એક દિવસ યુવાન રાહિલ બહુ વિચારોમાં હતો.ભણવામાં ડિગ્રીનું છેલ્લું વર્ષ હતું એટલે રોજ તેના મનમાં ગડમથલ ચાલતી કે ભણી લીધા પછી શું કરવું? નોકરી કરવી કે કોઈ બિઝનેસ? દિલ કહેતું હતું કોઈ બિઝનેસ કર અને મગજ કહેતું હતું કે નોકરી કર….તે નિર્ણય લઇ શકતો ન હતો. જો નોકરી કરવી તો કેવી રીતે સારી નોકરી મેળવવી અને જો બિઝનેસ કરવો તો શેનો બિઝનેસ કરવો? આ પ્રશ્નો હતા. રાહિલ સતત આ વિષે જ વિચારતો…પરીક્ષા આવી …પેપર સારા ગયા…રીઝલ્ટ પણ આવી ગયું …અને કેમ્પસ પ્લેસમેન્ટમાં આપેલા ઇન્ટરવ્યુમાં તેની પસંદગી પણ થઇ ગઈ.નોકરી તો મળી ગઈ, પણ હજી રહિલ ચોક્કસ રીતે નક્કી કરી શક્યો ન હતો કે તેને આ નોકરી કરવી છે કે રિસ્ક લઈને કોઈ બિઝનેસ…..
નોકરીના પહેલા દિવસની આગલી રાતે તે અગાસીમાં બેસીને તારાઓ જોઈ રહ્યો હતો.તેના દાદા ત્યાં આવ્યા અને બોલ્યા, ‘રાહિલ,અહીં શું કરે છે બેટા? ઊંઘ નથી આવતી રાતના દોઢ વાગ્યા ..’ રાહિલ હસ્યો, ‘ના દાદા, કંઈ નહિ, પણ તમે કેમ જાગો છો? દાદા બોલ્યા, ‘બેટા, મારી તો ઉંમર થઈ એટલે ઊંઘ જ ઓછી આવે અને હું તો રોજ રાત્રે અહીં આંટા મારવા આવું છું.તું પહેલી વાર આવ્યો છે એટલે જ પૂછું છું કે શું થયું છે?કોઈ મૂંઝવણ છે?’ રાહિલ બોલ્યો, ‘હા દાદા, છેલ્લા ઘણા મહિનાઓથી વિચારું છું કે નોકરી કરું કે બિઝનેસ …મન કહે છે, નોકરી કર અને મગજ કહે છે બિઝનેસ. સફળ ન જાય ત્યાં સુધી ટેન્શન અને જો બિઝનેસમાં નુકસાન ગયું તો … તેના કરતાં નોકરી કર. બસ માત્ર કામ કરવાનું બીજી કોઈ ચિંતા જ નહિ.દાદા કાલે નોકરીનો પહેલો દિવસ છે, પણ હજી મારું મન તો બિઝનેસ કરવાનું જ કહે છે.
મનમાં બે થી ત્રણ બિઝનેસ આઈડિયા છે અને પ્રોજેક્ટ પ્લાનિંગ પણ કરી રાખ્યું છે.પણ શું કરું કંઈ સમજાતું નથી.બિઝનેસ સફળ થતાં થોડો સમય લાગશે.વળી જો સફળતા ન મળી અને નુકસાન થયું તો ….એટલે નિર્ણય લઇ નથી શકતો કે નોકરી કરું કે બિઝનેસ.’ દાદાએ કહ્યું, ‘દીકરા, જો જીવનમાં આવા અઘરા નિર્ણય લેવાનું આવતું જ રહેશે એટલે તું મારી વાત સમજી લે.તને જે ઠીક લાગે તે કરજે, પણ સમજી વિચારીને નિર્ણય લેજે, પણ સાથે સાથે મારો નિર્ણય ખોટો પડશે તો શું થશે તેની ચિંતા કરવામાં માત્ર વિચારવામાં જ સમય ન ગુમાવતો.જો સાચો નિર્ણય લઈશ તો સફળતા મળશે અને તારો આત્મવિશ્વાસ વધશે અને જો કદાચ કોઈ નિર્ણય ખોટો પડ્યો તો શીખવા મળશે.અનુભવ મળશે, માટે નિર્ણય લેતાં ડરવું નહિ; નિર્ણય ખોટો પડશે તો ….એમ વિચારી અટકવું નહિ. બસ આગળ વધતા રહેવું.’ દાદાએ રાહિલને જીવનનો પાઠ સમજાવ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.