વાપી: (Vapi) વલસાડ પોલીસના (Police) માથે હાલ પનોતી ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. એક પછી એક પોલીસ કર્મચારીઓ પોતાની કામગીરીમાં બેજવાબદાર રહેતા સસ્પેન્ડ થઈ રહ્યા છે. જેમાં વધુ એક નામ ઉમેરાય તો નવાઈ નહીં, આ ભાઈ રેલવેમાં જમાદાર તરીકે નાઈટમાં નોકરી કર્યા બાદ દિવસે દમણથી દારૂની હેરાફેરી (Alcohol Rigging) કરતાં પારડી પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે કાર તેમજ દારૂના જથ્થા સહિત કુલ રૂ.3,33,600 નો મુદ્દામાલ કબજે કરી 4 આરોપીને વોન્ડેટ જાહેર કર્યા છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો આશિષ બાબુ ગરાસીયા (ઉ.વ.52, રહે. બી-04, રૂમ નં.49, રેલવે પોલીસ લાઈન, વલસાડ મૂળ રહે. સરાકેવડી, પટેલ ફળિયા, તા.વાંસદા)નાઈટમાં જમાદારની ડ્યૂટી પૂરી કરી દિવસે ઘરે આવી પોતાની કારમાં દમણથી દારૂનો જથ્થો ભરી લઈ આવી ઉદવાડાના બૂટલેગરોને પહોંચાડતો હતો. દરમિયાન પારડી પોલીસની ટીમ ઉદવાડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે ટીમને બાતમી મળી કે, એક વ્યક્તિ પોતાની કારમાંથી મોતીવાડા બ્રિજની સામે ખાખી પૂઠાંના બોક્સમાં દારૂનો જથ્થો ઉતારી રહ્યો છે. પારડી પોલીસે બાતમીના આધારે મોતીવાડા બ્રિજની સામે ખૂલ્લા ગ્રાઉન્ડમાં ઉદવાડા રેલવે સ્ટેશનની સામે પહોંચી કારમાંથી દારૂનો જથ્થો ઉતારી રહેલા વ્યક્તિને કોર્ડન કરી ખાખી પૂઠાંના બોક્સમાં તપાસ કરતાં ઈંગ્લિશ વ્હિસ્કી દારૂ અને ટીન બિયરનો જથ્થો જોવા મળ્યો હતો.
પોલીસે તેનુ નામઠામ પૂછતાં તેણે પોતાનું નામ આશિષ બાબુ ગરાસીયા, રેલવે પોલીસ લાઈનમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે દારૂની પરમિટ માગતાં તેની પાસે કોઈ પરમિટ ન હતી. પોલીસે આ દારૂ ક્યાંથી લાવ્યો અને કોને પહોંચાડવાનો હતો, તેની પૂછપરછ કરતાં દારૂનો જથ્થો ચંદન નામના વ્યક્તિએ દમણથી ભરાવી ઉદવાડા ખાતે તેના 3 પાર્ટનરોને પહોંચાડવા જણાવ્યું હતું. પોલીસે 6 ખાખી પૂઠાંના બોક્સમાંથી બાટલી નંગ 187 કિં.રૂ.28,100, રૂ. 3 લાખની કાર, બે મોબાઈલ અને ગુજરાત પોલીસનો આઈકાર્ડ કબજે કરી કુલ રૂ.3,33,600નો મુદ્દામાલ જપ્ત કરી દમણથી ગેરાકાયદે દારૂની હેરાફેરી કરતો રેલવે જમાદાર આશિષ બાબુ ગરાસીયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
4 વોન્ટેડ કોણ કોણ
ચંદન માલ ભરાવનાર (રહે. રેંટલાવ, ઉદવાડા સ્ટેશનની આજુબાજુ) 2. કનુ ઉર્ફે કનુવાદી શાહભાઈવાદી (રહે. રેંટલાવ, ઉદવાડા આરએસ) 3. ટિનીયો ઉર્ફે પ્રદીપ રામચંદ્ર જયસ્વાલ (રહે.રેંટલાવ, ઉદવાડા આરએસ) 4. અરવિંદ ઉર્ફે અરવિંદ ચઢ્ઢો (રહે.ઉદવાડા રેલવે કોલોની, ઉદવાડા આરએસ)
જમાદાર અગાઉ પણ દારૂના કેસમાં ફરજ મોકૂફ કરાયો હતો
મળતી માહિતી મુજબ પારડી પોલીસના હાથે દારૂની હેરાફેરીમાં પકડાયેલો રેલવે પોલીસ જમાદાર આશિષ ગરાસીયા અગાઉ પણ દારૂના કેસમાં તેમજ અન્ય કેસમાં વિવાદમાં રહ્યો હતો. જેથી તેને ફરજ મોકૂફ પણ કરાયો હતો. વારંવાર દારૂ જેવી બદીના કેસમાં સપડાતાં આશિષ ગરાસીયો ફરી વિવાદમાં આવ્યો છે. સરકારી કર્મચારી બની દારૂનો ધંધો કરતાં બૂટલેગરોને ખાખીના રોફમાં મદદ કરવા નિકળેલો આશિષ ગરાસિયા તો હાલ પારડી પોલીસમા જાપ્તામાં છે. આ વિવાદ બાદ રેલવે પોલીસ તંત્ર શું પગલાં ભરે છે, તે જોવું રહ્યું.