કડોદરા ચાર રસ્તા નજીક એક વર્ષથી ખુલ્લી ગટર વાહનચાલકો માટે જોખમી બની

પલસાણા(Palsana): કડોદરા (Kadodra) ચાર રસ્તા નજીક મોહન કોમ્પ્લેક્સ (Mohan Complex) સામે નગરપાલિકાની ખુલ્લી ગટરમાં (Open sewer) ગત રાત્રે ફરી એક કાર (Car) પડતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આ ખાડો છેલ્લા એક વર્ષથી યથાવત સ્થિતિમાં છે. જે નહીં પુરાતાં મોટી દુર્ઘટનાની આશંકા છે. આ બનાવમાં કારચાલકનો બચાવ થયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર કડોદરા ચાર રસ્તાથી ચલથાણ તરફ જતા સર્વિસ રોડ પર એક ખાનગી સ્કૂલની બહાર જ મોહન કોમ્પ્લેક્સ સામે એક મોટો ગટરનો ખુલ્લો ખાડો છે. રાત્રિના સમયે આ ખાડો નજરે ન પડતાં જેમાં છેલ્લા કેટલાક સમયથી સંખ્યાબંધ વાહનચાલકો આ ખાડામાં પોતાનું વાહન ઉતારી દે છે. સદનસીબે આજ સુધી કોઈ ગંભીર ઘટના નથી બની. ત્યારે શુક્રવારે મોડી રાત્રે એક સેલેરિયો કાર નં.(GJ-19-AM-9182)ના ચાલકે આ ખુલ્લી ગટરમાં અંધારામાં કાર ઉતારી દીધી હતી. આસપાસના લોકોને જાણ થતાં કારચાલકને હેમખેમ બહાર કાઢ્યો હતો. આ ખુલ્લી ગટર સફાઈ કરવા માટે કડોદરા નગરપાલિકા દ્વારા મોટો ખાડો એક વર્ષ અગાઉ ખોદ્યા બાદ બંધ નહીં કરતાં અનેક વાહનો આ ખાડામાં પડ્યાં છે. સૌથી ગંભીર સમસ્યા તો એ કહેવાય કે, આ મોટા ગટરના ખાડા નજીક જ એક સ્કૂલ આવેલી છે. તો નગરપાલિકા આ ખાડામાં કોઈ વિદ્યાર્થીનો ભોગ લેવાય બાદ ગટરનો ખાડો બંધ કરશે કે પછી આને માટે પણ લોકો આંદોલન કરે એ પહેલાં વહેલી તકે નિરાકરણ આવે એવી લોકમાંગ છે.

પલસાણાના ડાભાની સીમમાં થાંબલા સાથે ભટકાતાં બાઇકસવારનું મોત
પલસાણા: પલસાણાના ડાંભા ગામની સીમમાં ચલથાણથી સણીયા કણદે ગામ તરફ જતાં રોડ ઉપરથી પસાર થઈ રહેલ મોટરસાઇકલના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બાઇક સિમેન્ટના થાંભલા સાથે ભટકાતાં યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ પલસાણાના ચલથાણ ગામે નવા હળપતિવાસમાં રહેતા રાહુલ દિનેશ રાઠોડ મજૂરીકામ કરી ગુજરાન ચલાવે છે. તેનાં માતાપિતાનું અવસાન થતાં રાહુલ પત્ની અને બાળકો સાથે ડાંભા ગામે હળપતિવાસમાં રહેતા તેના મામાના ઘરે રહેવા જતો રહ્યો હતો. અને શનિવારે ડાંભા ગામમાં લગ્નપ્રસંગ હોવાથી રાહુલ રાઠોડ પલ્સર બાઇક નં.(જીજે-19-બીબી-9171) લઈ ડાંભા ગામની સીમમાં ચલથાણથી સણીયા કણદે ગામ તરફ જતાં રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. એ સમયે બાઇક પૂરઝડપે હંકારતાં તેણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બાઇક વિક્રમસિંહ ગણપતસિંહ સોલંકીના ખેતરની સામે આવેલ સિમેન્ટના થાંભલામાં ભટકાઈ હતી. આ અકસ્માતમાં રાહુલ રાઠોડને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજા પહોંચતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કડોદરા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top