સુરત: સુરતમાંથી (Surat) લતા મંગેશકર (Lata Mangeshkar) સાથેના સંબંધમાં ઝાઝો ઉલ્લેખ ન મળે, પણ મૂળ સુરતના વતની કૃષ્ણકાંતભાઈ (કેકે) ને હિન્દી ફિલ્મના વીતેલા વર્ષના કલાકારો સાથે સંઘર્ષના સમયથી ઘરોબો રહ્યો હતો. એ વાતોનો ઉલ્લેખ કેકે સાહેબ ‘ગુજરાતમિત્ર’ની ‘રવિવારીય પૂર્તિ’ની તેમની જ કોલમ ‘ગુઝરા હુઆ ઝમાના’માં કરતા હતા એમાં લતા મંગેશકરની વાત પણ ક્યારેક આવતી. એ જ કોલમમાંનો એક પ્રસંગ અહીં આજે લતાજી માટે સુરતની પરોક્ષ અંજલિ બની રહે એવો છે.
‘ગુઝરા હુઆ ઝમાના’ની એ કોલમમાં કેકે (KK) સાહેબે કહ્યું હતું કે, હું, દિલીપકુમાર, દેવાનંદ સહિતના પચાસના દાયકાના કલાકારો જે-તે સ્ટુડિયો પર જવા જે-તે શેરિંગ ટાંગામાં જતા. લતા, આશા પણ બીજા ટાંગામાં આવતાં. સૌ સ્ટુડિયોમાં ભેગાં થતાં. એવામાં એકવાર એવું બન્યું કે, જુદા જુદા રેકોર્ડિંગ માટે આશા-લતા સાથે હતાં. હું ‘હાવડાબ્રિજ’ ફિલ્મના શૂટિંગ માટે એ સ્ટુડિયો પર હતો. એક વૃક્ષ નીચે હું, લતાજી અને આશાજી અન્ય કલાકારની રાહ જોતાં હતાં. ત્યાં મધુબાલાનું આગમન થયું, પણ સંઘર્ષના સમયે સારા ગાયક છતાં લતા લઘુતા અનુભવતા, મધુબાલાનું રૂપ જોઈને મને કહેતાં કેકેભાઈ, મારે કે આશાએ આટલી સુંદર યુવતી માટે ગાવાનું આવે છે. સારું કહેવાય, ક્યાં એ અને ક્યાં અમે ? કેકે સાહેબ સામે જવાબ આપતા કે, એ રૂપે સુંદર છે, આપ સ્વરે સુંદર છો, ઓછપ ન અનુભવો.
વાસ્તવિકતા એ હતી કે, મધુબાલા કોઈપણ ફિલ્મ સાઈન કરતાં, તો પહેલી શરત લતાજીને જ લેવાની રહેતી. ‘હાવડાબ્રિજ’માં પણ લતા હોત. કારણ કે, મધુબાલા હતાં. પણ સામે છેડે ઓ.પી.નૈયર હતા. જેમણે ક્યારેય લતા પાસે ગીતો ગવડાવ્યાં ન હતાં.
લતા મંગેશકરે દિલીપકુમારને કેમ કહ્યું હતું કે, ‘ભાઈ આપકે સાથ સુરત જાનેમે આનંદ આતા, લેકિન મેં યુએસમે હું.’
સુરત: હિન્દી ફિલ્મોના મહાન અભિનેતા, અભિનેત્રીઓ અને ગાયક, ગાયિકાઓએ સુરતમાં કાર્યક્રમો કર્યા છે, પણ અપવાદરૂપ બે વાર લતા મંગેશકરનો સુરતમાં કાર્યક્રમ યોજવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. પણ એ શક્ય બન્યો ન હતો. બે વાર ભારતના પ્રભાવશાળી લોકોએ લતાને સુરતમાં ચેરિટીના હેતુ માટે કાર્યક્રમ યોજવા જણાવ્યું હતું. પણ એકવાર લતા અમેરિકા હતાં. જ્યારે બીજીવાર કાર્યક્રમના આગલા દિવસો દરમિયાન તેમને શરીરે થયેલી ગાંઠનું ઓપરેશન કરાવવા લંડન જવાનું હતું. લતાએ બીજીવાર કાર્યક્રમ યોજવા તૈયારી પણ દર્શાવી હતી. પણ 7 દાયકાના ફિલ્મી સફરમાં કોકિલકંઠી લતા મંગેશકર સુરતમાં એકપણ વાર આવી શક્યાં ન હતાં. જો કે, લતાની બહેનો આશા ભોંસલે અને ઉષા મંગેશકર સુરત કાર્યક્રમોમાં આવ્યાં હતાં. આશા ભોંસલે 3 વાર સુરતના મહેમાન બની ચૂક્યાં છે. લતા મંગેશકરને સાયરબાનુ સાથે સુરત લઈ જવા ટ્રેજેડી કિંગ અભિનય સમ્રાટ દિલીપકુમારે આમંત્રણ આપ્યું હતું.
મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીના સેક્રેટરી ડો.એ.યુ.સૈયદે જણાવ્યું હતું કે, 1985ના વર્ષમાં સીમ્ગા સ્કૂલના ઝેવિયર્સમાં યોજાયેલા ફંડ રેઝિંગ કાર્યક્રમ માટે દિલીપકુમારના પીએ જ્હોને લતાનો સંપર્ક કરી દિલીપકુમાર સાથે વાત કરાવી હતી. દિલીપકુમારે અમારી સામે લતાને ફોન પર કહ્યું હતું કે, સુરતની એક સ્કૂલના ચેરિટીના કાર્યક્રમમાં દીદી તારે મારી સાથે આવવાનું છે. ત્યારે સામે છેડેથી લતાએ દિલીપકુમારને કહ્યું હતું કે, ‘ભાઈ આપકે સાથ સુરત જાનેમે આનંદ આતા, લેકિન મેં યુએસમે હું. યહાં 6 મહિને કા સ્ટે હૈ. બાદ મેં આપ જબ બોલો તબ સાથ ચલેંગે’. વાત એવી હતી કે, ફંડ રેઝ કરવા માટેની કમિટીએ એ સમયના સ્ટાર ગાયક શબ્બીરકુમારને રોક્યો હતો. શબ્બીરકુમાર ‘બેતાબ’ ફિલ્મ પછી લોકપ્રિયતાની ચરમસીમાએ હતો. દિલીપકુમારે ત્યારે સામો સવાલ કર્યો હતો. એ તો ખૂબ રૂપિયા માંગશે અને જો લતા સાથે હશે તો તમારા રૂપિયા બચશે. આ કાર્યક્રમ સફળ થાય એ માટે એ સમયના શિક્ષણમંત્રી હસમુખ પટેલ, અર્બન મિનિસ્ટર બાબુભાઈ સોપારીવાલા અને સાંસ્કૃતિક સમિતિના ચેરમેન કદીર પીરઝાદાએ ભરચક પ્રયાસ કર્યા હતા.
કદીર પીરઝાદા કહે છે કે, બીજીવાર એસડીસીએના લાલભાઈ સ્ટેડિયમના કાર્યક્રમ માટે એ સમયે બીસીએ અને બીસીસીઆઈના અધ્યક્ષ રહેલા રાજસિંહ ડુંગરપુરે મારફત લતા મંગેશકરને સુરત લાવવા પ્રયાસ થયો હતો. કનૈયાભાઈ કોન્ટ્રાક્ટર, હેમંત કોન્ટ્રાક્ટર, પ્રો.રાવલ અને નિર્મલ વખારિયા સહિતના પ્રતિનિધિમંડળને ડુંગરપુરેએ બ્રેબોન સ્ટેડિયમમાં લંચ માટે ઇજન આપી લતા મંગેશકરને સુરતમાં કાર્યક્રમ યોજવા મિત્રભાવે ફોન કર્યો હતો. પણ એ સમયગાળામાં લતા શરીરની ગાંઠનું ઓપરેશન કરાવવા લંડન જવાનાં હતાં. એટલે એ કાર્યક્રમ ગોઠવાયો ન હતો. લતાએ પરત આવીને કાર્યક્રમ કરવા તૈયારી દર્શાવી હતી. પણ આ કાર્યક્રમ પછી યુટિલાઈઝ થયો ન હતો. કોન્ટ્રાક્ટર પરિવારના મુંબઈના બંગલે પ્રતિનિધિમંડળ રોકાઈ રાજસિંહ ડુંગરપુરેને મળવા ગયું હતું. ડુંગરપુરે લતાના ખાસ મિત્ર હતા અને એમની વાત નકારશે નહીં એવી વાત સામે આવી હતી.