ચૂંટણીપંચ રાજકીય પક્ષોને કહે છે કે ચૂંટણીમાં ગુનાઇત ઇતિહાસ ધરાવનારને ટિકિટ આપે તો તેનું ચેક્કસ કારણ જનતાને આપે અને તે કેટલાં ગુનાઇત કેસો ધરાવે છે તે બાબતે અખબાર, ટી.વી.વ. માધ્યમો દ્વારા તેની જાહેરાત કરવાની રહેશે. વાહ ! ચૂંટણીપંચ! તમે તો ગુનાઇત ઇતિહાસ ધરાવનારને ગંગાના પાણીએ ધોઇને શુધ્ધ બનાવી દીધા. ચૂંટણીપંચ સ્વાયત સંસ્થા છે તેણે આવા ગોળ ગોળ આદેશોના બદલે કોર્ટના અવલોકન મુજબ ગુનાઇત ઇતિહાસ ધરાવનારને ચૂંટણીમાં ટિકિટ જ ન આપે તેવા આદેશ કરવા જોઇએ. જેથી દાગી ઉમેદવારોના હાથમાં સત્તાની લગામ ન આવે. હત્યા, બળાત્કાર, અપહરણ જેવા ગંભીર ગુનેગાર સામે એવી દલીલ કરવામાં આવે છે કે જયાં સુધી તે ગુનેગાર સાબિત ન થાય ત્યાં સુધી તે નિર્દોષ છે.
દલીલ સો ટકા સાચી છે પણ આવી વ્યકિત ચૂંટણી જાય અને હોદા ઉપર રહીને પાંચ વર્ષ દરમ્યાન તગડો પગાર અને વ. બધાજ લાભો મેળવે અને પેન્શન પણ મેળવે છે. છેલ્લે તે ગુનેગાર સાબિત થાય અને જેલ થાય ત્યારે આ બધા જ લાભો અને હક્કો ભોગવ્યા તેનું શું ? આવી વ્યકિત ચૂંટાયા બાદ કેસોને ઇરાદા પૂર્વક લંબાવ્યે જાય છે. વીસ પચીસ વર્ષ સુધી કોઇ નિર્ણય ન આવતા સંપૂર્ણ લાભો મથાવતા રહે છે. આ બાબત નિવારવા માટે ગુનાઇતને ચૂંટણીમાં ઉભા જ ન રહી શકે. તેવા કાયદાની તાતી જરૂર છે. આવો કાયદો કરવામાં રાજકીય પક્ષોને સહેજે રસ નથી તેમને તો ‘મત’ ખેંચી લાવે એજ લક્ષ છે. સામાન્ય પટાવાળાની નોકરી માટે લાયકાત અને ગુનાઇત નથી તે ધ્યાનમાં લેવામાં આવે છે. પણ અહી તો આખા દેશનો કે રાજ્યનો વહિવટ કરનાર વિધાનસભ્ય કે સાંસદ માટે કોઇ લાયકાતની તો જરૂર નથી પણ ગુનાઇત હોય તો પણ ચાલે! આ કારણે રાજકારણમાં દિવસે દિવસે અપરાધીકરણ વધતુ જાય છે જે લોકશાહી માટે ખતરાની નિશાની છે.
ગાંધીનગર – ભગવાનભાઇ ગોહેલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.