આપું છું.”- મજરૂહ સુલ્તાનપુરી
- “મારા શબ્દો નોંધી રાખજો, એક દિવસ આ છોકરી અતિશય સફળ ગાયિકા બનશે.”- નૂરજહાં (૧૯૪૩)
- “સાચા અર્થમાં તેઓ ભારતરત્ન’ છે.” – સુનીલ ગાવસકર
- “સામાન્યપણે ગાયક સંગીતને અનુસરતો હોય છે. લતાના કિસ્સામાં સંગીત ગાયકને અનુસરે છે.” – યશ ચોપરા
- “વધુમાં વધુ હું મારા વાયોલિન ઉપર તમારા અદ્દભુત ગીતને પુનર્જન્મ આપવાનો પ્રયત્ન માત્ર કરી શકું.”- જગપ્રસિદ્ધ વાયોલિન વાદક યહૂદી મેન્યુહિન